જ્યારે જ્યારે ધરતી પર દાનવો અને દુષ્ટ શક્તિઓએ માનવતા પર અત્યાચાર કર્યા છે અથવા તો માનવીઓનું જીવવું અતિશય મુશ્કેલ કરી નાખ્યું છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુએ નવો અવતાર ધારણ કરીને તે તમામ દુષ્ટ શક્તિઓને હણી છે. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર ભગવાન નૃસિંહનો હતો. હિરણ્યકશિપુ જેવા દૈત્યનો સંહાર કરવા ભગવાન નૃસિંહે અડધા નર અને અડધા સિંહનો અવતાર લીધો હતો. જે દિવસે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લીધો હતો તે દિવસ વૈશાખ માસની સુદ પક્ષની ચતુર્દર્શી હતી. વિશ્વભરમાં અને ભારતભરમાં ઘણી જગ્યાએ ભગવાન નૃસિંહનાં મંદિરો આવેલાં છે. જેના વિશે જાણીએ.
ભગવાન નૃસિંહ ક્યાં અવતર્યા હતા?
પૌરાણિક માન્યતાઓ અનુસાર બિહારના પૂર્ણિયા જિલ્લામાં ભગવાન નૃસિંહનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. માન્યતા એવી પણ છે કે અહીં જ ભગવાન નૃસિંહ પ્રગટ થયા હતા. તો બીજી તરફ એવી પણ માન્યતા પ્રચલિત છે કે અહીંયાં તે જગ્યા આવેલી છે જ્યાં ભગવાન નૃસિંહે ભક્ત પ્રહલાદની રક્ષા માટે હિરણ્યકશિપુનો નખ વડે વધ કર્યો હતો. અહીં વારતહેવારે અને હોળિકાદહનનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ ઉત્સવને મનાવવા અને ભગવાન નૃસિંહના આશીર્વાદ મેળવવા ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે.
હરદોઈનો પ્રહલાદ કુંડ
એક પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન નૃસિંહ ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં પ્રગટ થયા હતા. પૌરાણિક કાળમાં જ્યારે અહીંયાં હિરણ્યકશિપુનું રાજ ચાલતું હતું અને તે ભગવાનમાં બિલકુલ માનતો નહોતો. એટલું જ નહીં, પરંતુ જો કોઇ ભગવાનનું નામ લે છે તો તેને પણ તે સજા ફટકારતો હતો અને ભગવાનને ન માનવાનું ગુસ્સાભેર કહેતો હતો. પહેલાં આ સ્થાન હરિદ્રોહી હતું, પરંતુ ભગવાન નૃસિંહના અવતાર બાદ અહીંની જગ્યાને પ્રહ્લાદ કુંડ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જ અગ્નિમાં હોળિકા સળગીને રાખ થઇ ગઇ હતી અને ભક્ત પ્રહ્લાદ બચી ગયો હતો. ત્યારબાદ ભગવાન નૃસિંહે હિરણ્યકશિપુનો અંત કરી દીધો હતો.
ઈટાવાનું પ્રસિદ્ધ નૃસિંહ મંદિર
ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લામાં ભગવાન નૃસિંહનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરને પદ્મનાથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જગ્યાએ ભગવાન નૃસિંહે અવતાર લીધો હોવાની પણ પૌરાણિક માન્યતા છે. અહીં વર્ષભર ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.
દક્ષિણ ભારતમાં ભગવાન નૃસિંહનાં મંદિર
ઉત્તર ભારત સિવાય પણ ભગવાન નૃસિંહનાં ઘણાં મંદિર દક્ષિણ ભારતનાં કેટલાંક શહેરમાં પણ આવેલાં છે. ખાસ કરીને તેલંગાણાના યદાગિરી ગુટ્ટા નામે નૃસિંહ મંદિર આવેલું છે.
જ્યારે વિશાખાપટ્ટનમમાં સિંહાચલમ મંદિર આવેલું છે. આંધ્ર પ્રદેશમાં પણ અહોબિલમ નૃસિંહ મંદિર આવેલું છે. કર્ણાટકમાં મેલકોટ યોગ નૃસિંહ મંદિર આવેલું છે. આ તમામ જગ્યાએ ભક્તો ભક્તિભાવથી તેમના દર્શનાર્થે જાય છે.
