નારી અને નારીત્વના અભિવાદનના અવસરે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત તેમજ સફળતાને વરેલ નારી શક્તિઓનું સન્માન કરાયું
યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા. આ વેદ વાણીને વર્તમાનમાં સાર્થક કરવાના પ્રયાસ રૂપે જૈન વિઝન મહિલા વિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત નારીરત્નોના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તેમજ નારી અને નારીત્વના અભિવાદનના અવસરે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત તેમજ સફળતાને વરેલ નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂજિત રૂપાણી ટ્રસ્ટના અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ ઉપ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યા, કણસાગરા કોલેજના પ્રિન્સિપાલ ડો. જ્યોતિ રાવલ રાજ્યગુરુ, ભાજપ અગ્રણી વિજય વાંક, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા,જૈન અગ્રણી પ્રવીણ કોઠારી, હિરલબેન મહેતા, અજીત જૈન અને રાજીવ ઘેલાણી, હિતેષ દેસાઈ, નીલ મહેતા, નિરવ મહેતા, મિલન કોઠારી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નવકાર મંત્ર તેમજ શક્તિ વંદના સ્તુતિ બાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રોમાં પોતાનું પ્રદાન કરીને સફળ થયેલ નારી શક્તિનું સન્માન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જે સ્ત્રી શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં શિક્ષણ ક્ષેત્રના આજીવન ભેખ ધરી, કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા અને પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવનાર હેમલતાબેન રૂપાણી, શાસ્ત્રીય સંગીતમાં રાજકોટમાં અનેક શિષ્ય તૈયાર કરનાર અને સંગીતની સાધના કરનાર લીલાબેન રાખોલીયા, ઓડીસી ડાન્સને રાજકોટમાં શરૂ કરનાર તેમજ નૃત્ય અને કલા વિશે પુસ્તકો લખનાર સુપ્રવા મિશ્રા, સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર પદ્માવતીબેન જૈન ટેલિવિઝનના રસોઈ શો દ્વારા જાણીતા મોરબીના સોનલ,શાહ પશુ-પંખી અને પ્રાણીઓની પોતાના પરિવારની જેમ સાર સંભાળ લેતા પોરબંદરના ડો. નેહલ કારાવદરા, સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર, ગાંધીનગર ભાજપ સાંસ્કૃતિક સેલના રશ્મીબેન મુનશી, બંસરીબેન દવે, ક્રોશેટ આર્ટ દ્વારા મહિલાઓને આત્મ નિર્ભર બનાવનાર મીનાબેન પટેલ, ફુડીસ ઈન રાજકોટના કવિતાબેન રાયચુરાને જૈન વિઝન દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે હેમલત્તાબેન રૂપાણીએ જણાવ્યું હતું કે કોઈપણ ક્ષેત્રમાં સફળ બનેલ વ્યક્તિ પાછળ શિક્ષકનું યોગદાન ખૂબ મહત્વનું હોય છે.જૈન વિઝન દ્વારા એક શિક્ષક નું સન્માન કરવામાં આવ્યું છે તે ખૂબ મહત્વની બાબત છે.
કાર્યક્રમમાં મુખ્ય સ્પીકર તરીકે ડોક્ટર જ્યોતિ રાવલ રાજ્યગુરુએ નારી શક્તિ સન્માન અને તેનું સમાજમાં યોગદાન ,તેની શક્તિ અને વર્તમાન પરિસ્થિતિમાં તેનું સ્થાન વગેરે વિષયોને આવરી લેતી પોતાની કવિતા દ્વારા ઉપસ્થિત મહિલાઓનું મન મોહી લીધું હતું. મેયર નયનાબેન પેઢડીયા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે પોતાના વક્તવ્યમાં પણ નારી શક્તિને નવાજી હતી અને શબ્દો દ્વારા તેનું સન્માન કર્યું હતું. ઓડીસી નૃત્યના વરિષ્ઠ કલાકાર સુપ્રવા મિશ્રાએ નૃત્યની કૃતિ દ્વારા નારી શક્તિને પ્રસ્તુત કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના અમીષાબેન દેસાઈ, ભાવના બેન દોશી,જલ્પાબેન પતિરા, કાજલ બેન દેસાઈ, મનિષાબેન શેઠ, બીનાબેન સંઘવી, અંકિતાબેન મહેતા , જયશ્રીબેન દોમડીયા, ભાવિકાબેન મહેતા, જાગૃતિબેન શેઠ, જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધ્રુવી મહેતાએ કર્યું હતું.