- શ્રીરામ કહે છે કે જેનું મન નિર્મળ એટલે કે મનમાં કોઇ પણ પ્રકારનો રાગ, દ્વેષ, ઇર્ષા ન હોય તેવી વ્યક્તિ મને અતિ પ્રિય છે
સામાન્ય જનજીવનમાં વણાઈ જતા પ્રભુ શ્રીરામ
પ્રભુ શ્રીરામ આપણા જીવનમાં ઓતપ્રોત થઈ ગયા છે. આપણા દેશમાં ગ્રામ્ય જીવનમાં કોઈ વ્યક્તિ એકબીજાને સામસામી મળે એટલે પરસ્પર હાથ મેળવીને `રામ-રામ’ બોલે. `રામ રાખે તેને કોણ ચાખે’ એ કહેવતમાં માનવને પ્રભુ તરફથી રક્ષણ શક્તિનો અહેસાસ બતાવે છે. `રામ રાખે તેમ રહીએ’ એ શબ્દથી રામ પ્રત્યેની સમપર્ણ વૃત્તિનાં દર્શન થાય છે. પ્રભુના વિશ્વાસ ઉપર ચાલનાર ઘટના કે પ્રસંગને `રામભરોસે’ શબ્દથી બતાવીએ છીએ. પ્રભુની સર્વવ્યાપક્તાનું દર્શન આપણને `ઘટઘટમાં બીરાજે રામ’ એ કહેવતમાં થાય છે. કોઈ પણ સુવ્યવસ્થિત રાજ્ય કે પરિવાર માટે `રામ-રાજ્ય’ વાક્યપ્રયોગ પણ કરીએ છીએ.
પ્રભુ શ્રી રામનો જન્મ તથા જન્મહેતુ
હિંદુઓના મુખ્ય તહેવારમાં રામજન્મોત્સવ-રામનવમી ધાર્મિક તહેવાર છે. વસંતઋતુ કાળ, ચૈત્ર સુદ નવમી તિથિ, ગુરુવાર, પુનર્વસુ નક્ષત્ર, કર્કાટક લગ્ન સમયે અભિજિત મુહૂર્ત યાને કે મધ્યાહ્ન સમયે બપોરે 12 કલાકે ત્રેતાયુગમાં જન્મ થયો હતો. શ્રદ્ધાળુ અને લાગણીશીલ ભારતીય પ્રજા આ પવિત્ર સમયને રામનવમી તરીકે ઊજવે છે.
રામજન્મનો મુખ્ય ઉદ્દેશ રાવણનો સંહાર કરી, પૃથ્વીને અસુરોના ત્રાસથી મુક્ત કરી, પૃથ્વી ઉપર સુશાસનની સ્થાપના કરી, લોકોને પ્રભુના માર્ગે વાળી યોગ્ય અને આદર્શ જીવન જીવવાની કલા શીખવી અને માનવોનું કલ્યાણ કરવું એ જ મુખ્ય હેતુ હતો.
`રઘુકુલભૂષણ ભગવાન શ્રીરામ જેવું મર્યાદારક્ષક આજ સુધી બીજું કોઈ જ નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં.’ એમ કહેવું તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. તેઓ સાક્ષાત્ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ હતા. તેઓ અવતરણ બાદ એક સદાચારી આદર્શ મનુષ્ય તરીકે જ રહ્યા. તેમના આદર્શો, લીલાચરિત્રો વાંચવાં સાંભળવાં હરહંમેશ ગમે જ. તેમનું ચરિત્ર વાંચતાની સાથે જ મન મુગ્ધ બની જાય. તેમનું પ્રત્યેક કર્મ આજના મનુષ્યને જીવવા માટે આદર્શ પ્રેરણાસ્ત્રોત ગણાય છે.
પ્રભુ શ્રી રામ આદર્શ ગુણોનો સાગર
પ્રભુ શ્રી રામ સદ્ગુણોના સાગર હતા. સત્ય, સૌહાર્દ, દયા, ક્ષમા, મૃદુતા, ધીરતા, વીરતા, ગંભીરતા, શાસ્ત્રજ્ઞાન, શસ્ત્રજ્ઞાન, પરાક્રમ, નિર્ભયતા, વિનય, શાંતિ, તિતિક્ષા, સંયમ, નિઃસ્પૃહતા, નીતિજ્ઞતા, તેજ, પ્રેમ, ત્યાગ, મર્યાદા સંરક્ષણ, એકપત્નીત્વ, પ્રજારંજકતા, બ્રાહ્મણભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ, ગુરુભક્તિ, ભાતૃપ્રેમ, મૈત્રી, શરણાગત વત્સલતા, સરળતા, વ્યવહારકુશળતા, પ્રતિજ્ઞાપાલન, સાધુરક્ષણ, દુષ્ટદલન, નિર્વેરતા, લોકપ્રિયતા, અપિશુનતા, બહુજ્ઞાતા, ધર્મજ્ઞતા, ધર્મપરાયણતા, પવિત્રતા જેવા અનેક ગુણો પ્રભુ શ્રીરામમાં નિત્ય નિરંતર રહ્યા તેથી જ તેઓ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ તરીકે ઓળખાયા. આવા તમામ ગુણોનું વર્ણન રામાયણ (વાલ્મીકિ રામાયણ)ના બાલકાંડ અને અયોધ્યાકાંડમાં સુગ્રથિત રીતે વર્ણવેલું છે. પ્રભુના આ એક એક ગુણ ઉપર એક એક વિશેષ લેખ તૈયાર થઈ શકે છે. રામકથાથી તો ભારતનું નાનામાં નાનું બાળક પણ પરિચિત છે જ.