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલું છે 1200 વર્ષ જૂનું મંદિર
ઉત્તરાખંડના જોશીમઠમાં ભગવાન નૃસિંહનું અંદાજિત એક વર્ષ કરતાં પણ જૂનું મંદિર આવેલું છે. આ મંદિરને નૃસિંહ બદ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં દર્શનમાત્રથી ભક્તોનાં દુઃખ દૂર થઇ જાય છે. આમ તો વર્ષભર ભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે. જોકે, અહીં ઠંડીની મોસમમાં ભગવાન બદ્રીનાથ પણ વિરાજમાન થાય છે. અહીંયાં તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે જોશીમઠમાં નૃસિંહ ભગવાનનાં દર્શન કર્યા વગર બદ્રીનાથ ધામની યાત્રા પૂરી માનવામાં આવતી નથી.
ચમોલીમાં આવેલા ભગવાન નૃસિંહની મૂર્તિ શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ મૂર્તિનું નિર્માણ આઠમી શતાબ્દીના કાશ્મીરના રાજા લલિતાદિત્યના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક ઇતિહાસકારો અને આસપાસમાં વસતા લોકોનું કહેવું છે કે, આ મૂર્તિ અહીં સ્વયંભૂ પ્રગટ થઇ હતી. ભગવાન નૃસિંહની મૂર્તિ અંદાજિત 10 ઈંચની છે અને અહીં તેઓ એક કલાત્મક કમળ પર વિરાજમાન છે. ભગવાન નૃસિંહની સાથે અહીં ભગવાન રામ, માતા સીતા અને ભગવાન બજરંગબલી પણ છે. સાથેસાથે ગરુડની મૂર્તિઓ પણ અહીં જોવા મળે છે. આ સિવાય કલાત્મક માતા કાલિકાની મૂર્તિ પણ અહીં બિરાજમાન છે.
ચમોલીના મંદિર વિશેની અન્ય માન્યતા
રાજતરંગિણી ગ્રંથના જણાવ્યા પ્રમાણે 8મી સદીમાં કાશ્મીરના રાજા લલિતાદિત્ય દ્વારા પોતાની દિગ્વિજય યાત્રા દરમિયાન ભગવાન નૃસિંહના ભવ્ય મંદિરનું નિર્માણ ઉગ્ર નૃસિંહની પૂજા માટે કરવામાં આવ્યું હતું જે ભગવાન વિષ્ણુના અવતાર છે. જ્યારે પાંડવોને લઇને પણ અહીં કેટલીક અલગ માન્યતા છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે પાંડવો જ્યારે સ્વર્ગરોહિણી યાત્રા કરી રહ્યા હતા ત્યારે તેમણે અહીં મંદિરનો પાયો રચ્યો હતો. બીજી તરફ અન્ય એક માન્યતા પ્રમાણે આ મંદિરની સ્થાપના આદિ ગુરુ શંકરાચાર્યએ કરી હતી, કારણ કે તેઓ ભગવાન નૃસિંહને તેમના ઈષ્ટ માનતા હતા.
મધ્ય પ્રદેશમાં ભગવાન નૃસિંહનું મંદિર
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના નરસિંહગઢનું નામ ભગવાન નૃસિંહ પરથી જ રાખવામાં આવ્યું હતું. અહીં ઈ.સ.1૬81માં ભગવાન નૃસિંહની અષ્ટ ધાતુની મૂર્તિની સ્થાપના રાજા પરશુરામના સમયમાં કરવામાં આવી હતી. આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ નેપાળી શૈલીની છે અને તે અંદાજિત 280 કિલો વજન ધરાવે છે. ભગવાન નૃસિંહની આ મૂર્તિને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. અહીં ભારતભરમાંથી જ નહીં, પરંતુ વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ તેમના દર્શનાર્થે આવે છે.