- કમોસમી વરસાદ-વાવાઝોડાની અસરોને પગલે આ વર્ષે લોકોને કેરી મોડી ખાવા મળશે
- દક્ષિણ ગુજરાતમાં મોડે મોડે ઠંડી નીકળતા મંજરી મોડી ફૂટતાં કેરી જૂનમાં પાકશે
- કમોસમી વરસાદ અને ધુમ્મસથી અન્ય ખેતીપાકોની સાથે કેરી પાકને મોટું નુકસાન
દક્ષિણ ગુજરાતમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં આંબા કલમો પર ભરપૂર મંજરીઓ ખીલેલી જોવા મળે છે. બે મહિના પહેલાં દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ અને ધુમ્મસથી અન્ય ખેતીપાકોની સાથે કેરી પાકને મોટું નુકસાન થાય તે રીતે મંજરીઓ નષ્ટ થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ લગાતાર ઠંડીનું વાતાવરણ રહેતા અત્યારે ભરપૂર મંજરી ખીલી છે. આંબાકલમો પર બે ફાલમાં કેરી બેસી રહી છે, જેથી કેરીની સિઝન લંબાવાથી ખેડૂતોને નુકસાન અને ભરઉનાળે મીઠી મધુર કેરી પાકી ખાવાની મળવા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. કેરીની સિઝન આખરમાં એટલે કે જૂન સુધી લંબાતા ખેડૂતોને મોટું નુકસાન થશે.
ફળોના રાજા ગણાતા કેરી પાક ઉત્પાદન માટે આ વર્ષે શરૂઆતમાં પ્રતિકૂળ વાતાવરણ સર્જાયેલું
મળતી વિગતો પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે ઉત્પાદિત થતા ફળોના રાજા ગણાતા કેરી પાક ઉત્પાદન માટે આ વર્ષે શરૂઆતમાં પ્રતિકૂળ વાતાવરણ સર્જાયેલું રહેતા સુરત જિલ્લામાં બારડોલી, મહુવા, કામરેજ, પલસાણા, માંડવી, માંગરોળ, તાપી જિલ્લામાં વાલોડ, વ્યારા, સોનગઢ, નવસારી જિલ્લામાં નવસારી તાલુકો, વિજલપોર, ગણદેવી, ચીખલી, વાંસદા, વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકો, ધરમપુર, પારડી, કપરાડા, ડાંગ જિલ્લાનો કેટલોક વિસ્તાર અને સંઘપ્રદેશમાં તમામ પ્રકારની વેરાઇટીની આંબાવાડીની કલમો ઉપરાંત દેશી કેરીના આંબાઓ પર ભરપૂર મંજરીઓ ખીલી ન હતી. અને જે આંબા કલમો પર મંજરીઓ ખીલી હતી તે ગત ડિસેમ્બર અને જાન્યુઆરીની શરૂઆતમાં એટલે કે બે મહિના પહેલા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના ઝાપટાં અને ત્યારબાદ વાદળછાયું વાતાવરણની ગંભીર અસરથી ત્રણેક દિવસ સુધી શીતલહેર પડવાથી શરૂઆતના સમયમાં ખીલેલી આંબા કલમો ઉપરની મંજરી 70 ટકાથી વધુ નષ્ટ થઈ ગઈ હતી. ત્યારે એવું લાગતું હતું કે, આ વર્ષે કેરીનો પાક નિષ્ફળ જશે.
ખેડૂતો મોટી ચિંતામાં મુકાયા હતા
ખેડૂતો મોટી ચિંતામાં મુકાયા હતા, પરંતુ દસેક દિવસની કમોસમી વરસાદની ગંભીર અસરો પછી ડિસેમ્બરની 20મી પછી સૂકું વાતાવરણ અને ઠંડીનું વાતાવરણ રહેતા જ્યાં જુઓ ત્યાં આંબાકલમો મંજરીઓ (મોર) ખીલવાનું શરૂ થયું હતું. એક વખત નષ્ટ થઈ ગયેલી મંજરીઓવાળી કલમો પર બીજા ફાલ માટે મંજરીઓ ખીલતાં અત્યારે કેરીનો પાક બે ફાલમાં થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે.
આ મંજરીઓમાંથી કેરીનો દાણો વધુ માત્રામાં બેસે તે માટે દવાઓનો છંટકાવ કર્યો
આંબાકલમો પર પૂરેપૂરી મંજરીઓ નહીં ખિલવાના કારણે સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં મોટી આંબાવાડીઓ ધરાવતા ખેડૂતોએ દવાનો છંટકાવ કરાવ્યો છે. ત્યારબાદ જાન્યુઆરીમાં આ મંજરીઓમાંથી કેરીનો દાણો વધુ માત્રામાં બેસે તે માટે દવાઓનો છંટકાવ પણ કર્યો છે. કેટલેક અંશે રોગ, જીવાત પડે નહીં તે માટે અને મંજરીઓની ફૂટ વધુ ટકેલી રહે અને તેમાંથી કેરી સારી બેસે તે માટે ખેડૂતો દવાના સ્પ્રે છંટકાવ કર્યો છે.
આ વર્ષે ડિસેમ્બર બાદ ફેબ્રુઆરીમાં પણ નવી મંજરીઓ ખીલી, વરસાદનું જોખમ
જાન્યુઆરીમાં કેરીનો મોટો દાણો બેસી જાય છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરીમાં પણ નવી મંજરીઓ ખીલી છે, એટલેે કે કેરીનો પાક બેવડાયો છે. ઉપરથી ધુમ્મસ ચાલુ થતા મંજરીઓ પણ કાળી પડી છે. સાથે સાથે મધીયો રોગ જીવાત પણ કેરીના દાણામાં આવતા પાકને નુકસાન થઈ રહ્યું છે. જેને લઈને ખેડૂતો ચિંતિત છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં કેરીનો પાક જૂનના આખરમાં પણ તૈયાર થશે અને ત્યારે જો વાવાઝોડા સાથે વરસાદ પડે તો ખેડૂતોને આખું વર્ષ માથે પડે તેવી સ્થિતિ હાલમાં દેખાઈ રહી છે.
આ વર્ષે કેરીનો પાક બે તબક્કામાં તૈયાર થશે, સિઝન એક-દોઢ મહિનો પાછી ઠેલાશે
આ વર્ષે કેટલેક ઠેકાણે એવી સ્થિતિ જોવા મળી છે કે ડિસેમ્બર પહેલાં જ્યાં આંબાકલમો પર મંજરીઓ ખીલી હતી તે આંબા કલમો પર કેરીઓ પણ બેસી ગઈ છે. ત્યારપછી આજ આંબાકલમો પર મહિનો પછી જાન્યુઆરીમાં ફરી બીજી વારની મંજરી ખીલતાં તેમાં પણ હવે કેરી બેસવાની શરૂઆત થઈ છે. એટલે કે આ વર્ષે કેરીનો પાક બે તબક્કામાં તૈયાર થવાની સ્થિતિ ઊભી થઈ છે. કેરીની સિઝન આ વર્ષે એક-દોઢ મહિનો પાછળ ઠેલાશે. જેનાથી ખેડૂતોને નુકસાન થશે. જ્યારે ભરઉનાળે આ વર્ષે મીઠી મધુર કેરી ખાવાની મળવી મુશ્કેલ બનશે. મેના અંત અને જૂન મહિનામાં વરસાદ પડવાની સ્થિતિ વચ્ચે કેરીનો પાક તૈયાર થવાની શક્યતા જણાઈ રહી છે.


