- તમને ત્રણેને છોડીને જીવવાનું મારા માટે શક્ય નથી. હું પણ અત્યારે જ તમારી પાસે આવું છું
ચિત્રસેનના પ્રશ્નના જવાબમાં ગુરુ ભગવંતે કહ્યું, આ પૂતળી જીવિત વ્યક્તિની પ્રતિકૃતિ છે. આ વ્યક્તિ કોણ છે? ક્યાંની છે? આ બધું જાણ્યા પછી ગુરુ ભગવંતે એને પૂછ્યું તને આ વ્યક્તિ માટે આટલો લગાવ એેનું કારણ ખબર છે?
આપણને આપણા ભૂતકાળની ખબર કેવી રીતે પડે? આપણી પાસે એવું જ્ઞાન ક્યાં છે કે આપણા પૂર્વ ભવોને જોઈ-જાણી શકીએ? રાજકુમારે પણ ગુરુ ભગવંતને કહ્યું, આ પૂતળી જોયા પછી એના માટેના આટલા બધા લગાવનું કારણ તો હું પણ સમજી શકતો નથી, પણ આપ જો કહેશો તો મને આનંદ થશે. ફરમાવો,
તો સાંભળ, પૂર્વ ભવમાં તમે બંને હંસયુગલ હતાં. તું હંસ હતો અને આ પદ્મશ્રી તારી પ્રેયસી હંસી હતી. તમને બંનેને એકબીજા પ્રત્યે અત્યંત પ્રેમ હતો. એક ક્ષણ માટેનો પણ વિયોગ સહન કરવાની બેમાંથી એકની પણ સ્થિતિ નહોતી.
હંસયુગલને પ્રેમના પરિપાક સ્વરૂપે બે બચ્ચાં થયાં છે. એેમને પણ પોતાનાં માતાપિતા પ્રત્યે અનહદ લાગણી. માતાપિતાને પણ પોતાનાં બચ્ચાંઓ માટે એવી જ લાગણી છે. પરિવારની ચારેય વ્યક્તિઓ આનંદ-મંગલપૂર્વક પોતાનો સમય પસાર કરે છે.
એક દિવસની ઘટના છે- એ દિવસે એમનાં બેય બચ્ચાંઓ તરસ્યાં થયાં. બેયને ભયંકર તરસ લાગી. એેટલે હંસીએ હંસને કહ્યું, જો આમ ને આમ માથા ઉપર હાથ રાખીને બેસી રહ્યા તો ભૂખ અને તરસથી જીવ નીકળી જશે. આપણે આપણા પુત્રથી હાથ ધોઈ નાખવા પડશે. આપ જલદી રવાના થાવ, તમે ગમે ત્યાંથી થોડું પાણી લાવીને બચ્ચાંઓને પીવડાવો. આટલું બોલતા એની આંખમાંથી પાણી સરી પડ્યું.
બચ્ચાં માટે તો જોકે, હંસને પણ ચિંતા અને લાગણી હતાં. એેણે કહ્યું, તું ચિંતા ન કર, આ બેય માટે દાણાપાણીની વ્યવસ્થા હું કરીશ. પેલો હંસ બિચારો દાણાપાણી માટે આકાશમાં ઊડ્યો અને થોડો વિલંબ થયો પણ એમાં તો અહીંયાં આખી પરિસ્થિતિ જ પલટાઈ ગઈ. એણે માર્ગમાં કલ્પના કરી હશે, આ દાણા હું મારાં બચ્ચાંઓને ખવડાવીશ. પછી જ્યારે મારી વૃદ્ધાવસ્થા આવશેને તો મારાથી ઉડાશે નહીં. હું માળામાં આરામ કરીશ ત્યારે અમારાં બચ્ચાંઓ મારા માટે આ જ રીતે દાણાપાણી લાવી આપશે અને હું મારું પેટ ભરીશ. આનંદથી મને શાંતિથી મારા દિવસો પસાર થશે.
પેલા હંસે દૂરથી જોયું તો જ્યાં પોતાનો પરિવાર આરામ કરી રહેલો હતો એ ઝાડ આગની લપેટમાં ઝડપાઈ ગયું હતું. બેય દીકરાઓ અને મા અડધા તો આગની લપેટમાં આવી ગયાં હતાં. એ વિચાર કરતા હતા કે પિતા દાણાપાણી માટે ગયા છે, હજુ આવ્યા નહીં. એટલામાં દાણાપાણી લઇને આવી રહેલા હંસને જોયા પછી એ ત્રણે જણાએ સંતોષથી કહ્યું, હવે અમે તો જઇએ છીએ, પણ તમે શાંતિથી રહેજો. નવી હંસીની સાથે આનંદથી જીવજો. આ હંસ કહે છે, તમને ત્રણેને છોડીને જીવવાનું મારા માટે શક્ય નથી. હું પણ અત્યારે જ તમારી પાસે આવું છું. આપણે બધા સાથે જ આ દેહનો ત્યાગ કરીશું.
