મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી એવો અર્થ અભિપ્રેત છે. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે, તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં હરકોઈ જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે. યોગ અને ભોગ એક જ છે. વ્રતી જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે. એનું મન મોહથી મુક્ત બની જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. કામાસક્તિ સંસારનું મોટું આકર્ષણ છે. સ્ત્રીરૂપ જે માયા તેને જીતવા માટે નર-નારાયણ ઋષિ વિના અન્ય કોઈ સમર્થ નથી. શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું.
યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું, `હે પ્રભુ! મોહનું શું રૂપ છે અને મોહની મુક્તિ થવાનો શો ઉપાય છે?’
`હે રાજન્! હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં ભ્રાંતિ થાય છે. પછી આ કરવાયોગ્ય છે અને આ અયોગ્ય એવો વિવેક રહેતો નથી, આનું નામ મોહ. મોહનું કારણ પંચ વિષય (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ) જ છે. પંચ જ્ઞાનેન્દ્રિયોને પંચવિષયનો સંબંધ છે. જો સ્વરૂપવાન સ્ત્રીનું લાવણ્યયુક્ત, રમણીય રૂપ જોવામાં આવી ગયું હોય તો તેમાં વૃત્તિ જોડાઈ જાય છે અને ભગવાનના સ્વરૂપમાં કે મૂર્તિમાં વૃત્તિ રહેતી નથી. ચિત્ત વિવશ બની જાય છે, માટે જ્યાં સુધી રમણીય પંચવિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં. માટે મોહ ઉત્પન્ન થવાનું કારણ વિષયમાં આસક્તિ જ ગણાય. વિષયમાં જેનું ચિત્ત ચોંટી ગયું હોય તે ચિત્તને ઉખેડવા માટે સૌપ્રથમ આત્મનિષ્ઠા અતિ દૃઢ કરવી જોઈએ. હું આત્મા છું, પણ દેહ નથી. આ વિચાર સૌપ્રથમ દૃઢ કરવો જોઈએ.’
હે ધર્મનંદન, વશિષ્ઠ મુનિએ શ્રીરામને જે મોહિની એકાદશીની કથા કહી હતી તે હું તમને કહું છું. મોહિની એકાદશી કરનાર મોહ-માયામાંથી મુક્ત થાય છે અને સર્વ પાપોમાંથી છુટકારો મેળવે છે.
સરસ્વતી નદીના તીરે ભદ્રાવતી નગરીમાં ધુતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો. સોમવંશમાં જન્મેલો આ રાજા પ્રજાવત્સલ અને સત્યનિષ્ઠ હતો. આ નગરમાં ધનપાલ નામે એક ગર્ભશ્રીમંત મોટો દાનવીર હતો. વાવ-કૂવા ગળાવતો, અન્નક્ષેત્રો ખોલતો, તળાવો બંધાવતો, પાણીની પરબ અને ધર્મશાળાઓની સુવિધાઓ કરતો.
વિષ્ણુભક્ત ધનપાલને પાંચ પુત્રો હતા. તેમાં ધૃષ્ટબુદ્ધિ નામનો પુત્ર અતિ દુરાચારી અને વેશ્યાગામી હતો. તેણે જુગાર, શરાબ અને સુંદરીમાં પિતાનું અઢળક દ્રવ્ય ખર્ચી નાખ્યું આથી રાજાએ તેને દેશવટો આપ્યો. જંગલમાં શિકાર કરતો કરતો તે એક દિવસ કૌડિન્ય મુનિના આશ્રમમાં આવી ચડ્યો.
મુનિવર્ય વૈશાખ માસમાં ગંગાસ્નાન કરી રહ્યા હતા. કૌડિન્ય મુનિ સ્નાનથી પરવારી વસ્ત્ર નીચોવી રહ્યા હતા. પાણીના છાંટા ધૃષ્ટબુદ્ધિ પર પડ્યા અને તેનાં પાપો નષ્ટ થયાં.
આશ્રમે જઈને તેણે મુનિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી કહ્યું કે, `મને મારાં પાપોનું પ્રાયશ્ચિત કહો. કૌડિન્ય મુનિએ તેને મોહિની એકાદશીનું વ્રત કરવાની આજ્ઞા કરી. આ દિવસે અન્નનું ભોજન કરનારનાં સંચિત પુણ્ય નાશ પામે છે. મુનિની આજ્ઞા પ્રમાણે તેણે વિધિપૂર્વક વ્રત કર્યું અને તે પાપમુક્ત થયો. તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ.’