- બુદ્ધના શિષ્ય આનંદ, પત્ની યશોધરા, સારથી ચન્ના અને અશ્વ કટંક જીવનયાત્રાનો પ્રારંભ કરવા માટે વૈશાખ પૂર્ણિમાએ જ જન્મ્યા હતા
ધમ્મપદ
હિન્દુ ધર્મમાં ગીતાજીનું જે સ્થાન છે, બૌદ્ધ ધર્મમાં તેટલું જ સ્થાન ધમ્મપદનું છે. ગીતા જે રીતે મહાભારતનો એક ભાગ છે તે જ રીતે ધમ્મપદ સુત્ત પિટકાનો એક ભાગ છે. તેમાં 423 શ્લોક છે. બૌદ્ધ ધર્મને સમજવા માટે એકલું ધમ્મપદ જ પૂરતું છે. મનુષ્યને અંધકારમાંથી બહાર કાઢી પ્રકાશમાં લઈ જવા માટેનો તે પ્રકાશદીપ છે.
કો નુ હાસો કામાનન્દો નચ્ચં પજ્જલિતે સતિ ।
અંધકારે ઓનદ્ધા પદીપં ન ગવેસથ ।।
ધમ્મપદમાં આપવામાં આવેલા આ શ્લોકનું તાત્પર્ય એ છે કે અહીં હસવાનું કેવું? આ આનંદ કેવો? જ્યારે નિત્ય ચારે બાજુ આગ લાગેલી છે. સંસાર તે આગમાં બળી રહ્યો છે, ત્યારે અંધકારમાં ઘેરાયેલા તમે લોકો પ્રકાશને શા માટે નથી શોધતા
સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ સુધીની તેમની સફર સંસારજીવને મુક્તિના માર્ગે દોરી જનારી છે. વૈભવ-વિલાસમાં જીવનાર રાજકુમાર સિદ્ધાર્થને જ્યારે પહેલી વાર જીવનનાં દુ:ખ, દર્દ અને પરિતાપનો પરિચય થયો તો તેમણે તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ શોધવાનું શરૂ કર્યું. આ શોધની દિશામાં જ તેમને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ અને તેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી.
ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ. પૂર્વે 563માં લુમ્બિની નામના સ્થળે થયો હતો. તેમના પિતાનું નામ રાજા શુદ્ધોદન અને માતાનું નામ માયાદેવી હતું. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. જન્મ બાદ તેમની માતાનું મૃત્યુ થતાં સિદ્ધાર્થનો ઉછેર તેમની પાલક માતા ગૌતમી દ્વારા થયો હતો, તેથી તે ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા. સિદ્ધાર્થ રાજકુમાર હોવાથી તેમનું બાળપણ ખૂબ જ જાહોજલાલીમાં અને સુખ-સુવિધામાં વીત્યું હતું, પરંતુ તેમના બાળસ્વરૂપનું ઓજસ જોઈને એક જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મહાન સિદ્ધયોગી, ત્યાગી, જગતને મુક્તિનો માર્ગ ચીંધનાર સત્પુરુષ બનશે. સમય જતાં આ વાત સાચી પડી.
