વાસ્તવિક્તા સમજવા માટે પ્રચંડ ઊર્જા જોઈએ; અને જો માણસ સમજવામાં ઊર્જાનો ઉપયોગ ન કરે તો તે પોતાની ઊર્જાને ઉપદ્રવ કરવામાં વેડફી નાખે છે, અને તેથી સમાજે તેના પર અંકુશ રાખવો જોઈએ. હવે, શું એ સંભવ છે કે ઈશ્વર અથવા સત્યને પામવામાં અને જે સાચું હોય તેની શોધ કરવામાં જ ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે, એક એવો નાગરિક બનવામાં જ ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે કે જે જીવનની મૂળભૂત સમસ્યાઓ સમજે છે અને એ સમજનો સમાજ નાશ ન કરી શકે?
તમે જુઓ છો, માણસ ઊર્જા છે અને જો માણસ સત્યની શોધ ન લે તો તે ઊર્જા વિનાશક બની જાય છે; તેથી સમાજ વ્યક્તિને નિયંત્રિત કરે છે અને તેને ઘડે છે, આવું ઘડતર આ ઊર્જાને ક્ષીણ કરે છે…અને કદાચ તમે બીજી એક રસપ્રદ અને બહુ જ સીધીસાદી હકીકતની નોંધ લીધી હશે કે જે સમયે તમે ખરેખર કાંઈક કરવા માંગતા હો ત્યારે તે કરવાની ઊર્જા તમારામાં હોય જ છે. એ જ ઊર્જા પોતાને નિયંત્રિત કરવાનું સાધન બની જાય છે, તેથી તમારે બાહ્ય શિસ્તની જરૂર નથી રહેતી. વાસ્તવિક્તાની શોધમાં, ઊર્જા તેની પોતાની શિસ્ત સર્જે છે. જે વ્યક્તિ તત્કાલ વાસ્તવિક્તા પામી જાય છે તે યોગ્ય નાગરિક બને છે, અને એ કોઈ ચોક્કસ સમાજે અથવા સરકારે નક્કી કર્યા મુજબનો નાગરિક નહીં પરંતુ સાચો નાગરિક બને છે.
દ્વૈત સંઘર્ષ સર્જે છે
માનસિક કે બૌદ્ધિક, કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ઊર્જાનો બગાડ છે. કૃપા કરી ધ્યાન આપો, કારણ કે આ સમજવું અને તેનાથી મુક્ત થવું ખૂબ જ મુશ્કેલ છે. આપણામાંના મોટાભાગનાનો ઉછેર સંઘર્ષ કરવા માટે, પ્રયત્નશીલ રહેવા માટે થયો છે. જ્યારે આપણે શાળામાં હોઈએ ત્યારે આપણને પહેલી વાત પ્રયત્ન કરતા રહેવાની જ શીખવવામાં આવે છે. અને એ સંઘર્ષ, એ પ્રયત્નને આપણે જીવનભર સાથે લઈને ચાલીએ છીએ. એટલે કે, સારા બનવા માટે તમારે સંઘર્ષ કરવો જ જોઈએ, તમારે અનિષ્ટ તત્ત્વો સામે લડવું જ જોઈએ, તેને નિયંત્રિત કરવાં જ જોઈએ. આમ, શૈક્ષણિક દૃષ્ટિએ, સામાજિકપણે કે ધાર્મિકપણે માનવોને સંઘર્ષ કરતા શીખવવામાં આવે છે. તમને કહેવામાં આવે છે કે ઈશ્વરને શોધવા માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ, શિસ્ત પાળવી જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, તમારા આત્માને મારીમચડીને તેના ઉપર જુલમ કરવો જોઈએ, તમારા મન દ્વારા શરીર ઉપર દમન થવું જોઈએ અને તેની સામે તમારે જોવું ન જોઈએ એવું પણ તમને કહેવામાં આવે છે; તમારે લડતાં-ઝઘડતાં રહેવું જોઈએ. એ તથાકથિત આધ્યાત્મિક સ્તરે પહોંચવા માટે, કે જે બિલકુલ આધ્યાત્મિક સ્તર છે જ નહીં ત્યારે દરેક પોતાની જાતે, પોતાના પરિવાર માટે બહાર આવશે.
તો, બધી રીતે આપણે ઊર્જાનો બગાડ કરી રહ્યા છીએ અને ઊર્જાના આ બગાડનો સાર જ સંઘર્ષ છે: `મારે જોઈએ’ અને `મારે ન જોઈએ’, `મારે આમ કરવું જ જોઈએ’ અને `મારે તેમ ન જ કરવું જોઈએ.’ એક વાર દ્વૈતનું સર્જન કરી લીધા પછી સંઘર્ષ અનિવાર્ય બની જાય છે. આમ, આપણે દ્વૈતની આ સમગ્ર પ્રક્રિયાને સમજવી જોઈએ. અહીં પુરુષ અને સ્ત્રી, લીલું અને લાલ, હળવું અને ઘેરું, લાંબા અને ટૂંકા હોવાની વાત નથી; આ સઘળી હકીકતો છે, પરંતુ એ પ્રયાસમાં હકીકત અને વિચારનાં આ વિભાજનોમાં ઊર્જા વેડફાય છે.


