અત્યાર સુધીમાં મનપા અને ફાયર વિભાગ ઉપર જ મહત્વના પગલા લેવાયા હોવાથી ચણભણાટ
ટીઆરપી ગેમઝોન કાંડમાં ૨૯ લોકોનો ભોગ લેવાયો છે અને સમગ્ર રાજયમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ વહિવટી તંત્ર અને તપાસનીશ એજન્સીઓની તપાસથી લોકોને હજુ સંતોષ જણાતો નથી. સૌ પ્રથમ તો ઘટના સ્થળનો ક્રાઇમ સીન મીટાવી દેવા સામે પ્રશ્નો ઉભા થયા છે. બીજુ સીટ દ્વારા અત્યાર સુધી જે તપાસ થઇ છે તે અને ક્રાઇમ બ્રાંચ દ્વારા જે તપાસ થઇ છે તેમાં મુખ્યત્વે મનપાના અધિકારીઓ અને સ્ટાફ જ ભોગ બન્યો હોવાનો ચણભણાટ સામે આવ્યો છે. પોલીસ, માર્ગ મકાન વિભાગ, પીજીવીસીએલ સહિતની અન્ય એજન્સીઓના અધિકારીઓને તથા ટોચના અધિકારીઓને હજુ સુધી કોઇ નક્કર ગુનામાં લેવામાં આવ્યા નથી. એટલું જ નહી આઇએએસ અને આઇપીએસની બદલી પણ આ કેસને કારણે થઇ હોવાનું પણ આદેશમાં જણાવાયું નથી. રૂટીન બદલી ગણાવાઇ છે.
ગુનાની તપાસ કરતી સિટની ટીમે અત્યાર સુધીમાં ટીઆરપી ગેમ ઝોનને લાયસન્સ આપનાર, રિન્યુ કરનાર અડધો ડઝન પીઆઈની પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા છે. રાજ્ય સરકારે રચેલી સિટે પણ લાયન્સીંગની પ્રક્રિયા સાથે સંકળાયેલા આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરી છે. આ તમામ ઘટનાક્રમને કારણે છાશવારે પોલીસ અધિકારીઓની પણ ધરપકડો થશે તેવી અટકળો વહેતી થાય છે પરંતુ તેની શક્યતા હવે ધૂંધળી બની રહી છે. ગુનાની તપાસ કરતી સિટની ટીમના સૂત્રોએ જણાવ્યું કે પોલીસે જીપી એક્ટની કલમ ૩૩ (એક્સ) મુજબ ટિકિટ બુકીંગ લાયસન્સ માટે જ મંજૂરી આપી હતી. જે રીતે સરકસ સહિતનાં કાર્યક્રમોમાં પોલીસ ટિકિટ બુકિંગ લાયસન્સ માટે મંજૂરી આપે છે, તે જ રીતે આ કિસ્સામાં પણ આપવામાં આવી હતી.
૨૦૨૧માં ધવલ કોર્પોરેશનના નામે તાલુકા પોલીસ મથકમાં ટીકીટ બુકીંગ લાયસન્સની મંજુરી માંગવામાં આવી હતી. તે વખતે સ્થળ પર કોઇ બાંધકામ ન હતું, માત્ર મેદાન હતું. ખુલ્લી જગ્યામાં ગો-કાર્ટીંગ અને પાર્કિંગ માટે મંજૂરી માંગવામાં આવી હતી, જે પોલીસે આપી હતી.
ત્યારબાદ ૨૦૨૩માં લાયસન્સ રીન્યુઅલ માટે અરજી કરવામાં આવી હતી. રીન્યુઅલ માટે અરજી આવે ત્યારે અરજી સ્થળ પર ભૂતકાળમાં કોઇ અનિચ્છનીય ઘટના બની છે કે કેમ, અરજદારનો ગુનાઇત ઇતિહાસ છે કે કેમ તે બાબતોની જ પોલીસે તપાસ કરવાની હોય છે. આ બંને બાબતોની પોલીસે તપાસ કરી ૨૦૨૩ની સાલમાં ૨૦૨૪ માટેનું લાયસન્સ રિન્યુ કરી આપ્યું હતું. તે વખતે પોલીસે ફાયર વિભાગને પત્ર લખી તેને લગતી કામગીરી જોઇ લેવા માટે પણ કહ્યું હતું.
આ જ રીતે પીજીવીસીએલે નિયમ મુજબ ભાડા કરાર વગેરે દસ્તાવેજો જોઇ વિજ મીટર આપ્યું હતું. તે વખતે પીજીવીસીએલે ફાયર એનઓસી વગેરે જોવાના હોતા નથી. માર્ગ-મકાન વિભાગની જવાબદારી માત્ર સરકારી મિલ્કતોની સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી તપાસવાની હોય છે. ટીઆરપી ગેમ ઝોન ખાનગી મિલ્કત હોવાથી તેની સ્ટ્રકચરલ સ્ટેબીલીટી તપાસવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની ન હોવાથી તેની પણ કોઇ ગુનાઇત બેદરકારી અત્યાર સુધી જણાઇ નથી.
મનપાની ટાઉન પ્લાનીંગ શાખાએ ૨૦૨૩નાં એપ્રિલ માસમાં ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર અઠવાડિયામા તોડી પાડવા જીપીએમસી એક્ટની કલમ ૨૬૦ (૨) મુજબ નોટિસ આપી હતી. જો કે પછી ગમે તે કારણોસર તેને તોડી પાડયું ન હતું. જો ટીપી શાખા જે તે સમયે જ આ ગેરકાયદે બાંધકામને તોડી પાડત અને ફાયર વિભાગ એનઓસીને લઇને આકરા પગલાં લેત તો કદાચ ૨૭ જણાનો ભોગ ન લેવાત.
આ કેસમાં ધરપકડ કરાયેલા અને હાલ રિમાન્ડ પરનાં મનપાના પૂર્વ ટીપીએ મનસુખ સાગઠીયાએ હવે એવો બચાવ કર્યો છે કે તેણે તેના વિભાગનાં તાબા હેઠળના અધિકારીઓને બાંધકામ તોડી પાડવા માટે સૂચના આપી હતી. પરંતુ તેમણે તેમ કર્યું ન હતું. સિટનાં સૂત્રોનું કહેવું છે કે જો તાબા હેઠળનાં અધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ નોટિસ આપ્યા પછી પણ ન તોડયું હોય તો વિભાગનાં વડા તરીકે સાગઠીયાની બાંધકામ તોડી પાડવાની જવાબદારી હતી. આ રીતે તાબા હેઠળના અધિકારીઓ પર દોષનો ટોપલો ઓઢાડી સાગઠીયા બચી શકે નહીં. તેની આ ભૂમિકા ધ્યાને લઇ ધરપકડ કરવામાં આવી છે.


