- ભાગ્ય ઉપર ભરોસો હોય એવા માણસો ક્યારેય મગજને-બુદ્ધિને મહત્ત્વ આપતા નથી
નંદીપુર નામના નગરની આ ઘટના છે. રાજમહેલોમાં ક્યારેક કેવી કેવી રમતો રમાતી અને એનો ક્યારેક સુખદ પણ અંત આવતો તો ક્યારેક દુઃખદ અંત પણ આવતો. આવી જ એક ઘટના નંદીપુર નગરમાં બનેલી.
વાત એવી હતી કે નંદીપુર નગરના રાજા ધર્મસેન હતા. એમને ત્રણ રાણીઓ હતી. સૌથી મોટી શ્રીકાંતા હતી. બીજા નંબરમાં શ્રીદત્તા હતી. આ બેયનો મનમેળ સારો હતો. બેયનો સ્વભાવ મળતો આવતો. બધાંનું જીવન શાંતિથી પસાર થતું. એમાં એક ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થયો.
રાજા ધર્મસેને ત્રીજાં લગ્ન કર્યાં. એનું નામ હતું શ્રીમતી. એ પણ હોશિયાર અને બુદ્ધિશાળી હતી. ક્યારેક રાજાને રાજકાજમાં મદદ પણ કરતી. જોકે મોટી બેય રાણીઓને એનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે એમને રાજકારણથી કોઈ મતલબ નથી.
એમ કરતા અનુક્રમે ત્રણેય રાણીઓએ એકેક પુત્રને જન્મ આપ્યો. ત્રણે કુમારો માટે એક જ વાત કરી શકાય. `રંગે રૂડા રૂપે પૂરા.’ બાળકને જુઓને તરત જ આપણને ઉપાડી લેવાનું મન થાય એવા એ રાજકુમારોને તમે જુઓ તો પ્રસન્નતાની અનુભૂતિ થયા વગર રહે નહીં.
ત્રણે રાજકુમારોનાં નામ અનુક્રમે જય, વિજય અને નયધીર હતાં. શ્રીકાંતાનો દીકરો જય, શ્રીદત્તાનો દીકરો વિજય હતા. એ બેયની ઉંમર અને સ્વભાવ પણ સરખાં હતાં. માતાની જેમ બેય દીકરાના સ્વભાવમાં પણ સામ્ય હતું. અભ્યાસમાં પણ બેય ભાઈઓ સરખા હતા.
જ્યાં મનમેળ હોય ત્યાં બીજા બધા પ્રશ્નો ગૌણ બની જાય છે અને મનમેળ ન હોય ત્યાં સીધી વાત પણ અવળી અને અઘરી લાગતી હોય છે. બેય ભાઈઓ સતત સાથે જ રહીને આગળ વધી રહ્યા છે.
ત્રીજો રાજકુમાર નયધીર પણ હતો તો હોશિયાર અને ચતુર, પણ એ થોડો મનમોજી હતો. કોઈની સાથે ભળતો નહીં. એના મોટા ભાઈઓ એને સાથે રાખવા માટે મહેનત કરે, પણ આ ભાઈને બધા સાથે ફાવે જ નહીં પછી શું થાય?
હવે પરિસ્થિતિ એવી બની કે આ બેય ભાઈઓ આખો દિવસ સાથે ને સાથે જ હોય. નગરમાં ફરવા નીકળવું હોય તો પણ આ બેય ભાઈઓ સાથે ને સાથે જ હોય. હવે તો એ વયસ્ક પણ થયા છે. એમની ઉંમર લગભગ અઢાર વીસ વર્ષની થઈ હશે. આખા નગરમાં આ જોડી પ્રખ્યાત થઈ ગઈ છે. જય-વિજયને બધા બોલાવતા હોય અને એ પણ બધાની સાથે હળીમળીને રહેતા હોય, જ્યારે નયધીરના નામની પણ કોઈને ખબર ન હોય. એ પોતાના મહેલમાંથી બહાર જ નીકળતો ન હોય તો એને કોણ ઓળખવાનું હતું?
વાત આટલેથી અટકતી નથી. આની તકલીફ પેલા નયધીરને તો કંઈ ન હતી, પણ ખરી તકલીફ એની માતાને હતી. એ વિચાર કરે છે અત્યારે આખા નગરમાં જય-વિજયની વાતો થાય છે. બધા એ બે જણાને જ ઓળખે છે. મારા નયધીરને તો કોઈ જાણતું જ નથી. આમ ને આમ ચાલશે તો મારા દીકરાને કોઈ ઓળખશે પણ નહીં. તો પછી એ રાજા તો ક્યાંથી બની શકશે? હવે મારા દીકરાને આગળ લાવવા માટે મારે જ પ્રયત્ન કરવો પડશે.
