- આ સાત પુરીઓની યાત્રા અને દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે
આપણાં શાસ્ત્રોમાં મુક્તિ માટેનાં પાંચ સાધનો જણાવેલાં છે. પ્રથમ છે જ્ઞાન. બીજો છે ભક્તિ દ્વારા ભગવત કૃપાની પ્રાપ્તિ. ત્રીજો છે પુત્ર-પુત્રાદી, ગૌત્રજો, કુટુંબીજનો તથા અન્ય વ્યક્તિ દ્વારા ગયા વગેરે તીર્થોમાં કરવામાં આવેલું શ્રાદ્ધકર્મ. ચોથું છે ધર્મયુદ્ધ તથા ગૌરક્ષા વગેરેમાં થયેલું મૃત્યુ તથા પાંચમો છે કુરુક્ષેત્ર વગેરે પ્રધાન તીર્થો તથા સાત પ્રધાન મોક્ષદાયિની પુરીઓમાં શરીરત્યાગ. બધાં જ તીર્થ શુભ ફળ તથા પુણ્ય પ્રદાન કરનારાં હોય છે. પોતાની વિશેષતાઓને કારણે આ પુરીઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ સાત પુરીઓની યાત્રા અને દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
અયોધ્યા મથુરા માયા કાશી કાંચી હ્વવન્તિકા।
પુરી દ્વારાવતી શ્રેયા: સપ્તૈતા મોક્ષદાયકા:॥
અર્થાત્ અયોધ્યા, મથુરા, માયાવતી (હરિદ્વાર), કાશી (વારાણસી), કાંચી, ઉજ્જૈન તથા દ્વારકા આ સાત પુરીઓ મોક્ષ પ્રદાન કરનારી છે.
અયોધ્યા
અયોધ્યા આ સાત મોક્ષદાયિની પુરીઓમાં પ્રથમ તથા મુખ્ય છે. અયોધ્યાપુરી ભગવાન શ્રીહરિના સુદર્શનચક્ર પર વસેલી છે. શ્રીરામની જન્મભૂમિ હોવાને કારણે તેનું ઘણું મહત્ત્વ છે. તેનો આકાર માછલીસમાન છે. સ્કંધપુરાણના વૈષ્ણવ ખંડના અયોધ્યા માહાત્મ્ય અનુસાર અયોધ્યાનું ક્ષેત્ર સહસ્ત્રધારા તીર્થથી એક યોજના પૂર્વ સુધી, બ્રહ્મકુંડથી એક યોજન પશ્ચિમ સુધી, દક્ષિણમાં તમસા નદી સુધી તથા ઉત્તરમાં સરયૂ નદી સુધી છે. અયોધ્યામાં બ્રહ્માજી દ્વારા નિર્મિત બ્રહ્મકુંડ છે તથા સીતાજીનો સીતાકુંડ પણ છે, જેને ભગવાન રામે વરદાન આપીને સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરનારો બનાવ્યો છે. આ કુંડમાં સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે.
મથુરા-વૃંદાવન
મથુરા યમુના નદીની બંને બાજુ વસેલી બીજી મહત્ત્વની પુરી છે. યમુના નદીના દક્ષિણ ભાગમાં તેનો વિસ્તાર વધારે છે. યમુનાજીનું ઘણું મહત્ત્વ છે, કારણ કે યમુનાજી યમરાજનાં બહેન છે. શ્રીકૃષ્ણનાં પ્રેમિકા છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ હોવાને કારણે પણ તેનું વિશેષ મહત્ત્વ છે.
હરિદ્વાર
આ ત્રીજી પવિત્ર પુરી છે. અહીં સતીમાતાની મૂર્તિ છે તથા શક્તિપીઠ હોવાને કારણે પણ તેનું વિશેષ મહત્ત્વ છે. કનખલથી ઋષિકેશ સુધીનું ક્ષેત્ર માયાપુરી એટલે કે હરિદ્વાર કહેવાય છે. ગંગામાતા પર્વતોમાંથી ઊતરીને સૌથી પહેલાં આ જ સમતળ ભૂમિ પર પ્રવેશ કરે છે અને મનુષ્યોને પાપમુક્ત કરે છે.
