સર્વભૂતસ્થિતમ ય:મામ ભજતિ એકત્વમ આસ્થિત:I
સર્વતા વર્તમાન: અપિ સ: યોગી મયિ વર્તતે II31II
આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ ય: અર્જુન I
સુખં વા યદિ દુ:ખમ સ યોગી પરમો મત: II32II
અર્થ : એકપણાનો આશ્રય કરી જે યોગી સર્વ પ્રાણીઓમાં રહેલા મને ભજે છે, તે સર્વ પ્રકારે વર્તે છતાં મારામાં વર્તે છે.
હે અર્જુન! જે મનુષ્ય સર્વમાં પોતાની પેઠે સુખ અને દુ:ખને સમાન જુએ છે તે મારે મન પરમ યોગી છે. જે એકપણાનો એટલે કે જે પોતાને મારા સાથે જોડાયેલો માનીને દરેક પ્રાણીમાત્રમાં રહેલા મને જ ભજે છે તે ગમે તેમ વર્તે તો પણ તે મારામહીં જ વર્તે છે. અહીં મુખ્ય શરત પોતાની જાતને પ્રભુ સાથે એકાકાર થયેલી માનવા માટેની છે. તમે અને પ્રભુ બંને એક જ છો એ માન્યતા તમારા દિલમાં સદાને માટે જાગી જાય પછી તમારે દરેક પ્રાણીમાં પણ ઈશ્વરનો વાસ છે તેમ ગણીને તેની સાથે વર્તવાનું છે. જો તમે આમ કરી શકશો તો પછી ભગવાન એમ જ માનશે કે તમે એમને જ ભજી રહ્યા છો. વળી ભગવાન અર્જુનજીને સંબોધીને આગળ એમ પણ કહે છે કે જે મનુષ્ય દુ:ખ અને સુખને સમાન સમજે છે તે તો પરમ યોગી જ કહેવાશે. એક વખત તમારું ભગવાન સાથે જોડાણ થઇ જાય છે પછી તમને સુખ અને દુ:ખ એક સમાન જ લાગવા માંડશે. પોતે એકાંતમાં રહે, પોતાનામાં ઈશ્વરને સમાવિષ્ટ માની લે તે પછી તેના માટે સુખ દુઃખનો કોઈ તફાવત જ રહેતો નથી અને ભગવાન પણ તેને પરમ યોગી તરીકે સ્વીકારી લે છે.
અર્જુન ઉવાચ
ય: અયમ યોગ: ત્વયા પ્રોક્ત: સામ્યેન મધૂસુદન I
એતસ્ય અહમ ન પશ્યામિ ચંચલત્વાત સ્થિત્મ સ્થિરામ II33II
અર્જુન કહે છે હે મધૂસુદન, તમે મને જે આ સમદર્શન રૂપ યોગ કહ્યો તે મારા મનની ચંચળતાને લીધે સ્થિર જોતો નથી
ચંચલમ હિ મન: કૃષ્ણ પ્રમાથિ બલવત દૃઢમ I
તસ્ય અહમ નિગ્રહમ મન્યે વાયો: ઇવ સુદુષ્કરમ II34II
અર્થ : કેમ કે હે કૃષ્ણ મન ચંચળ વિહવળ કરનાર બળવાન અને દૃઢ છે, આથી મનનો નિગ્રહ વાયુની પેઠે હું અતિશય મુશ્કેલ માનું છું.
શ્લોક 11થી 32મા ભગવાને અર્જુનજીને જે યોગની વાત સમજાવી તે પોતાનું મન ચંચળ હોવાને કારણે પોતે સમજી શકતા નથી. વળી આ બધી યોગની વાતો તેમને અવ્યવહારુ પણ લાગે છે. યોગની વાત સરળ શૈલીમાં હોય તો સામાન્ય માણસને સહેલાઈથી ગળે ઊતરી જાય છે. મનુષ્યનું મન હઠીલું બળવાન અને ચંચળ છે તેથી જો જ્ઞાનની વાત તેને કરો તો તે સામે જાતજાતની દલીલો કરે છે અને જ્ઞાનની વાત સાંભળવા માગતું જ નથી તેવું વાતાવરણ ઉપસ્થિત કરે છે. ખરેખર આપણે બધા પણ અર્જુનજી જેવા ચંચળ અને કઠોર મનોબળવાળા જ છીએ એથી જ તમે પોતે પણ અનુભવતા હશો કે જ્યારે ક્યાંય પણ જ્ઞાનની ચર્ચા થતી હશે તો તમારું મન તમને તેમાં કંઈ જ રસ લેવા દેશો નહીં, એ તમને રોકવાની જ કોશિશ કરશે ને તમે જાણે કે બધું જ જાણો છો તેવો ભાવ ઉત્પન્ન કરાવે છે. જેમ પવનને વશ કરવો કઠિન છે તેમ મનને પણ વશ કરવું ખૂબ અઘરું છે તેવું અર્જુનજીનું કહેવું છે. મન ઉપર બુદ્ધિ જીત મેળવી લે તે ખૂબ જ જરૂરી જણાય છે.