પેલો હંસ પણ બળી રહેલા પોતાના પરિવાર પાસે પહોંચી ગયો. ચારેયનાં પ્રાણપંખેરું એક સાથે ઊડી ગયાં. એ જ હંસી મરીને પદ્માવતી રાજકુમારી બની છે અને હંસ મરીને તું થયો છે. ગયા ભવમાં સ્નેહના કારણે આ ભવમાં એની મૂર્તિ જોઈને તને એના માટે પ્રેમ જાગ્યો છે. એટલા જ માટે આ મૂર્તિ પાસે તારા પગ અટકી ગયા, આગળ વધી શક્યો નહીં.
આ વાતની એેને જાણ છે? ચિત્રસેને ભાવુક બનીને ગુરુદેવને પૂછ્યું.
રાજકુમારી પદ્મશ્રીને આ વિષયની કોઈ જાણકારી નથી. ચિત્રસેન વિચારે છે કંઈ વાંધો નહીં, હું એના સુધી બધા જ સમાચારો પહોંચાડીશ, એને જગાડીશ અને પછી અમારા સ્નેહના તંતુને મજબૂત બનાવીશું.
એણે એક ચિત્રકારને બોલાવ્યો, સમજાવ્યો, મારે આ રીતનું ચિત્ર સરસ આબેહૂબ જોઈએ. એકમાં ચારે જણાં બેઠાં છે. પરસ્પર વાર્તાલાપ કરી રહ્યાં છે. હંસ આવી રહ્યો છે. બીજા ચિત્રમાં આગ લાગી છે. ઝાડ આગમાં બળી રહ્યું છે. હંસ આવી રહ્યો છે અને ત્રીજા ચિત્રમાં બળી રહેલા ઝાડ ઉપર ચારે હંસ આગમાં બળી ગયા છે. આવું બતાવતું એક આબેહૂબ ચિત્ર તમે મને બનાવી આપો. ચિત્રકાર વાતને સમજ્યો. એણે દિલથી ચિત્ર બનાવ્યું. ચિત્રસેનને ચિત્ર બતાવ્યું. એ ખુશ થઈ ગયો. ક્યા ચિત્ર બનાયા હૈ. ચિત્રકારને પુરસ્કાર આપીને ખુશ કરી દીધો.
ત્રણે ચિત્રો લઈને એ પદ્મનગર તરફ રવાના થયો. મિત્રની સાથે વિચારણા કરે છે. પદ્મશ્રી મેળવ્યા વગર હવે મને શાંતિ થવાની નથી. ગમે તે ઉપાય બતાવ કે એને મેળવવા માટે મારે શું કરવાનું? રત્નસાર કહે છે, આ ચિત્રો એના સુધી પહોંચાડવાં જોઇએ. એ પછી એના અભિપ્રાયને જાણવાની કોશિશ કરાય તો કંઇક મેળ પડે.
આખરે બેય મિત્રો પદ્મનગર સુધી પહોંચ્યા. પ્રવાસીનો સ્વાંગ રચ્યો છે. પદ્મનગરમાં ફરે છે અને નગરની વિશેષતાઓનો અભ્યાસ કરે છે. એ દિવસે બેય મિત્રો ફરતા હતા ત્યારે ત્યાંના કોઈ રાજપુરુષનો એમને પરિચય થઈ ગયો. રાજા પાસે આવવા-જવા માટે એને કોઈની પરમિશન લેવાની જરૂર ન હતી. એની સાથે વાત થઈ. અમારે રાજાનાં દર્શન કરવાં છે.
એમાં તો શું મોટી વાત છે. આજે જ તમને મહારાજ પાસે લઈ જઈશ. આજે સાંજે સંધ્યા સમયે મહારાજ શાંતિથી બેઠા હશે. રાજકાજથી નિવૃત્ત થયા હશે ત્યારે તમને મહારાજનાં દર્શન કરાવીશ. આપનો ખૂબ ખૂબ આભાર! સાંજે મળવાનો વાયદો કરીને છૂટાં પડ્યાં.
મહારાજા સાથેની વાર્તાલાપની વિગતો વિચારી લીધી છે. ઘણી વાર એવું પણ બનતું હોય છે, તેમને મળવા માટે અત્યંત તાલાવેલી હોય, પણ એ જ્યારે મળે ત્યારે જીભ તાળવે ચોંટી ગઈ હોય કે પછી એ વ્યક્તિને લાયક વિષયનો જ અભાવ હોય. આવું ન બને એટલા માટે રાજાજી સાથે વાર્તાલાપના મુદ્દા યાદ કરી લીધા. સમય થયો ત્યારે ત્રણે ચિત્રોનો એક વીટો તૈયાર કર્યો ને સાથે લઈ ગયા. મિત્રની સાથે મહારાજ પદ્મરથને મળવા માટે ગયા છે. પરિચય આપે છે, આ મારા મિત્રો દેશ-વિદેશમાં ફરતા અહીં આવ્યા છે. આપનાં દર્શન માટે આવ્યા છે. બંને મિત્રોએ મહારાજને પ્રણામ કર્યા. દેશ-વિદેશમાં જોયેલી ઘટનાઓનું થોડી વાર વર્ણન કર્યું અને પછી એમણે પેલાં ત્રણ ચિત્રો મહારાજ સમક્ષ પ્રદર્શિત કર્યાં. મહારાજા પદ્મરથને પણ એ ચિત્રો જોવામાં રસ પડ્યો. ચિત્રો જોવામાં એવા એકરસ થઈ ગયા કે એમને બાજુમાં કોણ છે એનો પણ બોધ રહેતો નથી.
