હોળી એટલે `સર્વાય સ્વાહા’ની પ્રકૃતિ ધરાવતા અગ્નિની આગોશમાં દરેક અનિષ્ટની આહુતિ અને ઈષ્ટના ઓચ્છવનું પર્વ. હિરણ્યકશિપુના નાશ માટે નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રગટેલા ભગવાન વિષ્ણુ તેમજ ભક્ત પ્રહ્લાદને ભસ્મ કરવાના હોળિકાના પ્રયાસોની પૌરાણિક કથા આ પર્વ સંદર્ભે જાણીતી છે, પરંતુ એ સિવાય પણ અનેક કથાઓ અને માન્યતાઓ રંગ અને રાગના આ ઉત્સવ સાથે સંકળાયેલી છે. એ નિમિત્તે પ્રસ્તુત છે હોળી-ધુળેટીનું વૈદિક, પૌરાણિક, પારંપરિક અને વૈજ્ઞાનિક માહાત્મ્ય…
હોલિકાના દહન અને પૂજનનું વિશેષ માહાત્મ્ય છે
બળતાં લાકડાંની તડતડાટી અને સ્વાહા થઈ રહેલા સમિધની ખુશબો વચ્ચેથી ઊઠતો ધુમાડો પહેરીને આવતો હોળીનો તહેવાર ખરા અર્થમાં લોકપર્વ છે. દિવાળી જેવા સપરમા દહાડે ભભકાદાર વસ્ત્રો અને સોડમદાર વાનગીઓ વડે શ્રીમંતાઈનું પ્રદર્શન થતું હોય છે ત્યારે હોળી-ધુળેટી એવો તહેવાર છે જ્યાં સામાજિક ભેદભાવ પારખી શકાય તેવો સ્પષ્ટ રહેતો નથી. ગુલાલથી રંગાયેલા ચહેરા અને ખુશાલીથી મઢેલા સ્મિત વચ્ચે ગરીબ કે શ્રીમંતના ચહેરા એકાકાર થઈ જાય છે. હોળીદહન અને પછીના દિવસે રંગોની જાહોજલાલીના સંગમાં મિજાજની મસ્તી માણવાના આ પર્વ સાથે મહાન ભારતીય પરંપરાનું વિજ્ઞાન પણ સંકળાયેલું છે અને તેની સાથે પ્રાચીન વૈદિકદર્શન પણ જોડાયેલું છે.
વૈદિક દૃષ્ટિકોણ
ઋગ્વેદના સમયગાળાનો સમાજ ખેતી આધારિત હતો. ઈન્દ્ર, અગ્નિ જેવા દેવોને આહુતિ વડે ખુશ કરીને સુખાકારીની કામના કરવાની વૈદિક પ્રથા સાથે સમાજજીવન પણ આબાદ જોડાયેલું છે. હોળીના ઉત્સવમાં આજે પણ તેનું પ્રતિબિંબ વર્તાય છે. ફાગણ મહિનો એ બે ઋતુના સંધિકાળનો મહિનો છે. એ સમયે શિયાળો ઊતરી ચૂક્યો હોય અને ઉનાળાનું આગમન થવામાં હોય એવા આ મિશ્ર ઋતુના સમયે રોગજન્ય કીટાણુઓ હવામાં ઘૂમરાતા હોય છે. વળી, આ જ સમયગાળામાં રવી પાક ખેતરમાં ઊતરીને ખળા ભણી જઈ રહ્યો હોય ત્યારે ખેતઉપજ સાથે ચોંટેલા કીટાણુ પણ રહેઠાણ વિસ્તારમાં ગતિ કરતા હોય. એવે સમયે સ્વાસ્થ્યને અને ધાર્મિક આરાધનાને ધ્યાનમાં રાખીને વૈદિકકાળમાં આ પર્વને નવાન્નેષ્ટિ યજ્ઞના નામે ઉજવવામાં આવતું હતું. ખેતરમાં પાકેલા અનાજને સામૂહિક રીતે પ્રગટાવેલા વિરાટ યજ્ઞની ભભૂકતી પાવક જ્વાળાઓમાં આહુતિ આપવામાં આવતી અને એ રીતે અનાજને પવિત્ર બનાવવામાં આવતું. એ પછી અગ્નિમાં તુલસી, કંદ, જ્યેષ્ઠિમધુ, દર્ભ, લીમડાનાં લાકડાં જેવી વનસ્પતિ, ઔષધિની આહુતિ વડે પ્રગટતા ધુમાડાથી હવામાં ઘૂમરાતા આરોગ્ય માટે હાનિકારક એવા કીટાણુઓનો નાશ પણ થતો. આમ, હોળીના આ પર્વ સાથે વૈદિકકાળના મંત્રદ્રષ્ટા ઋષિઓએ સામૂહિક સ્વાસ્થ્યની ખેવના પણ વ્યક્ત કરી છે. અન્નને `હોળા’ કહેવામાં આવે છે. એ રીતે આ ઉત્સવને હોળિકોત્સવ તરીકે પણ ઓળખવામાં આવતો. ઉનાળાના પ્રારંભે વસંતઋતુના આગમનને સાંકળીને શરીર તેમજ મનને તરોતાજા કરવાના પ્રયાસ સ્વરૂપે રંગોની રસલ્હાણ કરીને સામાજિક સહચર્યની ભાવના ઉજાગર કરવાનો પણ અહીં પ્રયાસ હતો. વૈદિક માન્યતા મુજબ, આ દિવસે પ્રથમ પુરુષ મનુનો જન્મ થયો હતો. આથી તેને મન્વાદિતિથિ પણ કહે છે.