શરૂઆતના સમયમાં તો રાજકુમારે રાજમહેલના વૈભવને ખૂબ સારી રીતે માણ્યો. તેમને શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમીનો અનુભવ ન થાય તે માટે દરેક ઋતુને અનુકૂળ રહે તેવા મહેલ બાંધવામાં આવ્યા હતા. બાળપણથી યુવાની સુધી તેમનું જીવન સુખ-સુવિધાની એવી ઝાકઝમાળમાં વીત્યું હતું કે તેમને જગતનાં દુ:ખ, દર્દનો કોઈ અહેસાસ જ ન હતો. કહેવાય છે કે સિદ્ધાર્થે કિશોરાવસ્થા સુધી તો `નથી’ શબ્દ જ નહોતો સાંભળ્યો, કારણ કે તેમને જે પણ વસ્તુની જરૂરિયાત ઊભી થતી તરત જ તે હાજર કરવામાં આવતી. દુ:ખ, દર્દ અને અભાવથી વંચિત સિદ્ધાર્થનું જીવન પરમ સુખનો પર્યાય હતું. સિદ્ધાર્થનાં લગ્ન 16 વર્ષની વયે યશોધરા સાથે થયાં. તેમને આ લગ્નથી પુત્રરત્ન પણ પ્રાપ્ત થયું. પ્રેમાળ પત્ની અને રાહુલ નામના પુત્ર સાથે જીવન સુંદર રીતે વ્યતીત થઈ રહ્યું હતું, પરંતુ આ સુખ-વૈભવની છોળો વચ્ચે પણ તેમનું મન હવે બેચેન થવા લાગ્યું હતું. તેમને લાગતું હતું કે તેમના જીવનનો ઉદ્દેશ જુદો જ છે. તે જે જીવી રહ્યા છે અને કરી રહ્યા છે તેનાથી કંઈક જુદું જ તેમને હવે કરવાનું છે. આવી પ્રેરણા તેમને તેમના અંતર આત્મામાંથી મળી રહેતી હતી. આ બધા જ મનોમંથન સાથે તે નગરચર્યા કરવા માટે નીકળ્યા. દુ:ખ, દર્દ સાથે જેમનો દૂર સુધી કોઈ નાતો ન હતો તેવા સિદ્ધાર્થે નગરચર્યા દરમિયાન એવી એવી ઘટના જોઈ કે તેમનું હૃદય ભગ્ન થઈ ગયું. સુખની છોળો વચ્ચે જીવનાર સિદ્ધાર્થે જ્યારે દુ:ખની હકીકત જોઈ તો તે અંદરથી હચમચી ઊઠ્યા અને તેમણે આ સુંદર જીવનને દુ:ખ, દર્દમાંથી મુક્તિ અપાવીને શાશ્વત સુખનો માર્ગ શોધવાનું નક્કી કરી લીધું.
નગરચર્યા દરમિયાન તેમણે દર્દથી પીડાતો, કણસતો રોગિષ્ઠ, વૃદ્ધ અને પછી મૃત્યુ પામેલો માણસ જોયો. જીવનમાં આ નક્કર સત્યોને પિછાણીને તેમને આત્મજ્ઞાન થઈ ગયું અને તેમને થયું કે હું જે સુખ ભોગવી રહ્યો છું તેનો અંત પણ આવો જ હશે, તો આ નાશવંત સુખો પાછળ દોડવા કરતાં શાશ્વત આત્મસ્વરૂપને પામી લેવું જોઈએ. આ ઘટના બાદ તેઓ રાજમહેલ, પત્ની અને બાળકને છોડીને એક ભિક્ષુક બની નીકળી પડ્યા અને અહીં જ તેમની સિદ્ધાર્થથી બુદ્ધ બનવા તરફની યાત્રા શરૂ થઈ. તેમણે તેમના જીવનનાં 80 વર્ષ આત્મચિંતન અને સાધના-તપમાં પસાર કર્યાં. 80 વર્ષના તપ પછી વૈશાખ પૂર્ણિમાના દિવસે જ તેમણે કુશીનગરમાં મહાપ્રયાણ કર્યું હતું. ભગવાન બુદ્ધનો જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને મહાનિર્વાણ એક જ દિવસે થયાં હોવાથી પણ બૌદ્ધ ધર્મીમાં આ દિવસનો મહિમા અનન્ય છે.
ગૌતમ બુદ્ધે લગભગ 40 વર્ષ સુધી ફરીફરીને પોતાના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર કર્યો. તેમણે સહજ વાણી અને સરળ ભાષામાં પોતાના વિચાર લોકો સમક્ષ રજૂ કર્યાં. પોતાના ધર્મપ્રચારમાં તેમણે સમાજના તમામ વર્ગો, અમીર-ગરીબ, ઊંચ-નીચ તથા સ્ત્રી-પુરુષને સમાનતા આપી. તેમણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખ્યો. તેમણે સંઘની સ્થાપના કરી જ્યાં લોકો હળીમળીને સમાજના ઉત્થાનનું કાર્ય કરતા હતા અથવા પોતપોતાનું યોગદાન આપતા હતા. ભગવાન બુદ્ધે પશુહિંસાનો વિરોધ કર્યો અને મનુષ્યને શાંતિનો માર્ગ દેખાડ્યો. તેમણે પોતાના જીવન દરમિયાન અગણિત લોકોને જ્ઞાન આપ્યું અને તેમના પ્રશ્નોનું સમાધાન પણ કર્યું.