રામનામનું માહાત્મ્ય સદાશિવના મુખે
`રામ એટલે રમાના’ આપણા હૃદયમાં નિવાસ કરનારા, દિવ્ય આત્મસ્વરૂપ પ્રભુ શ્રી રામનો અસલ પરિચય એક શ્રદ્ધાળુ તરીકે આપણે મેળવી જોઈએ. એક વાર માતા પાર્વતીએ પ્રભુ શ્રી સદાશિવને પૂછ્યું કે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો સૂક્ષ્મ અને ટૂંકો માર્ગ કયો? તેના ઉત્તરમાં મહાદેવજીએ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ જપ માટે આ મંત્ર બનાવ્યો.
શ્રી રામ રામ રામેતિ રમે રામે મનોરમે।
સહસ્ત્ર નામ તત્તુલ્યં રામ નામ વરાનને॥
આ શ્લોકનું માત્ર ત્રણ વાર સ્મરણ કરવાથી શ્રીવિષ્ણુ સહસ્ત્ર નામના એક પાઠના ફળ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વ્યક્તિના અંત સમયે, મૃત્યુ સમયે તે વ્યક્તિના કાનમાં આ મંત્રનો નાદ કરવાથી વ્યક્તિ સદ્ગતિ પામે છે.
કળિયુગમાં શ્રીરામ, તિરુપતિ બાલાજી સ્વરૂપે વિષ્ણુમૂર્તિ પ્રભુ શ્રી રામ કળિયુગમાં તિરુમલ પર્વત ઉપર સ્થિર થઈને શ્રી તિરુપતિ બાલાજી સ્વરૂપે, શ્રી વેંકટેશજી સ્વરૂપે ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. આજે પણ નિત્ય પ્રભુને જગાડવા માટે તિરુપતિમાં આ સુપ્રભાતમ્ ગવાય છે : કૌશલ્યા સુ પ્રજા રામ પૂર્વસંધ્યા પ્રવર્તતે
શ્રી રામચરિતમાનસની ચોપાઈઓ
સીયારામ મય સબ જગ જાની ।
કરઉં પ્રણામ જોરિ જુગ પાની ॥
(બાલકાંડ)
ભાવાર્થ : આ સકલ વિશ્વમાં નરનારી સ્વરૂપ ભગવાન સીતારામનું દર્શન ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ કરે છે. સમગ્ર નરનારી સમુદાયને ગોસ્વામીજી મસ્તક ઝુકાવી પ્રણામ કરે છે.
કવન સો કાજ કઠિન જગ માંહિ ।
જો નહીં હોઈ તાત તુમ્હ પાઇ ॥
(કિષ્કિંધાકાંડ)
ભાવાર્થ : શ્રી હનુમાનજીને બિરદાવતા રીંછપતિ જાંબુવંત તેમજ વાનરસેના કહે છે કે હે પવનપુત્ર! એવું કયું કર્મ કઠિન છે જગતમાં કે જે તમારાથી ન થઈ શકે.
મંગલ ભવન અમંગલ હારિ ।
દ્રવઉ સો દશરથ અજિર બિહારિ ॥
(બાલકાંડ)
ભાવાર્થ : જે પ્રભુ મંગલ કર્મના કારક તત્ત્વ છે એટલે કે જેનું સ્મરણ કરવાથી મનુષ્યનું સર્વદા મંગળ થાય છે તેમજ સમગ્ર અમંગળને હરવાવાળા છે તેવા દશરથ નંદન શ્રી રામને અમે પ્રણામ કરીએ છીએ.
ધરમુ ન દુસર સત્ય સમાના ।
આગમ નિગમ પુરાન બખાના ॥
(બાલકાંડ)
ભાવાર્થ : ગોસ્વામી તુલસીદાસજી શ્રી રામચરિત માનસમાં કહે છે કે સત્ય સમાન આ સમગ્ર પૃથ્વી પર કોઇ ધર્મ નથી. જે સત્યરૂપ ભગવાનની પુરાણો, શાસ્ત્રો, વેદો સદા પ્રશંસા કરે છે.
નિર્મલ મન જન સો મોહિ પાવા ।
મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા ॥
(સુંદરકાંડ)
ભાવાર્થ : ભગવાન શ્રીરામ કહે છે કે જે મનુષ્યનું મન નિર્મળ એટલે કે મનમાં કોઇ પણ પ્રકારનો રાગ, દ્વેષ, ઇર્ષા ન હોય તેવી વ્યક્તિ મને અતિ પ્રિય છે. મને કોઇ પણ પ્રકારનાં છલ, કપટ અને કુવિચાર ગમતાં નથી.
શ્રી રામચંદ્ર ભગવાનની આરતી
કૌશલ્યાના કુંવર તમારી,
આરતી રોજ ઉતારું રે,
ચરણ તણું ચરણામૃત લઈને, પ્રેમે પાય પખાળું રે, કૌશલ્યાના…
સરયૂ જળથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાળું રે,
અંગે ઉત્તમ આભૂષણને, નયને કાજળ કાળું રે. કૌશલ્યાના…
કેડ કટારી ધનુષધારી,
રઘુવીરને શણગારું રે,
અહલ્યા થઈને પડું ચરણમાં, તન મન ધન ઓવારું રે. કૌશલ્યાના…
કાગ મુનિનું રૂપ જ લઈને,
રાઘવને રમાડું રે,
શબરી થઈને સામે બેસી,
મીઠાં બોર જમાડું રે, કૌશલ્યાના…
મંગલમૂર્તિ રામે જોઈને, અંતરમાં હરખાઉં રે,
`પુરુષોત્તમ’ કહે દાસ બનીને,ચાહું શરણ તમારું રે. કૌશલ્યાના…