પૌરાણિક માન્યતા અને હોળિકા ઉત્સવ
પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે ભગવાન શંકરે પોતાના ક્રોધાગ્નિથી કામદેવને ભસ્મ કરી દીધા હતા ત્યારથી તેનું પ્રચલન શરૂ થયું એમ કહેવાય છે. સૌથી પ્રચલિત માન્યતા અને કથા આ તહેવાર સાથે સંબંધિત છે તે બાળક પ્રહ્લાદની. બાળક પ્રહ્લાદનો જન્મ રાક્ષસ કુળમાં થયો હોવા છતાં તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. પ્રહ્લાદના પિતા હિરણ્યકશિપુ ખૂબ જ નિર્દયી અને ક્રૂર હતા. તે પોતાની જાતને જ ભગવાન સમજતા હતા અને પ્રજા પાસે પણ એ આશા રાખતા હતા કે બધાં તેને ભગવાન માને અને તેની પૂજા કરે. આમ ન કરવાવાળા પર તે ગુસ્સે થતા હતા અને તેમને કેદમાં રાખતા અથવા મારી નાખતા હતા. તેણે ભગવાન વિષ્ણુનું નામ લેવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે હિરણ્યકશિપુનો પુત્ર પ્રહ્લાદ વિષ્ણુભક્ત હતો. તેને પહેલાં ભગવાનનું નામ ન લેવા અને પોતાને ભગવાન માનવા માટે નિર્દયતાથી ધમકાવવામાં આવ્યો. તેના પર અનેક પ્રકારનું દબાણ પણ કરવામાં આવ્યું, પરંતુ પ્રહ્લાદને ભગવાન વિષ્ણુમાં અતૂટ શ્રદ્ધા હતી અને તે જરા પણ વિચલિત થયા વગર નિષ્ઠાપૂર્વક ભગવાનને પૂજતો રહેતો હતો.
હિરણ્યકશિપુએ અથાક પ્રયત્નો કર્યા છતાં પણ તેને નિષ્ફળતા જ હાથ લાગી. પ્રહ્લાદે ભગવાન વિષ્ણુનું નામ લેવાનું ન જ છોડ્યું. આથી હિરણ્યકશિપુએ તેને મારી નાખવાનો વિચાર કર્યો. તેને મારી નાખવા માટે ઘણા ઉપાયો કર્યા, પરંતુ તે કોઈ પણ રીતે મર્યો નહીં. અંતમાં હિરણ્યકશિપુએ પોતાની બહેન હોળિકા કે જેને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું, તેને બોલાવી અને પ્રહ્લાદને મારવાની યોજના બનાવી. એક દિવસ લાકડાંનો મોટો ઢગલો કરવામાં આવ્યો અને તેમાં આગ લગાવી. જ્યારે લાકડાં તીવ્ર વેગથી બળવા લાગ્યાં ત્યારે રાજાએ પોતાની બહેનને આદેશ આપ્યો કે તે પ્રહ્લાદને પોતાના ખોળામાં લઈને તે લાકડાંઓ વચ્ચે બેસી જાય. હોળિકા બાળક પ્રહ્લાદને પોતાના ખોળામાં લઈને આગમાં બેસી ગઈ.
