- સદ્ગુરુ એ છે, એ એક એવું લેવલ છે, જેને બધાં પ્યાર કરે છે, લાખ ચાહો તો પણ આપ એમને પ્યાર કર્યા વિના રહી નથી શકતા
ગુરુની વૃત્તિ અને ગુરુના વર્ગ કેટલા પ્રકારના હોય છે? ગુરુની વૃત્તિ કેટલા પ્રકારની અને ગુરુના વર્ગ કેટલા? ગુરુને કેટલા સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ? ગુરુ પ્રવૃત્તિમાં નિવૃત્તિનો સ્વભાવ ધરાવે છે અને નિવૃત્તિમાં પણ ફલાકાંક્ષા છોડીને પ્રવૃત્તિમય દેખાય છે. આમ તો ગુરુના મહિમાનું વર્ણન કરવું સદાય અસંભવ છે. `માનસ’ના આધારે કહું તો ગુરુની છ વૃત્તિ છે. ગુરુ બે કામ કરે છે. ગુરુ શ્રુતિનું દાન પણ કરે અને સ્મૃતિનું દાન પણ કરે. શ્રુતિનું દાન એ વેદનું દાન છે, જ્ઞાનનું દાન છે અને સ્મૃતિનું દાન છે ભક્તિનું દાન, સ્મરણનું દાન, સૂરતીનું દાન. ગુરુ બંને દાન કરે છે.
ગુરુની છ પ્રકારની વૃત્તિ હોય છે. જ્યાંથી ગુરુની વૃત્તિઓના શ્રીગણેશ થાય છે એ છે ગણેશવૃત્તિ, વિનાયકવૃત્તિ. ગણેશવૃત્તિનો એક અર્થ થાય છે કે મન, બુદ્ધિ, ચિત્ત એ ત્રણેય જેમનાં ચંચલ નથી, પરંતુ સમ્યક્ છે. ગજાનનના રૂપમાં ગણેશને આપણે જોઈએ છીએ; હાથીનાં આ ત્રણેય તત્ત્વો અચંચલ હોય છે. હાથીનું મન ક્યારેય ચંચળ નથી થતું; સ્થિર છે, સમ્યક્ છે. હાથીમાં ચિત્ત હોય છે. અન્ય પ્રાણીઓની તુલનામાં હાથી એક એવું પ્રાણી છે જે ચિંતનશીલ છે. આંખને બંધ રાખવી, અર્ધી આંખ ઉઘાડી રાખવી, આંખને સૂક્ષ્મ કરવી એ ચિંતનનું પ્રતીક છે. જેમનું ચિંતન, જેમનું મનન, જેમનો નિર્ણય મન, બુદ્ધિ, ચિત્ત ત્રણેય ચંચળ નથી એ ગણેશવૃત્તિ છે.
બીજું, ગુરુમાં ગૌરીવૃત્તિ હોય છે. ગૌરી એટલે ભવાની, અંબા, દુર્ગા અને મા ભવાનીને, મા દુર્ગાને `માનસ’કારે શ્રદ્ધા કહી છે. સ્તોત્રોમાં, શાસ્ત્રોમાં પણ ગવાયું છે, `યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા.’ ગુરુ શ્રદ્ધામૂર્તિ છે. ગુરુ પરમ શ્રદ્ધેય છે; એ ગૌરી વૃત્તિ છે. આપણા જેવા સંસારી લોકો માટે તો ગુરુ શ્રદ્વેય છે જ, સદશિષ્યો માટે, સદઆશ્રિત માટે; પરંતુ શ્રદ્ધાવૃત્તિવાળા ગુરુ છે, જેમને પોતાના શરણાગત પર, પોતાના આશ્રિત પર, પોતાના શિષ્યો પર પણ શ્રદ્ધા હોય છે. કેવળ શિષ્ય જ ગુરુમાં શ્રદ્ધા રાખે એવી વાત નથી; ગુરુને પણ પોતાના શિષ્યોમાં શ્રદ્ધા હોય છે. ક્યારેક ક્યારેક આશ્રિત શિષ્ય પણ ગુરુ પર રોષ કરે છે, ગુરુનું અપમાન કરે છે, ગુરુની અવજ્ઞા કરે છે છતાં પણ ગુરુ એના પર શ્રદ્ધા રાખશે, કેમ કે એ ગૌરીવૃત્તિવાળા છે.
