- આપણા જીવનમાં સાચી દિશા પ્રગટે એ જ સાચો સૂર્યોદય
ઘણાં સમય પહેલાં બનેલી આ એક દિલચશ્પ ઘટના છે. ઘણી વાર આપણે કોઈ પણ માણસ માટે ગમે એટલા સારા ભાવો રાખતા હોઈએ, પણ સામેની વ્યક્તિના મનમાં આપણા માટે એવા જ ભાવો હોય એવું બનતું નથી. અરે, એના બદલે ક્યારેક તો એવું પણ બને છે કે સામેના માણસના મનમાં સાવ વિરોધી ભાવ આપણને જણાતા હોય છે.
જયપુરના રાજા એ સમયે જયરથ હતા. એમનો વિજયરથ સૂર્યના રથની સાથે સ્પર્ધા કરતો હતો. સતત એ પ્રજાના હિતની જ વિચારણા કરતો અને પોતાના વિચારોને સક્રિય બનાવતો. પ્રજાને કોઈ પણ રીતે પીડા ન થાય એની એ સતત કાળજી રાખતા.
આસપાસના રાજાઓ સાથેનો વ્યવહાર મૈત્રીભર્યો હતો. એટલું જ નહીં, એમની સાથે બહુમાન ભાવ રાખતા. દુશ્મન રાજાઓ એમની સાથે લડતા ડરતા હતા એવો એમનો પ્રભાવ હતો. અધિકારી વર્ગ મોટો હતો છતાં દરેક પ્રકારના કાર્યભાર માટે એ પોતે સક્રિય રસ લેતા. બીજાના ભરોસે રહેવાનું એમના સ્વભાવમાં ન હતું.
રાજા જયરથનાં એક રાણી શૃંગારમંજરી નામનાં હતાં. રૂપમાં એમનો જોટો જડવો મુશ્કેલ હતો, પણ ઘણી વાર એવું જોવા મળે છે કે શરીરની સુંદરતા હોય છે ત્યાં આત્મા એવો સુંદર હોતો નથી.
શૃંગારમંજરીની પરિસ્થિતિ પણ એવી જ હતી. એના દેહની સુંદરતા અજોડ હતી. તો એના મનની અપવિત્રતાની કોઈ સીમા ન હતી. સ્ત્રી માટે એનું શીલ જ શ્રેષ્ઠ આભૂષણ હોય છે. જ્યારે આ શૃંગારમંજરી કે જેનો પતિ મોટા સામ્રાજ્યનો સ્વામી હોવા છતાં એ પોતાના મનમાં એક અન્ય પુરુષને રાખીને ફરતી હતી.
ઘટના એવી હતી કે એ નગરમાં એક ધનંજય નામનો શ્રેષ્ઠીપુત્ર હતો. હૃષ્ટપુષ્ટ અને કામણગારી કાયાનો માલિક હતો. કસરતથી કસાયેલુ એનું શરીર હતું. એને જોયા પછી શૃંગારમંજરીનું મન હાથમાં રહેતું નથી. એના મનમાં એક નામ ઘોળાયા કરે છે. ગમે તે કરો, પણ ધનંજય વગર મારા જીવનનો કોઈ અર્થ નથી. માણસના મનમાં કોઈ વાત ભરાઈ જાય પછી જ્યાં સુધી એનો નિકાલ ન થાય ત્યાં સુધી એને બીજું કશું યાદ આવે નહીં, બીજું કશું સૂઝે પણ નહીં.
શૃંગારમંજરીના મનમાં ધનંજય વસી ગયો છે. ધનંજયને પોતાના કરવા માટે એણે પોતાની તમામ તાકાત એકઠી કરી લીધી છે. એણે ધનંજય સુધી પહોંચવા માટે પોતાના મહેલના કમરામાંથી એના ઘર સુધીની એક ગુપ્ત સુરંગ તૈયાર કરી દીધી છે જેથી નિયમિત પોતાના પ્રેમીને મળવા જઈ શકાય. એક દિવસ પેલા ધનંજયે શૃંગાર મંજરીને પ્રેમથી કહ્યું આ પણ કોઈ રીત છે. પ્રેમિકાને મળવાનું પણ ચોરીથી, પ્રેમ એ કંઈ ચોરીનો વિષય છે? આવા પ્રેમનો શું અર્થ છે? પ્રેમ તો પ્રેમ હોય છે એમાં આવા કોઈ અવરોધને અવકાશ જ ન હોય. નિર્ભેળ અને નિદ્વંદ્વ આનંદ એ પ્રેમનો વિષય છે. એમાં આવી ચોરી? એમાં પણ આ તો આપેક્ષિક તારી ઇચ્છા થાય ત્યારે જ મારે પ્રેમનો અનુભવ કરવો, એટલે મારા પ્રેમની તો કોઈ કિંમત જ નહીંને? આવા પ્રેમનો મારા માટે કોઈ અર્થ નથી.
