- દૂધ, ખાંડ અને એલચીની મદદથી ઘરે બની જશે આ પેંડા
- કેસર અને ડ્રાયફ્રૂટ્સ વધારશે પેંડાનો સ્વાદ
- ઘરે બનાવી લો સરળતાથી ટેસ્ટી પેંડાનો પ્રસાદ
નવલી નવરાત્રિ શરૂ થવામાં છે ત્યારે તમે માતાજીને પ્રસન્ન કરવાની તમામ તૈયારીઓ કરી લીધી હશે. આ સમયે તમને સૌથી વધારે કોઈ વાતની ચિંતા હશે તો એ કે રોજ ભોગમાં શું ધરવું. તો તમે ચિંતા છોડી દો. આજે અમે તમારા માટે સરળ એવા કેસર પેંડાની રેસિપિ લાવ્યા છીએ જે ધરાવતા જ માતાજી ખુશ થશે અને તમને પણ આનંદ મળશે. તો કરો સરળ સ્ટેપ્સ સાથેની તૈયારીઓ.
સામગ્રી
-એક લીટર દૂધ
-સો ગ્રામ ખાંડ
-ચાર એલચીનો પાવડર
-ચપટી કેસર
-આઠ સ્લાઈસ પિસ્તા
રીત
સૌપ્રથમ દૂધને ગરમ કરવા માટે મૂકો. તેને સતત હલાવતા રહો. દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકળવા દો. દૂધ માવા જેવું દેખાવા લાગે ત્યાં સુધી તેને ચઢવા દો. હવે તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરીને સતત હલાવો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. હવે તેમાં કેસર ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. દૂધને સતત હલાવતા રહેવું, જેથી કરીને તે તળિયે ચોંટી ના જાય. કેસર ઉમેરવાના કારણે દૂધનો રંગ પીળો થઈ જશે. દૂધ એકદમ ઘટ્ટ થઈને માવાનું રૂપ લઈ લે ત્યારે ગેસ બંધ કરી દો. હવે માવાને ઠંડો થવા દો. હવે આ માવામાંથી નાના-નાના બોલ બનાવીને તેને હાથથી જ પ્રેસ કરી લો. તેના પર પિસ્તા લગાવીને ગાર્નિશ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ કેસર પેંડા.