- મોટા અવાજથી હ્રદય પર દબાણ વધે છે જે સ્ટ્રોક માટેનું કારણ બને છે
- બ્લડપ્રેશર, શુગર, ડાયાબિટીસ મપાવી લો તે જરૂરી બન્યું છે
- જો તમને કોઈ પણ બીમારી છે તો ગરબા રમવાનું ટાળો તે યોગ્ય રહેશે
હાલમાં નવરાત્રિને લઈને યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે સૌ રોજ બરોજ સામે આવી રહેલા હાર્ટ એટેકના કિસ્સાથી પણ માહિતગાર છીએ. હાલમાં નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં ગરબા રમતા સમયે હાર્ટ એટેક આવ્યો હોય અને મોત નીપજ્યું હોય તેવા 3 કિસ્સા સામે આવ્યા છે તો અન્ય કેટલાક કિસ્સામાં લોકોને તકલીફ વધી હોવાથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો આ સમયે જો તમે પણ કેટલીક કામની વાતો જાણી લેશો તો તમે હાર્ટ એટેકથી બચી શકશો.
ગરબા રમતા દગો આપતા દિલ
વ્યસ્ત અને અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ યુવાનો પર અસર કરતી જોવા મળી રહી છે. હાલમાં નવરાત્રિમાં ગરબા રમતા રમતા અનેક જીંદગીઓનો અંત આવી રહ્યો છે. ખાસ કરીને યુવાઓ તેનો શિકાર બની રહ્યા છે. તો આ સમયે જાણી લેવું કે ગરબામાં દિલની સાચવણી કેવી રીતે કરવી.
મોટો અવાજ નોતરી શકે જોખમ
જે બાબતો હાર્ટને નુકસાન કરી રહી છે તેમાં ખાસ કરીને ધ્વનિ પ્રદૂષણ પણ સામેલ છે. તે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થયું છે. ખૂબ મોટા અવાજથી ધમનીઓમાં ઉચ્ચ રક્તચાપની સમસ્યા થાય છે. આ સાથે જ સતત મોટો અવાજ જીવ માટે જોખમ નોતરી શકે છે. તો મોટા અવાજથી હ્રદય પર દબાણ વધે છે જે સ્ટ્રોક માટેનું કારણ બને છે. તો તમે જ્યારે પણ ગરબા રમો છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.
ગરબાનો શોખ છે તો આ વાતનું ધ્યાન રાખો
જો તમે ગરબા રમવાના શોખીન છો તો તમે સ્વસ્થ હોવ તો પણ સતત ગરબા રમવા માટે તમે હેલ્થ ચેકઅપ કરાવો તે આજની લાઈફમાં જરૂરી બન્યું છે. આ એક સામાન્ય ચેકઅપ બની શકે છે. તેમાં તમે બ્લડપ્રેશર, શુગર, ડાયાબિટીસ મપાવી શકો છો. આ સાથે તમે સતત જંકફૂટ-પેકેટેડ ફૂડ ન ખાઓ તે પણ જરૂરી છે. આ સાથે નવરાત્રિના તહેવારમાં ઉજાગરા કરવાનું ટાળો તે જરૂરી છે. અપૂરતી ઊંઘ પણ ધબકારા અને દબાણ વધારવા માટે જવાબદાર સાબિત થાય છે. આ સિવાય જો તમને કોઈ પણ બીમારી છે તો તમે ગરબા રમવાનું ટાળો તે યોગ્ય છે. આ સાથે જરા પણ થાક, બેચેની, ગભરામણ કે ચક્કર આવે તો તો તમે તરત જ આરામ કરો અને થોડું પાણી પીઓ. ગરબા દરમિયાન ચક્કર કે ગભરામણનો અનુભવ થાય તો કાર્ડિયાક એરેસ્ટ હોઈ શકે છે.
ગરબા રમતા ઢળતી જીંદગીઓ
મહેસાણામાં ગરબા રમ્યા બાદ યુવતીને હાર્ટએટેક આવ્યો હતો. આ ગરબા આર.જે.ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયા હતા. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ અહીં ગરબા ઘૂમ્યા હતા. આ ગરબા બાદ શિક્ષિકાની તબિયત બગડી અને તેમને હોસ્પિટલ ખસેડાય તે પહેલાં જ 22 વર્ષીય શિક્ષિકાનું મોત થયું હતું. વડોદરામાં ગરબા બાદ 41 વર્ષીય તબીબને હાર્ટ અટેક આવ્યો. જો કે સમયસર સારવાર મળતા તબીબનો જીવ બચી ગયો હતો. તો સુરતમાં પણ ગરબા રમતા રમતા 28 વર્ષના યુવકનું મોત થયું હતું. તો જૂનાગઢમાં પણ 24 વર્ષના ચિરાગ પરમારને ગરબા રમચા એટેક આવ્યો અને તેનું મોત થયું. આ સિવાય જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતી સમયે 19 વર્ષના વિનીતને એટેક આવ્યો અને તરત જ તેનું મોત નીપજ્યું હતું.