માણસ પોતાના સ્વાર્થ માટે ક્યાં સુધી આગળ વધતો હોય છે અને સામેવાળાના નુકસાનનો તો વિચાર જ ન આવે. સો રૂપિયાનું નુકસાન થાય એમાં હું શું કરું? પણ મને એક રૂપિયાનું પણ નુકસાન થવું ન જોઈએ. આવી નીતિ હોય તો કેવી રીતે ચાલે? ઘણા વિચાર પછી એણે એક સ્ટ્રેટેજી નક્કી કરી. આ વાત રાજાની સામે મૂકવાનો પ્લાન બનાવ્યો. એ પણ એના હિતેચ્છુ બનીને.
એક દિવસ રાજા રિલેક્સ મૂડમાં હતા એ સમયે રાજાની સામે એક પ્રસ્તાવ મૂક્યો. `જય અને વિજય પ્રતાપી વિનયવાન અને સૌભાગ્યશાળી છે, પણ અહીં જ રહેતો એમનો વિકાસ શું? એમના વિકાસ માટે આપે કોઈ વિચાર કરવાનો જ નહીં, એ તો કેવું કહેવાય?’, `તો શું કરવું જોઈએ?’ રાજાએ એની પાસે જ અભિપ્રાય માગ્યો.
`આ તો મને વિચાર આવ્યો એટલે આપને કહ્યું, અમને શું સમજ પડે, આવી વાતો તો આપને જ સમજાયને!’ રાણીએ વાતને વળ ચઢાવવા કોશિશ કરી. `વ્યવહારની વાતોમાં પુરુષ કરતાં સ્ત્રીઓને વધારે સમજ પડે. આમાં તો તું જ કંઈક સૂચન કર. તારા સૂચનનો અમલ કરવામાં આવશે.’
`મને તો એવું લાગે છે કે પરદેશગમન વગર ભાગ્ય ખીલે નહીં અને ખૂલે પણ નહીં. એટલે ભાગ્ય ચમકાવવા માટે પણ માણસે દેશાવર ખેડવા જવું જોઈએ.’
`હા, કદાચ અજાણ્યા મુલકમાં રહેવાથી થોડીઘણી તકલીફ આવી શકે છે, પણ એનાથી ડરવાનું તો ન જ હોયને! એનાથી તો માણસનું વ્યવસ્થિત ઘડતર થઈ શકે. આ તો મને જે લાગ્યું એ કહ્યું. તમને જેમ સારું લાગે એમ જ કરવાનું હોયને!’ આટલું કહીને રાજાને વિચાર કરતા છોડીને પોતે અન્ય કાર્યમાં વ્યસ્ત થઈ ગઈ. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સોગઠી લગાવી હોય તો ધાર્યું ફળ આપ્યા વગર રહે નહીં.
રાજા વિચાર કરે છે વાત તો સાચી છે. ભાગ્યની ખબર તો પરદેશ જાય તો જ પડે. ઘરમાં બેસી રહેવાથી ભાગ્યની પરીક્ષા ન થાય.
એક દિવસ પિતાએ બેય રાજકુમારોને પોતાની પાસે બોલાવ્યા. પ્રેમથી એમની સાથે વાતો કરી. એમને દૈનિક પ્રવૃત્તિઓની ચર્ચા કરી પછી સ્વાભાવિક જ વાત કરતા હોય એમ એમણે કહ્યું. `ડાયો દીકરો દેશાવર ખેડે.’ બેય ભાઈઓ- જય-વિજયે પિતાની વાત સાંભળી એકબીજાએ નજરોથી વાત કરી લીધી. એક અક્ષર બોલ્યા નહીં, પણ મનથી નક્કી કરી લીધું છે કે આપણે હવે દેશાવર ખેડીને આપણું ડહાપણ બતાવવું છે, બોલીને નહીં. એ બેય પોતાની માતાના આશીર્વાદ લઈને રવાના થઈ ગયા.
જેમને ભાગ્ય ઉપર ભરોસો હોય એવા માણસો ક્યારેય મગજને-બુદ્ધિને મહત્ત્વ આપતા નથી. સહજ રીતે જ્યાં પગ લઈ જાય ત્યાં આપણે જવાનું.
ઈષ્ટ દેવતાને નમસ્કાર કરીને બંને ભાઈઓએ પગ ઉપાડ્યા. એ તો ચાલવા માંડ્યા. બંને પ્રકૃતિના ખોળે પ્રેમથી આગળ વધી રહ્યા છે. ઉપર આભ અને નીચે ધરતીનો એમને સહારો છે. જંગલનાં વૃક્ષો ઉપર રહેલાં ફળો એમના પેટની આગ બુઝાવવા પૂરતાં થઈ રહે છે તો નદી, વાવ, કૂવા એ તળાવનાં પાણી પ્યાસથી તૃપ્ત થવા માટે પ્રતીક્ષા કરી રહેલાં હતાં. `આવો ને મારા જળનો ઉપયોગ કરો. તરસ છીપાવો અને શીતળતાનો અનુભવ કરો.’ જાણે આવું કહીને આહ્વાન કરતાં હોય એવાં જળાશયો શોભતાં હતાં.