એ સમયે એક બીજી ઘટના બની. પદ્મશ્રી પોતાના પિતાને મળવા માટે અચાનક ત્યાં આવી ચઢી. પિતાજી શું ચિત્રો જોઈ રહ્યા છે? એમાં આટલા તલ્લીન કેમ થઈ ગયા? લાવ, હું પણ એ ચિત્રોને નિહાળું, જોઉં તો ખરી કે એ ચિત્રોમાં શું છે?
પિતાજીની સમીપમાં ઊભા રહીને એણે પણ ચિત્રો ઉપર નજર ફેરવી. એકધ્યાનથી ચિત્રોને જોઈ રહી છે. આ ચિત્રો શું કહી રહ્યાં છે. હંસ-હંસી, ચાર પક્ષી ત્રણ સાથે એક કંઈક અલગ, આગ, વૃક્ષ, પક્ષીઓ બળી ગયાં. અરર…આ કેવો ચિત્રક! એણે પક્ષીઓને કેમ બળવાં દીધાં? એણે ધાર્યું હોત તો પક્ષીઓને એ બચાવી શક્યો હોત. તો શા માટે બાળી નાખ્યાં હશે? રાજકુમારી વિચારણામાં ઊંડી ઊતરી અને બેહોશ થઈને જમીન ઉપર ઢળી પડે છે.
રાજા એકદમ બેબાકળો થઈ ગયો. અરે, આ મારી કુમારીને અચાનક શું થઈ ગયું? બેહોશ થઈ ગઈ છે. બેય મિત્રો પણ રાજકુમારીને બેહોશ થઈને ઢળી પડતી જોઈ તરત જ શીતોપચાર કરે છે. પાણી છાંટે છે, પવન નાંખે છે. થોડી વારમાં તો એ જાગ્રત થાય છે. સ્વસ્થ થાય છે. રાજા કહે છે, બેટી, તને કેમ છે? એના માથે હાથ ફેરવે છે.
રાજકુમારી સ્વસ્થ થાય છે. પિતાને પૂછે છે, પિતાજી આ ચિત્રો આપને કોણે આપ્યાં? આ પરદેશીઓ આવ્યા છે એ લઈને આવ્યા છે, પણ એનું શું છે? તને પસંદ ન હોય તો ચિત્રો એમને પાછાં આપીને વિદાય કરીએ.
ના…ના…એવું નથી. આ ચિત્રો સામાન્ય નથી. આ તો મારો ઇતિહાસ છે. મારા પૂર્વભવની વિગતો આમાં છે. રાજા કહે છે, તારી આ વાતમાં મને તો કંઈ જ સમજ પડતી નથી, તો આખી વાત કહે તો સમજ પડે. પદ્મશ્રીએ બધી વિગત બતાવી. આ હંસ મારા પતિ છે. આ હું છું અને આ બેય મારાં બચ્ચાં છે. પાણી લેવા મોકલ્યાં ત્યારે આગ લાગી, આગમાં બળી રહેલાં જોઈને પતિ પણ આગમાં પડીને બળી ગયા, પણ આ વાતો જાણી કોણે અને કેવી રીતે?
રાજાએ ચિત્રસેન સામે નજર કરી. એણે કહ્યું, મહારાજ, આમાં જે આગમાં પડીને બળી મરે છે એ હું સ્વયં છું. આ આખી ઘટના ગુરુદેવે મને કહી છે.
રાજકુમારીએ પણ કહ્યું વાત સાચી છે. આ ઘટના જે રીતે કહી રહ્યા છે એ જ રત્નસારે ચિત્રસેનનો સાચો પરિચય આપ્યો. આ કંઈ સામાન્ય પ્રવાસી નથી, પણ કલિંગ દેશના યુવરાજ છે. દેશાટન કરવા માટે એકલા નીકળ્યા છે. વિદ્વાન અને તેજસ્વી પણ છે અને આપે એમનો પરિચય હમણાં જ કર્યો છે.
પદ્મશ્રી પણ રત્નસારની વાત સાંભળીને રાજીરાજી થઈ ગઈ. પદ્મરથ રાજાએ પૂર્વભવનાં પતિ-પત્નીને આ ભવમાં પણ ભેગા કરી આપ્યાં. બંનેના શુભ મુહૂર્તે લગ્ન કરાવ્યા. ચિત્રસેન અને પદ્મશ્રી પાછાં પોતાના નગરમાં જાય છે. રાજા વીરસેને પુત્રને યોગ્ય જાણીને અને પોતાની હવે ઉંમર પણ થયેલી છે એટલે ચિત્રસેનને નગરના રાજા તરીકે અભિષેક કરાવે છે. સ્વયં વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરે છે.