શૃંગારમંજરી કહે છે તું ચિંતા ન કર. આવા પ્રેમથી મને પણ થાક લાગે છે. હવે હું પણ તારાથી અલગ રહી શકું એમ નથી. આજે મેં મારા મનથી નિર્ણય કરી લીધો છે. ચોરીનો પ્રેમ હવે મને પણ ખપતો નથી એનો કાયમી ઉકેલ શોધી લીધો છે.
ધનંજય તો એની વાત સાંભળીને જ સ્તબ્ધ થઈ ગયો. આ શું વાત કરે છે? એવો કેવો અને શું ઉપાય એણે શોધી કાઢ્યો હશે? મને કંઈ સમજ પડતી નથી. આ કરવા શું માગે છે? પણ એ પોતાના મનની વાત કળાવા દેતી નથી. એણે પોતાના પ્રેમી ધનંજયને કહી દીધું કે આજે રાતે મધ્યરાત્રિના સમયે તું મારા કમરામાં આવજે. એના પછી તારા મનનું કાયમી સમાધાન થઈ જશે.
ધનંજયને ઉત્કંઠા છે આ શું કરશે? એ રાતના સમયે ઊંઘી શકતો નથી. પ્રતીક્ષાનો સમય પસાર થતા પણ તકલીફ પડતી હોય છે. થોડી થોડી વારે બહાર જઈને આકાશ સામે જોયા કરે છે સમય થયો? સમય થયો?
આખરે સમય થયો અને ધનંજય સુરંગ વાટે રાજમહેલના એ કમરામાં પહોંચ્યો કે જ્યાં પેલી શૃંગારમંજરી રહે છે. કમરામાં જઈને એણે શું જોયું?
શૃંગારમંજરીએ રાજાની સામે પ્રેમનું નાટક કર્યું. જયરથને એવું ઠસાવવા પ્રયત્ન કરે છે કે તમારા વગર એક ક્ષણ માટે પણ રહેવાનું મારા માટે શક્ય નથી. તમારા માટે મને કેટલી બધી લાગણી છે. હું તમને કેવી રીતે સમજાવી શકું? રાજા જયરથ શૃંગારમંજરીની બનાવટી વાતોને સમજી શકતા નથી એમને તો એમ જ લાગે છે કે આને મારા માટે કેટલી બધી લાગણી છે? આવી પત્નીને પામીને ખરેખર હું ધન્ય બની ગયો.
પ્રેમભીની વાતો કરતાં કરતાં રાજાની આંખ મળી ગઈ. આખા દિવસના થાકના કારણે રાજા ઘસઘસાટ ઊંઘમાં સરી ગયા. રાજાને ગાઢ ઊંઘમાં સૂતેલા જોઈને રાણી શૃંગારમંજરી ઊભી થઈ. ખાતરી કરી લીધી છે રાજા ગાઢ ઊંઘમાં સૂતેલા છે. રાજાની તલવાર એણે પોતાના હાથમાં લીધી. એનો આશય તો એવો હતો કે આ તલવારથી રાજાને કાયમ માટે શાંત કરી દેવા. હજુ તો માત્ર ચંદ ક્ષણો પહેલાં જે પોતાના પતિને પ્રેમનું અમૃત પીવડાવી રહી હતી એ નારીએ અત્યારે પતિને શાંત કરવા તલવાર હાથમાં લીધી છે. એ જ સમયે ધનંજય પ્રગટ થાય છે. તેણે વિચાર કર્યો મારા પ્રેમમાં અંધ બનીને આ નારી રાજાને મારવા તૈયાર થઈ છે. હિંસામાં આ રીતે તો હું પણ ભાગીદાર બનું છું. આ કોઈ પણ સંયોગોમાં ઉચિત ગણાય નહીં એટલે આ હિંસા મારે અટકાવવી જ જોઈએ.
ધનંજયે શૃંગારમંજરીને કહ્યું : મંજરી, આ રીતે રાજાની હત્યા કરવી હિતાવહ નથી. સાચો પ્રેમ કોઈની હિંસા ન કરાવે, પ્રેમ મૃત્યુ નહીં જીવન આપે. બસ, હવે હું જાઉં છું ક્યાં મળીશું એની ખબર નથી. ક્યાં જઈશ એ પણ મને ખબર નથી. ચાલો અલવિદા
શૃંગારમંજરી અવાક્ થઈ ગઈ. ધનંજય ત્યાંથી રવાના થઇ ગયો. સુરંગના માર્ગે ચાલતા જતા નગરની બહાર ઉદ્યાનમાં પહોંચ્યો.
પૂર્વાકાશમાં સૂર્ય ઊગું ઊગું થયા કરતો હતો. સૂર્ય ઊગતા પહેલાં પૂર્વ દિશામાં લાલાશ પ્રગટી ચૂકી હતી. ધનંજયની નજર એ તરફ જ હતી. વાતાવરણ ખુશનુમા હતું. એ વિચાર કરે છે મેં જે કર્યું એ કેટલું યોગ્ય હતું? એક પરિણીતા સાથે પ્રેમ કર્યો એ કે એક રાજાની હત્યા રોકીએ?
