- ઉધઇ વધતી કનેક્ટિવિટી, ક્લાઇમેટ ચેન્જના કારણે તેના કુદરતી રહેઠાણથી દૂરના શહેરો સુધી પહોંચે છે
- વિશ્વના મોટાભાગના શહેરો ઉધઇની ઝપટમાં આવી રહ્યા છે
- વધતું તાપમાન ઠંડા ક્ષેત્રોને પણ ઉધઇ માટે અનુકૂળ બનાવી રહ્યું છે
ક્લાઇમેટ ચેન્જ સાથે જ દુનિયાભરમાં ઉધઇનો ત્રાસ પણ ઝડપથી વધી રહ્યો છે. વિશ્વના મોટાભાગના શહેરો નાના પણ વિનાશકારી અને આક્રમક એવા કીટાણું ઉધઇની ઝપટમાં આવી રહ્યા છે. વધતું તાપમાન ઠંડા ક્ષેત્રોને પણ ઉધઇ માટે અનુકૂળ બનાવી રહ્યું છે. ઉધઇના કારણે દુનિયાભરમાં દર વર્ષે રૂ. 3,33,715 કરોડ (ચાર હજાર કરોડ ડોલર)થી વધુનું નુકસાન થઈ રહ્યું છે. નિયોબાયોટા નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ સ્ટડીથી આ માહિતી સામે આવી છે. વૈશ્વિક સ્તરે જે રીતે હવામાન બદલાઈ રહ્યું છે અને દુનિયા ગરમ થઈ રહી છે તેના કારણે આ આક્રમક જીવ એવા શહેરોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે કે જ્યાં પહેલાં તેનું નામોનિશાન નહોતું. આવા શહેરોમાં સાઓ પાઉલો, લાગોસ, મિયામી, જકાર્તા અને ડાર્વિન જેવા ગરમ શહેરોની સાથોસાથ લંડન, પેરિસ, બ્રસેલ્સ, ન્યૂયોર્ક અને ટોક્યો જેવા ઠંડા સમશીતોષ્ણ શહેરો પણ સામેલ છે. સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય આબોહવામાં થતી ઉધઇ હવે વધતી જતી કનેક્ટિવિટી અને આબોહવામાં ફેરફારને કારણે તેના કુદરતી રહેઠાણથી દૂરના શહેરો સુધી સરળતાથી પહોંચી જાય છે. વધતું શહેરીકરણ ભવિષ્યમાં આક્રમક ઉધઇના વ્યાપક ફેલાવાને વધુ સરળ બનાવશે. જહાજો દ્વારા દૂર-દૂરના ક્ષેત્રો સુધી મોકલવામાં આવતા લાકડાંના ફર્નિચર સહિત અન્ય માલસામાન અને તેની વૈશ્વિક હિલચાલને કારણે ઘરો અને ઓફિસોમાં ઉધઇ ફેલાઈ જાય છે. ઉધઇ લાકડાંને જ નિશાન બનાવે છે તેનું મુખ્ય કારણ તેમાં સેલ્યૂલોઝ છે, જે ઉધઇનો મુખ્ય આહાર છે. વૃક્ષો, છોડ, લાકડાં અને ઘાસ વગેરેમાં સેલ્યૂલોઝ ભરપૂર પ્રમાણમાં હોય છે. વળી, ઉધઇના મોંની બનાવટ એવી હોય છે કે તેના માટે લાકડાં સહિત આ બધું ખાવું સરળ હોય છે. સંશોધકોનું કહેવું છે કે લાકડાંના નાના ટુકડામાં રહેલી એક ઉધઇ ક્યારે દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી જાય તેની આપણને ખબર પણ પડતી નથી. ત્યાર બાદ જ્યારે નર અને માદા ઉધઇ પ્રકાશ તરફ્ આકર્ષાય છે ત્યારે તેમની વસ્તી વધારવાનું શરૂ કરી દે છે.


