- રાજકોટમાં વાયરલ ઈન્ફેક્શનનાં કેસોમાં વધારો
- સતત ચોથા સપ્તાહે શરદી ઉધરસના કેસ 1100ને પાર
- ઝાડા, ઉલટી, તાવના કુલ 1571 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં અને જિલ્લામાં ફરી એકવાર રોગચાળાએ માજા મુકી છે. ઘરે ઘરે દર્દીઓના ખાટલા જેવી સ્થિતિ પેદા થઇ છે.ઝાડા, ઉલટી, તાવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે,તો આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે,તો આરોગ્ય અધિકારીએ શહેરીજનોને બહારનો ખોરાક નહી લેવાની પણ સલાહ આપી છે.શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં પણ સતત દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે. શહેરના અલગ-અલગ આરોગ્ય કેન્દ્રમાં પણ સતત દર્દીઓને ધસારો જોવા મળી રહ્યો છે. સવારના સમયે ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમીના કારણે લોકો બિમાર પડી રહ્યાં છે.
વાયરલથી બચવા શું ધ્યાન રાખવું
આરોગ્ય અધિકારીનાં જણાવ્યા મુજબ, ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થેળોએ આ રોગ ફેલાવાનું જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મનપા આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. જોકે આવા રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.
ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે ધ્યાનમાં રાખવાની બાબતો
(1) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
(2) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
(3) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
(4) બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
(5) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
(6) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
(7) ડેન્ગ્યુનો મચ્છમર દિવસે કરડતો હોવાથી દિવસ દરમિયાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.


