- તમારા પર તમારા મનની સ્મૃતિઓ કરતાં તમારા શરીરમાં રહેલી સ્મૃતિઓનું વર્ચસ્વ ઘણું વધારે છે
વ્યક્તિની નશ્વરતાની યાદ હંમેશાંથી, માણસ પરેની કોઈક વસ્તુની જે ખોજ કરતો આવ્યો છે તેની પાછળની મૂળભૂત શક્તિ રહી છે. જો તેઓ પોતે મરી જવાના છે એવી ખબર ન હોત તો કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક્તાની ખોજ ન કરત. જ્યારે તમે યુવાન હોવ છો, ત્યારે તમને લાગે છે કે તમે અમર છો, પરંતુ ધીમેધીમે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે, શરીર ચોક્કસપણે તમને તમારી નશ્વરતાની યાદ અપાવી દે છે.
એટલે જ કહેવાય છે કે શિવ સતત સ્મશાનમાં સમય વિતાવતા હતા. લગભગ દરેક યોગીએ સ્મશાનભૂમિમાં સમય વિતાવ્યો છે. સ્મશાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવતું હતું, કારણ કે તે ઊંડી રીતે તમને તમારી નશ્વરતાની યાદ અપાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, ભલે તે એવી કોઈ વ્યક્તિ હોય કે જેને તમે જાણતા ન હોવ, પણ તે ક્યાંક તમને અસર કરે છે, તમારા અસ્તિત્વની નશ્વર પ્રકૃતિ તમને તમારા શરીરમાં ક્યાંક ઊંડી અસર કરે છે. માનસિક અને ભાવનાત્મક રીતે પણ પ્રતિક્રિયાઓ હોઈ શકે, પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે શરીર એ જીવનને તેની પોતાની રીતે ગ્રહણ કરે છે.
શરીરની પોતાની એક સ્મૃતિ હોય છે, જે તેની પોતાની રીતે કાર્ય કરે છે. અત્યારે, તમારા પર તમારા મનની સ્મૃતિઓ કરતાં તમારા શરીરમાં રહેલી સ્મૃતિઓનું વર્ચસ્વ ઘણું વધારે છે. શરીરની સ્મૃતિ એ માનસિક સ્મૃતિ કરતાં ઘણી વધારે મહત્ત્વની છે.
યોગીઓ હંમેશાં પર્વતોમાં રહેવાનું પસંદ કરતા હતા, કારણ કે તે શરીરને ભારપૂર્વક તેની નશ્વરતાની યાદ અપાવે છે. માનસિક કે બૌદ્ધિક યાદ નહીં, પણ એક શારીરિક યાદ. જીવન અને મૃત્યુ વચ્ચેની જગ્યા એટલી નજીવી હોય છે. તે જગ્યા કે તે રેખા પર્વતોમાં હજુ પાતળી થઈ જાય છે. પર્વતોમાં રહેવું એ તમને તમારા અસ્તિત્વની ક્ષણિક પ્રકૃતિની સતત યાદ અપાવતું રહે છે. જો તમે જે પોતાની નશ્વરતાને જાણી લો, જો તમારું શરીર જાણતું હોય કે તે કાયમી નથી, જો તમારું શરીર જાણતું હોય કે તેણે એક દિવસ પાછું આ ધરતીમાં ભળી જવાનું છે અને તે આજે પણ થઈ શકે છે, તો હવે તમારી આધ્યાત્મિક ખોજ અટલ હશે. એટલા માટે યોગીઓએ પર્વતો પસંદ કરેલા. તેઓ ઇચ્છતા હતા કે તેમને સતત તેમની નશ્વરતાની યાદ અપાવવામાં આવે, જેથી તેમની આધ્યાત્મિક ખોજ જરા પણ ડગે નહીં.
તે બહુ અગત્યનું છે કે તમને સતત યાદ અપાવવામાં આવે કે તમારા શરીરની પ્રકૃતિ શું છે. જે શરીરની આસપાસ તમારું આખું જીવન ફરે છે, તે ધરતીનો એક નાનકડો ટુકડો જ છે. યોગીઓ આની એક સતત શારીરિક યાદ ઇચ્છતા હતા. આ કારણે તેઓએ હંમેશાં ધરતી સાથે રહેવાનું પસંદ કર્યું. ધરતીથી ઘેરાયેલા કેવી રીતે રહેવું? તમે એક ખાડો ખોદી શકો અને એક કૂવામાં બેસી શકો, પણ તે વ્યવહારુ નથી. એટલે તેઓ પર્વતો પર ગયા અને ત્યાં રહેલી કુદરતી ગુફાઓ પસંદ કરી, જ્યાં ભૌતિક શરીરને સતત યાદ અપાતી રહે કે ધરતી તમને પાછા ખેંચવાનો પ્રયાસ કરી રહી છે. ધરતી માતા તેની લોન શક્ય તેટલી વહેલીતકે પાછી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. તમારી અસ્તિત્વ માટેની લડાઈ એ આની સામેનો સંઘર્ષ છે.