વિષ્ણુ ભગવાનની કૃપાથી તે આગમાં પ્રહ્લાદ તો બચી ગયો, પરંતુ હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ. ત્યારથી પ્રહ્લાદની ભક્તિના વિજય અને આસુરી શક્તિના પ્રતીકસમી રાક્ષસી હોળિકાના દહનની સ્મૃતિમાં આ તહેવારને ઉજવવામાં આવે છે એવી લોકમાન્યતા છે.
બીજી એક એવી કિંવદંતી પણ સાંભળવા મળે છે કે રાક્ષસી ઢુંઢા નગરમાં બાળકોને ડરાવતી રહેતી હતી અને તેમને મારી નાખતી હતી. એક દિવસ વ્રજના ગોવાળિયાઓએ તેને પકડી લીધી, તેને તેનાં કુકર્મોની સજા આપવા માટે મારતાં મારતાં બહાર લઈ ગયાં. ત્યાં લાકડાં, છાણાં, ઘાસનો ઢગલો કરીને તેમાં આગ લગાવી દીધી અને ઢુંઢાને તેમાં નાખતા તે બળીને રાખ થઈ ગઈ.
આ દિવસે આમ્રમંજરી (આંબાનો મોર) અને ચંદનને ભેળવીને ખાવાનું ઘણું મહત્ત્વ છે. એવું કહેવામાં આવે છે કે ફાગણની પૂનમના દિવસે જે લોકો ચિત્તને એકાગ્ર કરીને હીંચકામાં ઝૂલતાં ઝૂલતાં ભગવાન વિષ્ણુનાં દર્શન કરે છે તેમને અવશ્ય વૈકુંઠ પ્રાપ્ત થાય છે.
ભવિષ્ય પુરાણ અનુસાર નારદજીએ કહ્યું કે, `હે રાજન! ફાગણ પૂર્ણિમાના દિવસે બધા જ લોકોને અભયદાન આપવું જોઈએ, જેથી બધી જ પ્રજા ઉલ્લાસપૂર્વક રહે અને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે. હોળીનું વિધિવત્ પૂજન કરે અને એકબીજા સાથે અટ્ટહાસ્ય કરતાં આ તહેવારની ઉજવણી કરે.’ આ દિવસે અટ્ટહાસ્ય (મજાક-મસ્તી) , કિલકારીઓ કરવાથી તથા મંત્રોચ્ચાર કરવાથી ખરાબ આત્મા અને રાક્ષસોનો નાશ થાય છે. હોળિકાદહન અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક રૂપ કરવામાં આવે છે. આથી આ તહેવારને પ્રેમ અને ભાઈચારાથી મનાવવામાં આવે તો સમાજમાં વ્યાપ્ત તમામ પ્રકારનાં અનિષ્ટ દૂર થઈ જાય છે.
હોલિકાનું દહન અને પૂજન
ફાગણ સુદ આઠમના દિવસથી પૂર્ણિમા સુધીના આઠ દિવસ હોળાષ્ટક મનાવવામાં આવે છે. તેની સાથે જ હોળી ઉત્સવ ઉજવવાની શરૂઆત થાય છે. હોળિકાદહનની તૈયારીનો ત્યારથી જ આરંભ થાય છે. હોળિકાનું દહન ને પૂજન કેટલીક બાબતોનું ધ્યાન રાખીને કરવામાં આવે છે.
હોળાષ્ટકના છેલ્લા દિવસે એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે રાત્રે ઘાસ-પૂડા, લાકડાં, છાણાથી એક ઢગલો કરવામાં આવે છે. તે ઢગલાને હોળિકા કહેવામાં આવે છે. હોળિકાનું મુહૂર્ત અનુસાર પૂજન કરવામાં આવે છે.
અલગ અલગ સમાજ અને ક્ષેત્રની અલગ અલગ પૂજનવિધિ હોય છે. આથી હોળિકાનું પૂજન પોતાની પારંપરિક પદ્ધતિ અનુસાર કરવું જોઈએ. હોળીનું પૂજન ધાણી, નાળિયેર, આઠ પૂરીઓમાંથી બનાવવામાં આવેલી અઠાવરી તથા હોળીના દિવસ માટે બનાવવામાં આવેલા મિષ્ટાન્નથી કરવામાં આવે છે.
