અસંશયં મહાબાહો મનો દુનિગ્રહં ચલમ ।
અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ॥ 6/35 ॥
અર્થ : શ્રી ભગવાન બોલ્યા હે મહાન બાહુવાળા, ચંચળ મનને વશ કરવું એ અત્યંત કઠણ છે એમાં કોઇ શંકા નથી, પરંતુ હે કુંતીપુત્ર સતત અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય છે.
માનવીનું મન ચંચળ છે. ચંચળ એટલે કંઈક અંશે સ્થિર ન હોવું તે, એટલે કે ભટકવાની વૃત્તિવાળું. જન્મગત રીતે જ મનુષ્યનું મન સ્થિર નથી હોતું ને સ્થિર ન હોવાને લીધે તેને એકાગ્રતા પ્રાપ્ત થતી નથી. તમારે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો તેના માટે એકાગ્રતા કેળવવી ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી તમે કોઇપણ ધ્યેય કે સિદ્ધિ માટે એકાગ્ર થઈને પ્રયત્ન નથી કરતા ત્યાં સુધી તમે એને પ્રાપ્ત કરી શકશો નહીં. તો આવી એકાગ્રતા અથવા મનની સ્થિરતા કેવી રીતે મેળવી શકાય? આ પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના માધ્યમ મારફતે આપણને જણાવે છે કે તમે સતત અભ્યાસ અને વૈરાગ્યથી મનને સ્થિર કરી શકો છો. તમારે જે દિશામાં જવું છે અથવા તો જે ધ્યેય પ્રાપ્ત કરવું છે તેને માટે તમારે સતત તેના અભ્યાસમાં તમારા મનને જોડી દેવાનું છે. બીજા કશા વિચારો કરવાને બદલે તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ માટેના વિચારો સતત કરતા રહો, મનને તેમાં સતત પ્રવૃત્ત રાખો તો તમારું મન તેમાં સ્થિર થઈ જશે. ભક્તિ માટે પણ એવું જ છે. વૈરાગ્ય કેળવવું એટલે અમુક પ્રકારની પ્રવૃત્તિઓ કે વિચારોનો ત્યાગ કરવો, જે તે વિષયના વિચારોથી મનને મુક્ત રાખવું. આમ કરવું ત્યારે જ શક્ય બને કે આપણે જેનો ત્યાગ કરવો છે તેના વિચારો મનમાંથી હટાવીને આપણે જે ઉત્તમ સિદ્ધિ અથવા તો મોક્ષ મેળવવો છે તે અંગેના વિચારો જ સતત કર્યા કરીએ. કોઈ એક જ બાબતમાં મન સ્થિર થઈ જાય તો પછી એનાં સુંદર પરિણામો મળવાનાં જ છે. મનની ચંચળતા દૂર કરવા માટે આપણે ખરાબ વિચારો પર વૈરાગ્ય લાવીને મનને સતત અભ્યાસયુક્ત રાખીએ તો પછી મન તેમાં વ્યસ્ત રહે છે અને અંતમાં ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે.
અસંયતાત્મના યોગો દુષ્પાપ ઇતિ મે મતિ: II
વશ્યાત્મના તું યતતાઅ શક્યોડ્વાવ્તુમુપાયત:II6/36II
અર્થ : જેનું મન અંકુશમાં આવ્યું નથી તેને માટે યોગ (આત્મસાક્ષાત્કાર)પામવો અઘરો છે, પરંતુ જેનું મન વશ છે અને જે સતત યત્ન કરે છે તે મનુષ્ય યોગ્ય ઉપાય વડે તે પામી શકે છે એવો મારો મત છે.
જો તમારું મન અંકુશમાં ન રહે તો તમને આત્મસાક્ષાત્કાર થઈ શકશે નહીં. આત્મસાક્ષાત્કાર એટલે આત્માને જ પરમાત્મા માનવો. આત્મામાં જ પરમાત્માનું દર્શન થાય એટલે આત્મસાક્ષાત્કાર થઇ ગયો એમ કહી શકાય, પણ આ સ્થિતિ બહુ ઊંચી છે. આપણે માનીએ એટલી ઝડપથી સાક્ષાત્કાર થઇ જતો નથી. જે વ્યક્તિનું મન અંકુશમાં નથી, નિયંત્રણમાં નથી આમતેમ માત્ર ભટક્યા જ કરે છે તેના માટે તો આત્મસાક્ષાત્કાર અશક્ય જ છે. જો ચિત્ત શાંત ન હોય તો ઈશ્વરમાં લગાવ થઇ શકતો નથી. એટલે આત્મસાક્ષાત્કાર માટે પહેલાં મનને કેળવવું જરૂરી છે. જો મનને નિયંત્રિત કરી દો, જો મન ઉપર તમારો સંપૂર્ણ કાબૂ આવી જાય તો પછી એને આત્મસાક્ષાત્કાર ઝડપથી થઈ જ જશે. ભગવાન કહે છે કે જેનું મન વશ છે તેવી વ્યક્તિ ઈશ્વર તરફ જવાનો સતત પ્રયત્ન કરે તો તેને યોગ અર્થાત્ આત્મસાક્ષાત્કાર અવશ્ય થઈ શકશે.