અસ્તેય એટલે ચોરી કરવી નહીં. અસ્તેયની ગણના દસ ધર્મો અંતર્ગત આવે છે. મનુએ લખ્યું છે.
ધૃતિ: ક્ષમા દમોડસ્તેયં શૌચમિન્દ્રિયનિગ્રહ:।
ધીર્વિદ્યા સત્યમ ક્રોધો વશકં ધર્મ લક્ષણમ્॥
(મનુસ્મૃતિ 6/92)
ઋષિ શંખ અને લિખિત અસ્તેય ધર્મનું પાલન કરતા હતા અને અસ્તેય વ્રત રાખતા હતા. કહેવાય છે કે જે ધર્મ વ્રતનું પાલન કરે છે તેને ભગવાન મળે છે અને જે ઈશ્વરને મેળવી લે છે તે સાંસારિક બંધનમાંથી મુક્ત થઈને પુનર્જન્મને પ્રાપ્ત કરતો નથી. જે લોકોની ધર્મવ્રતમાં શ્રદ્ધા હોતી નથી, તે જન્મ-મૃત્યુના સંસારચક્રમાં ભ્રમણ કરતા રહે છે. કહેવાયું છે કે,
અશ્રદ્ધાના: પુરુષા ધર્મ સ્થાસ્થ પરન્તય।
અપ્રાપ્યે માં નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમીને ॥
(ગીતા 1/3)
ઋષિ શંખ અને લિખિત અસ્તેય વ્રતમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા હતા. એક વખત ઋષિ લિખિત પોતાના અગ્રજ ઋષિ શંખના આશ્રમમાં ગયા, પરંતુ ત્યાં તેમને શંખ મળ્યા નહીં અને તેમનાં ધર્મપત્ની પણ ન મળ્યાં. લિખિત ભૂખથી આકુળ-વ્યાકુળ હતા, તેથી તેમણે ભ્રાતાના ઉપવનમાંથી એક ફળ તોડી લીધું અને તેને ખાવા લાગ્યા. તે સમયે ઋષિ શંખ આવી પહોંચ્યા અને તેમને લિખિતને ફળ ખાતા જોઈ લીધા. શંખે પોતાના અનુજ લિખિતને પ્રેમપૂર્વક પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, `ભાઈ લિખિત, તમે મારા આશ્રમમાં આવ્યા અને તમે મારા ઉપવનને પોતાનું ઉપવન સમજીને તેમાંથી ફળ તોડ્યું અને ખાદ્યું તેથી મારું મન પ્રસન્ન થયું છે, પરંતુ જે અસ્તેય ધર્મનું વ્રત આપણે લીધું છે તેનું પાલન કરવાથી તમે વિમુખ થયા છો તેથી તમે દંડના ભાગીદાર છો.’ ઋષિ લિખિતે પોતાના અગ્રજ ઋષિ શંખને કહ્યું, `ભ્રાતાશ્રી, આપ જે ઈચ્છો તે દંડ મને આપી શકો છો. હું તેનો સહર્ષ સ્વીકાર કરવા તૈયાર છું.’ આ સાંભળી ઋષિ શંખ બોલ્યા, `હું દંડનો વિધાતા નથી. દંડ દેવાનો અધિકાર તો અહીંના રાજાને છે, તેથી રાજા પાસે જાઓ અને દંડ મેળવીને ચોરકર્મના અપરાધથી મુક્ત બની જાઓ.’
ભાઈની આજ્ઞા મેળવી ઋષિ લિખિત રાજા પાસે ગયા. તેમણે રાજાને પોતાની કથા કહી સંભળાવી. આ સાંભળી રાજાએ કહ્યું, `જે રીતે રાજાને દંડ દેવાનો અધિકાર છે, તે જ રીતે ક્ષમા કરવાનો પણ અધિકાર છે.’ લિખિતે તેમને આગળ બોલતાં રોક્યા અને કહ્યું, `આપ દંડના વિધાનનું પાલન કરો. સ્તેયનો જે પણ કંઈ દંડ બ્રાહ્મણોએ નક્કી કરી દીધો છે, તેનો આપ અમલ કરો.’ ઋષિ લિખિતના કથનને સાંભળીને રાજાએ તેમના ખભા સુધીના બંને હાથ કપાવી દીધા. લિખિત હાથ કપાવીને મોટાભાઈ શંખની પાસે પાછા આવ્યા અને પ્રસન્ન થઈને તેમને કહ્યું, `ભ્રાતાશ્રી, હું રાજા પાસેથી દંડ મેળવીને આવ્યો છું. જુઓ, મેં આપની ગેરહાજરીમાં એક ફળ તોડીને જે ચોરી કરી હતી તેના દંડસ્વરૂપ રાજાએ મારા બંને હાથ કપાવી નંખાવ્યા. હવે તો આપ રાજી છોને?’ શંખે ઉત્તર આપ્યો, `હવે હું પ્રસન્ન છું, કેમ કે તમે સ્તેય નામના અપકર્મથી મુક્ત થઈ ગયા છો. આવો, પુણ્યસલિલા નદીમાં સ્નાન કરી સંધ્યાવંદન કરો.’ લિખિતે ભાઈ શંખની સાથે નદીમાં સ્નાન કર્યું. તર્પણ કરવા માટે જેવા લિખિતે બંને હાથ પાણીમાંથી ઊંચા કર્યા ત્યારે તેમના કપાયેલા બંને હાથ ફરીથી પૂર્વવત્ થઈ ગયા. ઋષિ શંખનું અસ્તેય વ્રત ક્યારેય ખંડિત થયું નહોતું. તેમની મનોવાંછના હતી કે ભાઈ લિખિતના બંને હાથ ફરીથી આવી જાય, પોતાના હાથની પૂર્ણતા જોઈને લિખિતે કહ્યું, `ભ્રાતાશ્રી, જો આવું જ કરવું હતું તો આપે મને રાજાની પાસે દંડ માટે કેમ મોકલ્યો?’ શંખે જવાબ આપ્યો, `અપરાધનો દંડ તો રાજા જ આપી શકે છે, પરંતુ ધર્મવ્રતપાલક સમર્થ બ્રાહ્મણને તેને ક્ષમા કરવાનો પણ અધિકાર છે તેથી મેં તમને ક્ષમા કરી દીધા, જેથી તમારા હાથ પૂર્વવત્ થઈ ગયા. હવે તમે અસ્તેય વ્રતનું પાલન કરતા દરરોજ ગંગાજીમાં સ્નાન કરજો. તેનાથી તમે સ્વર્ગલોકને પામી શકશો.’ મહર્ષિ લિખિતે પોતાના ગ્રંથ `લિખિત સ્મૃતિ’માં પતિતપાવન ગંગાજીના માહાત્મ્ય વિષયમાં લખ્યું છે કે જ્યાં સુધી વ્યક્તિના અસ્થિ પરમ પુનિત ગંગાજીમાં રહે છે, તેટલાં હજાર વર્ષો સુધી તે વ્યક્તિ સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત રહે છે.