ગુરુની ત્રીજી વૃત્તિ એ છે ગંગવૃત્તિ; ગંગાની વૃત્તિ. ગંગા ઠાકુરનાં ચરણોમાં હતી; પછી બ્રહ્માડના કમંડલમાં, પછી શિવની જટામાં, પછી મહારાજ જહનુ પાસે થતાં હરિદ્વાર, પ્રયાગ, ગંગાસાગર. ધીરેધીરે ઉપરથી નીચે આવે છે. ગુરુ એ છે, જે પોતાની સમસ્ત સ્થિતિને છોડીને આપણા જેવા પતિતોને પાવન કરવા માટે આપણા સુધી આવે છે. અરે! ખારા સાગર સુધી જાય છે. આખો સાગર ખારો છે. ગંગામાં કેટલોયે પ્રવાહ કેમ ન હોય, પરંતુ સાગરની તુલનાએ પાણીની માત્રામાં તો એ પ્રવાહ નાનો છે, છતાંય ગંગા ત્યાં સુધી જશે. બીજી વાત, ગંગા રોજ નૂતન હોય છે. ત્રીજી વાત, ગંગા સદૈવ, પ્રત્યેક પળ પ્રવાહમાન છે. ગંગવૃત્તિવાળા ગુરુ એ જ છે, જે આપણા માટે ઉપરથી નીચે આવે છે; જે ઉપકારક છે અને નિત્યનૂતન છે. ગુરુ રોજ નવા છે અને ગુરુ પ્રવાહી પરંપરાના વાહક છે જડ નથી. આ ત્રણ લક્ષણવાળા ગુરુ એ ગંગવૃત્તિવાળા ગુરુ છે.
ચોથી વૃત્તિ છે ગુરુની ગોવૃત્તિ; ગાયવૃત્તિ. સાધુનો સ્વભાવ ગાય જેવો હોય છે. ગોવૃત્તિ; ગરીબ આંખો, ગરીબ સ્વભાવ, સરળ ચિત્ત, સહજ જીવન, એવી વૃત્તિવાળા ગુરુ તલગાજરડાની દૃષ્ટિએ ગોવૃત્તિવાળા છે. પાંચમી વૃત્તિ છે ગગનવૃત્તિ. ગુરુ એટલા વિશાળ હોય છે કે એને માપી નથી શકાતા; જ્યાં જરા પણ સંકીર્ણતા નથી. કહેવાય છે કે આકાશમાં શુભ ગ્રહ છે, અશુભ ગ્રહ છે. શું શું નથી આકાશમાં? આપણે બધાં આકાશમાં છીએ, પરંતુ આકાશની વિશાળતાને જીતી શકાતી નથી. ગુરુ ગગનવૃત્તિવાળા હોય છે. છઠ્ઠી વૃત્તિ છે ગુણગ્રાહક વૃત્તિ. જ્યાંથી સત્ય મળશે ત્યાંથી એ લઈ લેશે. `આ નો ભદ્રા ક્રતવો.’ કહીને એ વિચારને આત્મસાત્ કરીને ગ્રહણ કરી લેશે. ગુરુમાં ગુણગ્રાહી વૃત્તિ છે.
ગુુરુના વર્ગ કેટલાં? એક ગુરુ હોય છે પરમ ગુરુ. શિવ છે પરમ ગુરુ અને શિવ છે ત્રિભુવન ગુરુ. જે ત્રિભુવનના ગુરુ છે, જે પરમ ગુરુ છે એની ઉપર કોઈ નથી હોતું. પરમ ગુરુ એક એવું પરમ લેવલ છે, એ સામાન્ય દૃષ્ટિએ દેખાશે નહીં, પરંતુ બધું એમની કૃપાથી ચાલે છે. ક્યારેક ક્યારેક તો લાગે છે, ગુરુની કૃપા અદૃશ્ય રૂપે આપણો પીછો કરી રહી છે. એ સ્થિતિને તલગાજરડી આંખો કહે છે પરમ ગુરુ, ત્રિભુવન ગુરુ.