બૌદ્ધ પૂર્ણિમાનું મહત્ત્વ
બૌદ્ધ સાહિત્ય અનુસાર વૈશાખ પૂર્ણિમાનો દિવસ ભગવાન બુદ્ધના દરેક સહયાત્રી, ઘટનાક્રમ અને જીવન પરિવર્તનનો પાવન દિવસ રહ્યો છે. તેમનો જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણ પણ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયાં હતાં. તેમના પ્રિય શિષ્ય આનંદ, પત્ની યશોધરા, સારથી ચન્ના અને અશ્વ કટંક જીવનયાત્રાનો પ્રારંભ કરવા માટે વૈશાખ પૂર્ણિમાએ જ જન્મ્યા હતા. જે પીપળાના વૃક્ષ નીચે સિદ્ધાર્થે કઠોર તપસ્યા કરીને બોધિત્વ પ્રાપ્ત કર્યું હતું તેનું રોપણ પણ વૈશાખ પૂર્ણિમાએ થયું હતું.
ચાર મહાન સત્ય
ભગવાન બુદ્ધ અનુસાર તેમના જીવનનાં ચાર મહાન સત્ય છે :
દુ:ખ અસ્તિત્વનો અંતર્નિહિત ભાગ છે.
દુ:ખની ઉત્પત્તિ અજ્ઞાનથી થાય છે.
અજ્ઞાનનું મુખ્ય લક્ષણ લાલસા કે લગાવ છે.
લગાવ કે લાલસા પર પ્રતિબંધ જરૂરી છે.
બુદ્ધે આમાંથી મુક્તિ મેળવવાના હેતુથી મહાન અષ્ટગુણ માર્ગોનું અનુસંધાન કર્યું. મહાન અષ્ટગુણ ઉપાયોમાં સમુચિત સમજણ, ભાષણ, કાર્યવાહી, જીવનચર્યા, પ્રયત્ન, મસ્તિષ્ક દશા તથા સંકેન્દ્રણનો સમાવેશ થાય છે. જ્યારે ભૂત, વર્તમાન તથા ભવિષ્યનો સમાવેશ કરતાં કારણ તથા પ્રભાવની જટિલ જાળમાં બીજા અસ્તિત્વ સામે આવે છે, કારણ કે બધી જ વસ્તુઓ પારિસ્થિતિક તથા નશ્વર છે. વસ્તુઓની કોઈ વાસ્તવિક છબી નથી હોતી. સ્વીકૃત ગ્રંથોના ભ્રમાતીતત્ત્વ અંતર્ગત શિક્ષણનો ત્યાં સુધી સ્વીકાર ન કરવો જોઈએ જ્યાં સુધી તે અનુભવમાંથી ન જન્મ્યા હોય અને બુદ્ધિમાન દ્વારા તેની સરાહના ન કરવામાં આવી હોય. આ સિવાય બધી વસ્તુઓ નશ્વર છે, સ્વયંનો નિરંતર બોધ થવો એ પણ એક ભ્રમ છે. બધાં જ પ્રાણી સમસ્ત પરિસ્થિતિઓમાંથી અસ્પષ્ટ માનસિક દશાથી પીડિત હોય છે વગેરે જેવા ગુણોનો સમાવેશ પણ તેમના મહાન અષ્ટ ગુણોમાં કરવામાં આવ્યો છે.
બુદ્ધની શિક્ષા
ગૌતમ બુદ્ધ ભિક્ષાટન માટે એક મોટા ગામમાં પહોંચ્યા. ત્યાં થોડે જ દૂર એક નદી વહેતી હતી. નદી વહેતી હોવાને કારણે આજુબાજુનો વિસ્તાર ઉપજાઉ હતો. નદીના બંને છેડે બે ગામ વસેલાં હતાં. નદીની કૃપાથી ખેતી સારી થતી હતી અને બંને ગામોમાં ખુશાલી ફેલાયેલી હતી. બંને ગામના લોકો વચ્ચે પરસ્પર સારો પ્રેમ હતો. લોકોને એકબીજા માટે પ્રેમ અને સન્માન હતું. દરેક ઉત્સવ ગામના લોકો સાથે મળીને ઊજવતા, પરંતુ એક ઉનાળામાં પડેલી કાળઝાળ ગરમીએ બંને ગામના લોકો વચ્ચે તણાવ અને અસહિષ્ણુતા પેદા કરી.
