- દુનિયાભરમાં આ વર્ષનો એપ્રિલ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ એપ્રિલ રહ્યો
- દુનિયાભરમાં રેકોર્ડ દુષ્કાળ, દાવાનળ અને પૂર માટે કારણભૂત ગ્લોબલ વોર્મિંગ
- એપ્રિલમાં વિશ્વનું સરેરાશ તાપમાન 15.03 ડિગ્રી સેલ્સિયસ રહ્યું
દુનિયાભરમાં આ વર્ષનો એપ્રિલ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ એપ્રિલ રહ્યો અને વિક્રમી ગરમી, વરસાદ તથા પૂરના કારણે ઘણા દેશોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. યુરોપિયન સંઘ (EU)ની ક્લાઇમેટ એજન્સી કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ (C3S) દ્વારા બુધવારે જારી કરાયેલા નવા ડેટામાં આ માહિતી અપાઈ છે. C3Sના જણાવ્યાનુસાર હવે નબળા પડી રહેલા અલ નિનો તથા માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જની મિશ્રા અસરને લીધે એપ્રિલમાં સતત 11મા મહિને વિક્રમી ઊંચું તાપમાન પણ રહ્યું. એપ્રિલમાં વિશ્વનું સરેરાશ તાપમાન 15.03 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે વર્ષ 1850થી 1900 દરમિયાનના ડેઝિગ્નેટેડ પ્રી-ઇન્ડસ્ટ્રિયલ રેફરન્સ પિરિયડ સમયના માસિક સરેરાશ તાપમાનથી 1.50 ડિગ્રી સેલ્સિયસ અને 1991થી 2020 સુધીના એપ્રિલના સરેરાશ તાપમાનથી 0.67 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. એપ્રિલ, 2016માં નોંધાયેલા અગાઉના સર્વાધિક તાપમાન કરતાં 0.14 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. C3Sના ડાયરેક્ટર કાર્લો બ્યૂઓનટેમ્પોએ કહ્યું કે અલ નિનો વર્ષની શરૂઆતમાં ટોચ પર પહોંચ્યું હતું અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પેસિફ્કિમાં દરિયાની સપાટીનું તાપમાન હવે તટસ્થ સ્થિતિ તરફ્ પાછું ફરી રહ્યું છે.
જોકે એક તરફ્ તાપમાનમાં અલ નિનો જેવી નેચરલ સાઇકલ સાથે સંકળાયેલી વધઘટ ચાલુ રહે છે અને બીજી તરફ્ ગ્રીનહાઉસ ગેસમાં વૃદ્ધિને કારણે મહાસાગરો અને વાતાવરણમાં વધારાની ઊર્જા વૈશ્વિક તાપમાનને નવા વિક્રમો તરફ્ ધકેલવાનું ચાલુ રાખશે. C3S દ્વારા એમ પણ જણાવાયું હતું કે છેલ્લા 12 મહિના દરમિયાન (મે, 2023થી એપ્રિલ, 2024) સરેરાશ વૈશ્વિક તાપમાન સર્વાધિક રહ્યું, જે 1991થી 2020 સુધીના સરેરાશ તાપમાન કરતાં 0.73 ડિગ્રી અને 1850થી 1900 દરમિયાનની પ્રી-ઇન્ડસ્ટ્રિયલ એવરેજથી 1.61 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. C3S મુજબ વૈશ્વિક સરેરાશ તાપમાને આખા વર્ષ માટે 1.5 ડિગ્રી સેલ્સિયસ થ્રેશોલ્ડનો જાન્યુઆરીમાં પ્રથમ વખત ભંગ કર્યો હતો. જોકે પેરિસ એગ્રીમેન્ટમાં નિર્દિષ્ટ 1.5 ડિગ્રી સેલ્સિયસ મર્યાદાનો કાયમી ભંગ ઘણા વર્ષો દરમિયાનના લાંબા ગાળાના વોર્મિંગનો ઉલ્લેખ કરે છે. આબોહવા વિજ્ઞાનીઓના મતે દેશોએ ક્લાઇમેટ ચેન્જની સૌથી ખરાબ અસરો ટાળવા વૈશ્વિક સરેરાશ તાપમાનમાં વધારો પૂર્વ-ઔદ્યોગિક સમયગાળા કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાની જરૂર છે.
2049 સુધીમાં વૈશ્વિક અર્થતંત્રને વાર્ષિક EU38 લાખ કરોડનું નુકસાન થઈ શકે
જર્મનીની પોટ્સડેમ ઇન્સ્ટિટયૂટ ફોર ક્લાઇમેટ ઇમ્પેક્ટ રિસર્ચના વિજ્ઞાનીઓના તાજેતરના એક સ્ટડી મુજબ ક્લાઇમેટ ઇવેન્ટ્સની અસરોના કારણે વર્ષ 2049 સુધીમાં વૈશ્વિક અર્થતંત્રને વાર્ષિક 38 લાખ કરોડ ડોલરનું નુકસાન થઈ શકે છે અને ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી ઓછા જવાબદાર અને તેની અસરોને પહોંચી વળવા માટેના લઘુતમ સંસાધનો ધરાવતા દેશોએ સૌથી વધારે વેઠવું પડશે. વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસમાં, મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનમાં વૃદ્ધિને કારણે પૃથ્વીની સપાટીનું વૈશ્વિક તાપમાન 1850-1900ની સરેરાશની સરખામણીમાં લગભગ 1.15 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે. દુનિયાભરમાં રેકોર્ડ દુષ્કાળ, દાવાનળ અને પૂર માટે આ વોર્મિંગને કારણભૂત માનવામાં આવી રહ્યું છે.
એશિયામાં હીટવેવ, યુએઇમાં 75 વર્ષનો સર્વાધિક વરસાદ
વૈશ્વિક સ્તરે 2023નું વર્ષ પ્રી-ઇન્ડસ્ટ્રિયલ બેઝલાઇન (1850-1900)થી 1.45 ડિગ્રી સેલ્સિયસ વધુ વૈશ્વિક સરેરાશ તાપમાન સાથે 174 વર્ષના ઓબ્ઝર્વેશનલ રેકોર્ડનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. ઝ્ર3જીના વિજ્ઞાનીઓના જણાવ્યાનુસાર અલ નિનો નબળું પડીને તટસ્થ સ્થિતિ તરફ પાછું ફરી રહ્યું છે પરંતુ એપ્રિલમાં દરિયાઈ હવાનું તાપમાન તો અસામાન્ય ઊંચી સપાટીએ જ રહ્યું હતું. 2023-24 દરમિયાન અલ નિનો અને માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જની મિશ્રા અસરોના કારણે વિશ્વમાં આત્યંતિક હવામાન જોવા મળ્યું. એશિયામાં હીટવેવના કારણે ફિલિપાઇન્સમાં સ્કૂલો હંગામી ધોરણે બંધ કરવી પડી તો ભારતમાં લોકસભા ચૂંટણી દરમિયાન ગરમીના રેકોર્ડ તૂટી રહ્યા છે. ઇન્ડોનેશિયા, મલેશિયા અને મ્યાંમારમાં પણ વિક્રમી ગરમી જોવા મળી તો યુએઇમાં 75 વર્ષનો સૌથી વધુ વરસાદ થયો. એપ્રિલમાં સતત 13મા મહિને દરિયાઈ તાપમાન રેકોર્ડ ઊંચું રહ્યું.


