લગ્ન અને પરીક્ષા બંને એકસાથે હોવાથી મોરબીની ખુશાલી ચાવડાએ પહેલા પરીક્ષા આપી પછી લગ્ન વિધિ સંપન્ન કરી બંનેને ન્યાય આપ્યો
હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મતદાનના દિવસે એવા અનેક દ્રશ્યો જોવા મળશે કે દુલ્હા દુલ્હન લગ્નના દિવસે જ મત આપવા પહોંચી જાય. દુલ્હનના શણગારમાં મત આપતી પરિણીતાને આપણે ઘણીવાર જોઈ છે પરંતુ મોરબી ખાતે એક યુવતી નવવધુના શણગારમાં જ પરીક્ષા હોલમાં પહોંચી હતી અને પરીક્ષાનું પેપર આપ્યું હતું.
માર્ચ એપ્રિલનો સમય એટલે લગ્ન અને પરીક્ષા ની મોસમ. મોરબીમાં એક યુવતીના લગ્ન હતા અને એ જ દિવસે પરીક્ષાનું પેપર પણ હતું ત્યારે તેણીએ વચ્ચેનો રસ્તો કાઢી પાનેતર ઓઢી મડપમાં ડગ માંડતા પહેલા પરીક્ષા ખંડમાં બેસી પેપર લખ્યું હતું અને પછી લગ્ન વિધિ સંપન્ન કરી હતી.
મોરબીની પી જી પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડાના લગ્ન નક્કી થયા હતા અને પરીક્ષા પણ એ દિવસો દરમિયાન જ નક્કી થઈ હતી. એક દિવસ મંડપ મુર્હત સહિતના પ્રસંગો હતા બીજા દિવસે સવારે સગાઇ વિધિ અને બાદમાં લગ્નના ફેરા ફરવાના હતા. એમ.કોમ સેમ ૪ માં અભ્યાસ કરતી ખુશાલીએ સવારે સગાઇની વિધિ પૂર્ણ કરી તુરંત પરીક્ષા આપવા પહોંચી ગઈ હતી.
ખુશાલી ચાવડાએ જણાવ્યું હતું કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયા હતા અને તેના લગ્ન પણ નિર્ધાર્યા હોય જેથી સવારે સગાઇ વિધિ પતાવી તે તુરંત પરીક્ષા આપવા પહોંચી હતી. અભ્યાસમાં વર્ષ બગડે નહીં તેનો વિચાર કરીને બધી વિધિઓની વચ્ચે તે પરીક્ષાની તૈયારી કરી લેતી હતી અને લગ્નના દિવસે પણ નવવધુનો શણગાર કરીને પહેલા પરીક્ષા આપી હતી. ખુશાલીની પોતાના અભ્યાસ પ્રત્યેની લગન જોઈને કોલેજ તેમજ પરિવારે પણ તેને સહયોગ આપ્યો હતો. આજનો દિવસ તેણી માટે યાદગાર બની રહ્યો હતો.લગ્ન અને અભ્યાસ બંનેને તેણીએ સરખો ન્યાય આપ્યો હતો. તેના પરિવારના સભ્યો અને કોલેજના પ્રાધ્યાપક ગણને પણ અભિનંદન આપવા ઘટે કે તેની પરીક્ષા માટે સહકાર આપ્યો.