ખૂબ ગરમી પડવાને કારણે નદીમાં પાણી ખૂબ ઘટી ગયું, તેથી એક કિનારે રહેનારા લોકોએ નદીમાંથી પાણી પોતાનાં ખેતરોમાં પહોંચાડવા માટે એક નહેર બનાવવાનું શરૂ કર્યું. આ જોઈ બીજા કિનારે વસેલા ગ્રામજનોએ તેમને રોક્યા અને કહ્યું, `જો તમે અહીંથી નહેર કાઢશો તો તમારાં ખેતરોમાં તો પાણી આવશે, પરંતુ અમારું શું થશે?’ આ રીતે બંને કિનારે રહેનારા લોકો વચ્ચે નદીના પાણીને લઈને ઝઘડો શરૂ થઈ ગયો.
બંને ગામના લોકો જે સાથે મળીને ઉત્સવો મનાવતા હતા તેઓ જ હાથમાં લાકડીઓ લઈ આવ્યા. તેમના ઝઘડાનો અવાજ સાંભળીને ગૌતમ બુદ્ધ ત્યાં આવ્યા અને પૂછ્યું, `ગ્રામવાસીઓ, પાણીનું શું મૂલ્ય હોય છે?’ બંને ગામના લોકોએ જવાબ આપ્યો, `ભગવાન, પ્રકૃતિના ઉપહાર એવા પાણીનું તો કોઈ મૂલ્ય જ નથી.’
ત્યારબાદ ભગવાન બુદ્ધે ફરીથી પૂછ્યું, `મનુષ્યના રક્તનું શું મૂલ્ય છે?’ આ પ્રશ્ન સાંભળીને બંને ગામના લોકો ચૂપ થઈ ગયા. પછી તેમાંથી એકે કહ્યું, `ભગવાન, અમે તમારો આશય સમજી ગયા. અમારે પાણી માટે લડી-ઝઘડીને એકબીજાનું રક્ત ન વહાવવું જોઈએ. ઉલટાનું મુસીબતના સમયમાં એકબીજાની મદદ કરવી જોઈએ.
કેવી રીતે ઊજવાય છે?
ભારત, શ્રીલંકા, ચીન, જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ, કંબોડિયા, મલેશિયા, મ્યાંમાર, ઈન્ડોનેશિયા સહિત સમગ્ર દુનિયાભરમાં બુદ્ધ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે બુદ્ધ પૂર્ણિમા એ સૌથી મોટો તહેવાર છે. આ દિવસે અનેક પ્રકારના સમારોહનું આયોજન કરવામાં આવે છે. વિવિધ દેશોમાં ત્યાંના રીતરિવાજો અને સંસ્કૃતિ અનુસાર ઉત્સવ ઊજવાય છે. જેમ કે,
આ દિવસે બૌદ્ધ ઘરોમાં દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને ફૂલો દ્વારા ઘરને સજાવવામાં આવે છે.
દુનિયાભરમાંથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ બૌદ્ધ ગયા આવે છે અને પ્રાર્થના કરે છે.
બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથોનો સતત પાઠ કરવામાં આવે છે.
મંદિરો તથા ઘરોમાં અગરબત્તી કરવામાં આવે છે અને તેમની મૂર્તિ પર ફળ-ફૂલ ચઢાવવામાં આવે છે. દીવો પ્રગટાવીને તેમની પૂજા કરવામાં આવે છે.
બોધિવૃક્ષની પૂજા કરવામાં આવે છે. તેની શાખાઓ (ડાળીઓ) પર હાર તથા રંગીન ધજાઓ સજાવવામાં આવે છે. મૂળમાં સુગંધિત પાણી સીંચવામાં આવે છે તથા વૃક્ષની આજુબાજુ દીવા પ્રગટાવવામાં આવે છે.
બુદ્ધ પશુહિંસાના વિરોધી હતા, તેથી માંસાહારથી પરહેજ કરવામાં આવે છે.
પીંજરામાં બંધ પક્ષીઓને મુક્ત કરવામાં આવે છે.
ગરીબોને ભોજન કરાવીને વસ્ત્ર ભેટ આપવામાં આવે છે.
શ્રીલંકામાં આ દિવસ `વેસાક’ ઉત્સવ તરીકે ઊજવાય છે. વેસાક એ વૈશાખ શબ્દનો અપભ્રંશ છે.
દિલ્હી સંગ્રહાલય આ દિવસે ભગવાન બુદ્ધનાં અસ્થિ બહાર કાઢે છે, જેથી બૌદ્ધ ધર્માવલંબીઓ ત્યાં આવીને અસ્થિઓનાં દર્શન કરી પ્રાર્થના કરી શકે.