બીજા છે સદ્ગુરુ. સદ્ગુરુ દેખાય છે. પરમ ગુરુ દેખાતા નથી અને બધું થઈ રહ્યું હોય છે એમના અનુગ્રહની છાયામાં. સદ્ગુરુ દેખાય પણ છે; મહેસૂસ પણ થાય છે. અને હું સદ્ગુરુની એક જ વ્યાખ્યા કરું, સદ્ગુરુ એ છે, એ એક એવું લેવલ છે, જેને બધાં પ્યાર કરે છે, લાખ ચાહો તો પણ આપ એમને પ્યાર કર્યા વિના રહી નથી શકતા. કોઈ પણ વૃત્તિથી આપે એમની સાથે જોડાવું પડશે. વેરવૃત્તિથી કે પ્રેમની વૃત્તિથી આપણે સ્મરણ તો એમનું જ કરીએ છીએ; જોડાઈશું તો એમની જ સાથે. ત્રીજા ગુરુ છે જગદગુરુ. જેવી રીતે આપણા આદિ જગદગુરુ શંકરાચાર્ય ભગવાન, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય એ જેટલા જેટલા મહાપુરુષ થયા. પરમ ગુરુની કૃપાછાયા બધું કરે છે. સદ્ગુરુ એ છે જેમને બધાં પ્યાર કરશે; પ્યાર કરવો જ પડશે અને જગદગુરુ એ છે, જેમનો દુનિયામાં જયજયકાર થાય છે. `ગુરુદેવ સમર્થ.’ જગદગુરુ; જેમનો જયજયકાર થાય.
એક હોય છે ધર્મગુરુ. બહુધા એવું જોવામાં આવ્યું છે કે ધર્મગુરુથી લોકો ડરે છે! એ ક્યારે શાપ દઈ દે! ક્યારે નારાજ થઈ જાય! બધા ધર્મગુરુ એવા નથી હોતા, પરંતુ બહુધા લોકો ધર્મગુરુથી કાંપે છે; ધર્મગુરુથી ડરે છે. એ કહેશે કે તમે આ પાપ કર્યું છે; એનું આવું પ્રાયશ્ચિત નહીં કરો તો આમ થશે! એ ડરાવશે! એમનાથી બધાં ડરે છે. ગુરુનો આ પણ એક વર્ગ છે. એક હોય છે કુલગુરુ. સારો શબ્દ છે `કુલગુરુ.’ પરંતુ ક્યારેક ક્યારેક કુલગુરુ પણ વિપરીત થાય છે ત્યારે આશ્રિત વિદ્રોહ કરે છે. ભગવાન રામના રઘુકુળમાં, રવિકુળમાં, `પ્રભુ તુમ્હાર કુલગુરુ જલધિ.’ સમુદ્રને એ દરજ્જો મળ્યો છે; એ સન્માન મળ્યું છે, પરંતુ સમુદ્રએ જડતાવશ થઈને પ્રભુને કોઈ ઉપાય ન બતાવ્યો તો પરમાત્મા રામે પણ વિદ્રોહ કર્યો. દૈત્યોના, અસુરોના કુલગુરુ શુક્રાચાર્ય; બલિરાજ જ્યારે દાનનો સંકલ્પ કરવા ગયા તો એ કુલગુરુએ બાધા નાખી; સંકલ્પનું જળ જારીમાંથી નીકળે એની વચ્ચે એ બાધક બન્યા. ત્યાં એમને દંડિત કરવામાં આવ્યા; એમની સામે વિદ્રોહ થયો.
ક્યારેક ક્યારેક શાસ્ત્રો દ્વારા, સમ્યક્ ચિંતન દ્વારા, સમ્યક્ દર્શન દ્વારા ઈશ્વર થોડાઘણા સમજાય પણ ખરા, પરંતુ ગુરુનો પાર પામવો બહુ જ કઠિન છે. ગુરુ નથી સમજાતા. ગુરુ ગૂઢ છે; ગુરુ વિગૂઢ છે; ગુરુ સગૂઢ છે. ગુરુની કેટલી વૃત્તિઓનો આપણે વિસ્તાર કરીએ, એમના કેટલા વર્ગોનો ઉલ્લેખ કરીએ, છતાં પણ ગુરુ અકથ્ય છે; અવ્યાખ્યેય છે; અવર્ણનીય છે; શબ્દાતીત છે; વર્ણાતીત છે, જે સમજમાં જ નથી આવતા. એટલા માટે જીદ પણ ન કરવી કે હું સમજી લઉં. એમણે આપણને સમજી લીધા; જેવા પણ છીએ એવા આપણને શરણમાં રાખી લીધા, બસ, આપણે એમને સમજવાની ચેષ્ટા ન કરીએ; એમણે આપણને સમજી લીધા છે એ આપણા માટે પર્યાપ્ત છે.