એક સવારે સંજયને ત્યા એક ભિખારી ભીખ માંગવા માટે પહોંચ્યો. ભિખારીએ દરવાજો ખટખટાવ્યો. સંજયની પત્ની મંદિરે ગઇ હતી અને ઘરમાં બીજું કોઇ નહોતું. તેથી સંજયે તેના ઘરનો દરવાજો ખોલ્યો. ભિખારીએ દયામણા ચહેરે કંઇક આપવા માટે આજીજી કરી, પરંતુ સંજય જ્યારે બહાર આવ્યો ત્યારે તેના ખિસ્સામાં કાંઇ નહોતું. તેણે ઘરમાં આમતેમ નજર દોડાવી અને અંદર ગયો. થોડી જ ક્ષણમાં તે એક પ્યાલો લાવ્યો અને ભિખારીને આપી દીધો. સંજય પ્યાલાની ભીખ આપીને ખૂબ જ ખુશ જણાતો હતો.
ભિખારી સંજયનો આભાર માનીને ત્યાંથી જતો રહ્યો. થોડી જ વારમાં સંજયની પત્ની ઘરે પહોંચી અને જ્યારે સંજયે ભિખારીને એક પ્યાલો ભિક્ષામાં આપ્યો તે જણાવ્યું કે તરત જ ગુસ્સે થઈને જોરજોરથી બોલવા લાગી કે, “અરે તમે આ શું કરી દીધું. તમે ભિખારીને ચાંદીનો પ્યાલો આપી દીધો. તમે જલદી દોડીને જાઓ અને તે પ્યાલો ભિખારી પાસેથી પાછો લઈ આવો.”
પત્નીની વાત સાંભળીને સંજય ભિખારી ગયો હતો તે દિશામાં દોડતો ગયો. ભિખારી મળ્યો તો તેણે કહ્યું, “ભાઈ, મારી પત્નીએ હમણાંજ જાણકારી આપી છે કે આ પ્યાલો ચાંદીનો છે, તેથી તેને રસ્તામાં કોઈને ન વેચતો. જ્યાં સારી કિંમત ઉપજે તેવા ઝવેરીને ત્યાં વેચજે.”
આ ઘટના નજીકમાં ઊભેલો સંજયનો મિત્ર જોઈ રહ્યો હતો. તેણે સંજયને પૂછ્યું કે, ” મિત્ર! જ્યારે તને ખબર પડી ગઈ કે આ પ્યાલો ચાંદીનો છે તો તેને શા માટે લઈ જવા દીધો?”
સંજયે તેના મિત્રને સાંભળ્યા બાદ જવાબ આપ્યો કે, “મનને એ બાબતે અભ્યાસુ બનાવવા માટે કે તે મોટામાં મોટી હાનિમાં પણ ક્યારેય દુઃખી કે નિરાશ ન થાય!”
આ કથાનો બોધ એ છે કે, મનને ક્યારેય કોઇ બાબતે નિરાશ ન થવા દેશો. મોટામાં મોટા નુક્સાનમાં પણ પ્રસન્ન રહો. મન ઉદાસ થઇ દશે તો તમારા કાર્ય કરવાની ગતિ ધીમી થઇ જશે. તેથી તમારા મનને હંમેશાં એકદમ પ્રસન્ન રાખો.