કાશી (વારાણસી)
કાશીનગરી ભગવાન શિવના ત્રિશૂળ પર વસેલી ચોથી મહત્ત્વની પુરી છે. આ નગરી પ્રલયકાળમાં પણ નષ્ટ નહીં થાય તેવું કહેવામાં આવે છે. વરુણ તથા અસીની મધ્યમાં હોવાને કારણે તેને વારાણસી કહેવામાં આવે છે. અહીં રાજઘાટ, દુર્ગાઘાટ, લલિતાઘાટ, કેદારઘાટ વગેરે ઘણા ઘાટ તથા વિશ્વેશ્વર લિંગ સ્વરૂપ વિશ્વનાથ મંદિર, અન્નપૂર્ણા મંદિર, જ્ઞાનવાણી, ગણેશ, દુર્ગામંદિર, હનુમાન મંદિર, પિશાચ મોચન સહિત અનેક મંદિરો આવેલાં છે. આ ઘાટ અને મંદિરો જ કાશીની શોભા તથા મહત્ત્વ વધારે છે.
કાંચી
પેલાર નદીના ઘાટ પર સ્થિત શિવ કાંચી તથા વિષ્ણુ કાંચી નામથી વિભક્ત હરિહરાત્મક પાંચમી પુરી છે. શિવ કાંચી વિષ્ણુ કાંચીથી મોટી છે. તે મદ્રાસથી 75 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ તરફ સ્થિત છે. અહીં એકાયેશ્વર મંદિર, વામન મંદિર, કામાખ્યા મંદિર સહિત સર્વતીર્થ સરોવર પણ છે.
ઉજ્જૈન
ઉજ્જૈન નગરી પૃથ્વીની નાભિ પણ કહેવામાં આવે છે. ઉજ્જૈન છઠ્ઠી મહત્ત્વની પુરી છે. અહીં મહાકાલ જ્યોતિર્લિંગ અને હરિસિદ્ધ દેવીની શક્તિપીઠ આવેલી છે જે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ હૈહયવંશી રાજા કાર્તવીર્યની રાજધાની પણ રહી ચૂકી છે. વિક્રમાદિત્યના સમયમાં તે સંપૂર્ણ ભારતની રાજધાની રહી ચૂકી છે. ઉજ્જૈનપુરી મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી 115 કિલોમીટર પશ્ચિમમાં છે. અહીં શિપ્રા નદી શહેરની વચ્ચેથી વહે છે. અહીં બડે ગણેશ, સિદ્ધવટ, કાલભૈરવ મંદિર, યંત્રમહેલ, માધવક્ષેત્ર અંકપાદ વગેરે પ્રસિદ્ધ છે. અંકપાદમાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ગુરુ સાંદીપનિ ઋષિ પાસેથી 32 વિદ્યા તથા 64 કલાઓનું જ્ઞાન મેળવ્યું હતું. અહીં આવેલાં વ્યાસતીર્થ, નીલગંગા સંગમ, બિલ્કેશ્વર મહાદેવ, રુદ્ર સરોવર વગેરે તીર્થ પણ પ્રસિદ્ધ છે.
દ્વારકા
દ્વારકાપુરી સાત પુરીઓમાં છેલ્લી મહત્ત્વની મોક્ષદાયિની પુરી છે. દ્વારકા ગુજરાતમાં દરિયાકાંઠે આવેલી છે. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જીવનનો મોટા ભાગનો સમય અહીં વીતાવ્યો હતો. શ્રીકૃષ્ણ પહેલાં અહીં કુકુદ્મીનું રાજ્ય હતું, જેમની કન્યા રેવતી સાથે શ્રીકૃષ્ણના મોટાભાઈ બળદેવના વિવાહ થયા હતા. અહીં નિષ્પાપ સરોવર, રણછોડજી મંદિર, શ્રીકૃષ્ણ મહેલ, વલ્લભાચાર્યજીની બેઠક, વાસુદેવ મંદિર, શંખોદ્વાર તીર્થ, નાગેશ્વર જ્યોતિર્લિંગ વગેરે મહત્ત્વનાં તીર્થ આવેલાં છે.