એની વિચારધારા આગળ વધે છે આને શું પ્રેમ કહેવાય? ના, આ તો મારા તનમનનો વિકાર છે. આવા વિકારના કારણે મારું ભવિષ્ય શું? તો મારા ભવિષ્ય માટે મારે કયો માર્ગ લેવો જોઇએ? રાગનો માર્ગ ક્યારે પણ સાચો ન હોઈ શકે. અત્યાર સુધી કરેલાં પાપોથી મુક્ત થવા માટે વૈરાગ્યનો માર્ગ જ સુયોગ્ય છે. બસ, હવે મારે વૈરાગ્યના માર્ગે જવું છે.
પૂર્વ દિશામાં સૂર્ય ડોકિયાં કરી રહ્યો હતો એ જ સમયે ધનંજયે પોતાની દિશા નક્કી કરી લીધી છે મક્કમ પગલે એ આગળ વધી રહ્યો છે. થોડાંક જ ડગલાં ચાલ્યો હશે ત્યાં તો એક વૃક્ષની નીચે આત્મદયામાં ઊભેલા કોઈ સાધુ મહાત્માને જોયા. એમનાં ચરણમાં જઇને એ બેસી ગયો.
સાધુ મહાત્માએ એમને ઉપદેશ આપ્યો. આપણા જીવનમાં સાચી દિશા પ્રગટે એ જ સાચો સૂર્યોદય બાકી સૂર્ય ઊગે ન ઊગે કોઈ ફરક નહીં.
એ જ મહાત્માનાં ચરણોમાં પોતાનું જીવન સમર્પણ કરી દીધું એ આત્મસાધનામાં લાગી ગયો. શૃંગાર કે શૃંગારમંજરીને પોતાના વિચારમાં લાવતો નથી ક્યારેક મન થાય તો દિવસમાં એક વાર ભોજન કરી લેવાનું, નહીં તો આવતી કાલે વાત. માણસ જ્યારે દિશા બદલે છે ત્યારે એનામાં કેટલું વધુ પરિવર્તન આવતું હોય છે એનું સાક્ષાત્ ઉદાહરણ જોવું હોય તો ધનંજયને જોવો પડે.
આ રીતે કેટલોક સમય પસાર થઇ ગયો. પોતાના સાધનાજીવનમાં એ સ્થિર થઇ ગયો છે. એક દિવસ ગુરુની આજ્ઞા લઇને એ સ્વતંત્ર વિહાર કરે છે. એમ કરતા એક દિવસ એ ત્યાં પહોંચી ગયો કે જ્યાં એને ગુરુવર સૌપ્રથમ મળ્યા હતા. એ ત્યાં જ બેસી ગયો જ્યાં ગુરુવર બેઠેલા હતા. એને એ ઘટના યાદ આવી ગઈ એ પછી કેવી ધન્ય હશે કે એ સમયે ગુરુવરનો મને યોગ થયો. જો એ સમયે ગુરુવરનો યોગ ન થયો હોત તો હું પણ વિયોગની આગમાં જલતો હોત ભલું થયું તે મને ગુરુવર મળ્યા.
એ સમયે એક બીજી ઘટના બની. એક ઘોડેસવાર સામેથી આવી રહ્યો હતો. એકલો જ હતો નજીક આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો રાજા જયરથ પોતે જ હતો. ઘોડો પણ જાણે પાળેેલો હોય એમ ત્યાં જ આવીને ઊભો રહ્યો. મુનિને જોઇને રાજા ખુશ થયા વંદન કરીને સામે બેઠા. એમણે પૂછ્યું આપે દીક્ષા કેમ લીધી? એમણે જવાબ આપ્યો તમારા કારણે? મારા કારણે? કેવી રીતે?
ધનંજય મુનિએ પોતાની વાત કરી શૃંગારમંજરીના અને પોતાના પ્રેમની વાત કરી. શૃંગારમંજરી તલવાર ઉઠાવી રહી હતી એ ઘટના સાંભળીને રાજા જયરથના મનમાં પણ વૈરાગ્ય જાગ્યો. એ જ સમયે એણે નિશ્ચય કરી લીધો કે હવે મારે આવા સંસારમાં રહેવું નથી, મારે સંયમજીવનનો સ્વીકાર કરવો. ધનંજય મુનિની પાસે એણે દીક્ષા સ્વીકારી આરાધનામાં મનને પરોવી દીધું. પોતાના આત્માનું કલ્યાણ કર્યું. માણસ જાગી જાય પછી એને સંસાર સારો ન લાગે. આગને બાગ તો કોણ માને? આટલી સમજ આવે એના માટે આપણે પ્રયત્ન કરવો જરૂરી છે.