બંને ભાઈઓ પ્રાકૃતિક દૃશ્યોને આંખ દ્વારા અંતરમાં વસાવતા ગોષ્ઠિ કરતા જતા રાત પડી. એક મોટા વૃક્ષ નીચે આરામ કરી રહ્યા છે. આખા દિવસનો થાક હોય, પડતાની સાથે ઊંઘ આવી જાય, પણ એ રાતે બેય ભાઈઓને ઊંઘ આવતી નથી. ઊંઘનું તો કેવું હોય. મહેનત કરો તો ન આવે અને એને આવવું જ હોય તો એને અટકાવવાની કોઈની તાકાત ન હોય. એ રાતે ઊંઘ જ આવે નહીં. બંને ભાઈઓ વાતો કરી રહ્યા છે. ગુસપુસ ગુસપુસ ચાલુ છે. વચ્ચે વચ્ચે અટકે પણ આજે ઊંઘરાણી રીસાયાં હતાં. શું થાય?
એ ઝાડ એક યક્ષનું નિવાસસ્થાન હતું. આસપાસના વિસ્તારના એ સાર્વભૌમ માલિક હોય. એ લોકો પોતાના ક્ષેત્રમાં બીજા યક્ષને આવવા ન દે, પણ મનુષ્ય પણ જો પોતાને અણગમતો હોય તો એને પરેશાન કરી શકે અને ધારે તો એને ન્યાલ પણ કરી શકે. એ આ બેય ભાઈઓની વાતો સાંભળતો હતો. વાતો સાંભળતા એમના માટે કંઈક સદ્ભાવની લાગણી જાગી. આમને આપણે મદદ કરીએ.
પેલો યક્ષ નીચે ઊતર્યો. જય-વિજયની પાસે જઈને બેઠો. બે ભાઈની વાતોમાં એવી રીતે જોડાયો કે જાણે ત્રીજો ભાઈ હોય. એમની વાતોમાં ભળી ગયો. એણે બંને ભાઈઓને કહ્યું, મારી પાસે એક સરસ મણિ છે, એનો તમે જ ચાહો તે ઉપયોગ કરી શકો. એ હાથમાં લઈને વિચાર કરો મારે આકાશમાં ઊડવું છે- ઊડી શકો. વિચાર કરો રૂપ બદલવું છે- બદલી શકો. વિચાર કરો કે અમુક જગ્યાએ પહોંચવું છે. અમુક કામ કરવું છે. વિચારો એટલામાં તો કામ થઈ ગયું જ સમજો. બીજા નંબરમાં છે મહાઔષધી. ગમે તેવો રોગ હોય, ગમે તેટલો જૂનો હોય તો પણ આ ઔષધ આપવામાં આવે તો તરત જ મરીજ દોડતો થઈ જાય અને ત્રીજા નંબરમાં એક મંત્ર છે. સાત દિવસ સુધી આ મંત્રજાપ કરવામાં આવે તો એને રાજ્યની પ્રાપ્તિ થાય. આ ત્રણે વસ્તુઓ મારે તમને આપવી છે. તમે એનો સ્વીકાર કરો.
જય-વિજય વિચાર કરે છે. આ સ્વપ્ન છે કે સત્ય? આવી અણમોલ ચીજો આપવા માટે કોઈ સામેથી આવે? આ શું શક્ય છે? પણ વાસ્તવિક છે.
રાજા થઈને બેય ભાઈઓ ત્રણે અણમોલ ચીજોનો સ્વીકાર કરે છે. આવી અણમોલ ચીજો મેળવીને કોને આનંદ ન થાય?
બેય ભાઈઓએ ચીજો વહેંચી લીધી. મણિ અને મહૌષધી જયે લીધી છે અને મંત્ર વિજયે લીધો છે. એણે તો તરત જ જાપ કરવાનો ચાલુ કરી દીધો છે. સાત દિવસ સુધી સળંગ જાપ કર્યો. પાસેના નગરના રાજા મરણ પામેલા છે એમને કોઈ દીકરો કે ભાઈ છે નહીં. મંત્રીએ દિવ્ય કર્યું છે. હાથીને નવડાવીને, એની સૂંઢમાં એક કળશ રાખેલો છે. આગળ હાથી ચાલે અને એની પાછળ આખું ગામ ચાલે છે. હાથી ચાલતો ચાલતો ત્યાં આવે છે. જ્યાં જય-વિજય ભાઈઓ બેઠેલા છે. એના ઉપર કળશ દ્વારા અભિષેક કરે છે. નગરજનોએ વિજયની રાજા તરીકે ઉદઘોષણા કરી. મણિ અને ઔષધીનો ઉપયોગ કરીને ઘણાંબધાં પ્રજાહિતનાં કાર્યો એ લોકો કરે છે. અંતે પોતાના રાજ્યમાં જઈને માતા-પિતાને રાજી કરે છે. આપણે પણ આપણું ભાગ્ય ચમકાવવા પ્રયત્નો કરવો જોઈએ.