પૂજા કર્યા પછી હોળિકાનું દહન કરાય છે. આ પૂજન હંમેશાં ત્યારે જ કરવું જોઈએ જ્યારે ભદ્રા લગ્ન ન હોય. એવું માનવામાં આવે છે કે ભદ્રા લગ્નમાં હોળિકાનું દહન કરવાથી અશુભ પરિણામ મળે છે. આ જ પ્રમાણે ચોથ, એકમના દિવસે હોળિકાનું દહન ન કરવાનું વિધાન છે.
હોળીની રાખને હોળીભસ્મ કહેવામાં આવે છે. તેને શરીર પર લગાવવી જોઈએ. એવી પણ માન્યતા છે કે હોળીની ગરમ રાખને ઘરમાં રાખવાથી તે સમૃદ્ધિ લાવે છે. સાથે ઘરમાં શાંતિ અને પ્રેમના વાતાવરણનું સર્જન થાય છે.
નવવધૂને હોળિકાના દહનથી દૂર રાખવી જોઈએ, કારણ કે હોળિકાદહન (મૃત સંવત્સર)નું પ્રતીક છે. આથી નવવિવાહિતા મૃતને સળગતાં જુએ તે અશુભ માનાય છે.
મોટા ભાગના તહેવારો કૃષિચક્રને ધ્યાનમાં રાખીને બન્યા છે. હોળી આવે ત્યારે ખેડૂતો શિયાળુ પાકમાંથી પરવારી ચૂક્યા હોય છે. નવી સિઝનની શરૂઆત કરતાં પહેલાં એક નાનકડા બ્રેકની જરૂર હોય છે. એ બ્રેક કે વેકેશન એટલે હોળીની ઉજવણી. રંગના આ તહેવારમાં સૌ રંગીન થઈ ફરી એક વખત કામે ચડવા તૈયાર થાય છે. હોળીની જાળ (અગ્નિશિખા) કઈ દિશામાં જાય છે, તેના આધારે વર્ષ કેવું રહેશે એ પણ ખેડૂતો નક્કી કરે છે. આમ હોળી એ નવી શરૂઆતનું પ્રતીક પણ કહી શકાય.
અંબાજીમાં હોળી પ્રગટે એ જ મુહૂર્ત
જૂનાગઢ પંથકમાં હોળી પ્રાગટ્યનું મુહૂર્ત જરા અલગ રીતે નક્કી થાય છે. ચારેક હજાર ફીટ ઊંચાઈ પર આવેલા અંબાજી મંદિર પાસે હોળી પ્રગટે છે. ઊંચાઈ પર હોવાને કારણે દૂરદૂર સુધી એ હોળીની જ્વાળા દેખાય છે. આજુબાજુના વિસ્તારો માટે મુહૂર્ત માટે એ જ સમયનો ઉપયોગ કરે છે. મતલબ કે પોતે પણ અંબાજીમાં હોળી પ્રગટે પછી જ હોળી પ્રગટાવે. એ મુહૂર્ત કરતાં ઉત્તમ મુહૂર્ત બીજું કયું હોઈ શકે.
ભાણિયા માટે પહેલી હોળી મામાની કાંખમાં
સૌરાષ્ટ્રમાં એક માન્યતા પ્રમાણે બાળકનો જન્મ થાય તો પહેલી હોળી તેના મામા સાથે જ કરવામાં આવે છે. એ રિવાજ પ્રમાણે મામા ભાણિયાને કાંખમાં લઈને હોળી ફરતે પરકમ્મા કરાવે છે.
હોળીની જ્વાળા અને વરસાદની આગાહી
હોળીની જ્વાળા કઈ દિશામાં પ્રસરે છે તેના આધારે આગામી ચોમાસાની આગાહી કરવાનું લોકવિજ્ઞાન પ્રચલિત છે. સાધારણ રીતે ફાગણ મહિનાના સમયગાળા દરમિયાન સમીસાંજે પવનની દિશા ઉત્તર તરફની હોય છે, પરંતુ જો હોળીના દિવસે પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફની હોય તો વરસાદ સારો, સ્થિર અને મંદ જ્વાળાઓ હોય તો વરસાદ મધ્યમ અને ગોળ ઘૂમરાતી તોફાની જ્વાળાઓ હોય તો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તેવી લોકમાન્યતા છે.