ટેબલ વોર મામલે લોક અદાલતનો બહિષ્કાર કરવાની અગાઉ અપાઇ હતી ચીમકી : વકીલ આલમમાંથી આવકાર
રાજકોટ કોર્ટની નવી ઇમારતમાં પ્રવેશ સાથે જ વિવાદના જે શ્રી ગણેશ થયા છે તેનો હવે અંત નજીક આવતો હોય તેવુ લાગે છે. કારણ કે બાર એસો. દ્વારા ટેબલ વોર મામલે એક દિવસ કામનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લોક અદાલતનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી. પરંતુ વકીલ આલમના જણાવ્યા મુજબ બાર એસો.એ લોક અદાલતનો બહિષ્કાર કરવાનું ટાળ્યું છે. સાથે સાથે આગામી શનિવારે તા.૯ના રોજ યોજાનારી લોક અદાલતમાં જોડાવાની પણ તૈયારી પણ દાખવી છે.
અત્રે એ નોંધનીય છે કે બાર એસો.એ લોક અદાલતને સહકાર આપવાનો નિર્ણય લેતા તમામ વકીલ આલમમાંથી આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. બાર એસો.ના પૂર્વ પ્રમુખ સંજય વ્યાસે નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે લોક અદાલતનો બહિષ્કાર કરવાનો નિર્ણય ટાળવામાં આવ્યો છે તેને હું આવકારૂ છું અને ભવિષ્યના દિવસોમાં બાકીની બાબતોનો પણ ઉકેલ આવે અને રાજકોટ બાર એસો. અને કોર્ટની ગરીમા જળવાઇ રહે તેવી મારી શુભેચ્છા છે.