- નરસિંહ શુદ્ધ છે. એને કોઈ પીડા નથી. જેલમાં પૂરી દે; નાતબહાર મૂકે! હું માનું ત્યાં સુધી શુદ્ધને કોઈ પીડા ન હોવી જોઈએ
વિષયી જીવની કેટલીક પીડાઓ હોય છે, એમ સાધકની પણ કેટલીક પીડાઓ હોય છે. જે થોડી સાધના કરે છે, જે કોઈને પામવા માટેની યાત્રાએ નીકળ્યો છે, માર્ગી બન્યો છે, માર્ગે ચડ્યો છે, એની થોડીક પીડાઓ છે. આપણે સાધના કરીએ; ભજન શરૂ કરીએ; જે કંઈ આપણે કરતા હોઈએ એમાં પહેલી પીડા એ હશે કે તમે કોઈનુંયે બગાડ્યું ન હોય, તમે ભજનમાં રુચિ લેતા હો તોયે કારણ વગરનાં તમારી નિંદા કરનારાં તત્ત્વો ચારેય બાજુથી ઘેરે કે આ ક્યારનો વળી સિદ્ધ થઈ ગયો? શરૂઆત હોય ત્યારે આપણને એની અસર થાય કે ભાઈ, કારણ વગર? આ એની પહેલી પીડા છે અને કોઈ પણ કારણસર જ્યારે ભજન ઘટવા માંડે એ સાધકની બીજી પીડા છે. મારું ભજન ઘટી ગયું? ગયા વરસે મારું ભજન હતું એટલું આ વખતે હું ભજન ન કરી શક્યો, એ સાધકની બીજી પીડા. અને વૈરાગનું ઓછું થવું, મૂળ લક્ષ્ય ભુલાઈ જવું એ સાધકની ત્રીજી પીડા છે અને ચોથી પીડા એ છે સાધકની કે સાધના સકામ શરૂ થઈ ગઈ, જે નિષ્કામ કરવાની હતી. સાધનાની પાછળ હેતુ જોડાઈ ગયા કે મને પ્રતિષ્ઠા મળે; મને લોકો જુદી રીતે જુએ. હું સમાજની સામે જુદી રીતે તરી આવું. આવાં જે લક્ષ્યો કંઈક હોય એ ચોથી પીડા છે.
મેલી વિદ્યા છે કે નહીં મને એ ખબર નથી, પણ લોકો એવું બધું કહે છે કે મેલી વિદ્યાના સાધકો સાધના બહુ કરે છે. કઠિન પણ હોય છે, પણ એનો હેતુ હોય છે, બીજાને કેમ દુઃખી કરવો? આવું બધું જ કરે આ મલિન હેતુથી તાંત્રિક પ્રયોગો કરનારા લોકો. બીજાને નુકસાન કરવા માટે પણ ઘણા સાધના કરતા હોય છે. એની પીડા એને નથી હોતી. એની પીડા જે થોડુંક સમજે એને થાય છે. આવી મેલી વિદ્યાની સાધના કરનારા મેં ઘણા જોયા છે.
તો સાધકોની અમુક પ્રકારની પીડા છે, પણ સાધકને જ્યારે એમ લાગે કે મારા ભજનની સાથે કારણ વગર કોઈ ઈર્ષ્યા કરે છે ત્યારે સાધકે પણ પોતાના ગુરુદ્વારે જવું. એ આપણને જાણી જશે અને ખભા ઉપર હાથ રાખીને કહેશે કે શું કામ ચિંતા કરે છે? હું બેઠો છુંને! જેને ગુરુનો આધાર છે એની આ પીડાઓનો નાશ થાય છે. જેને એમ લાગે કે મારું ભજન ઘટતું જાય છે, તો ગુરુ એક એવું તત્ત્વ છે કે ભજન ઘટે ને ગુરુની પાસે જઈએ એટલે પૂર્તિ થઈ જાય. એની કૃપા ભરી દે આપણને. નખશિખ શુદ્ધ કોઈ બુદ્ધપુરુષની પાસે જઈએ તો શું ન થાય?
ત્રીજી સમસ્યા સાધકની છે વૈરાગમાં આવતી ઓટ. તમે સાધના કરો, ભજન કરો એટલે એનાં વિઘ્નો ઘણાં આવે. નાનકડો એવો આશ્રમ હોય ને શાંતિથી તમે ભજન કરતા હો તો અમુક લોકો આવે, કહે, બાપા, આ બે-બે રૂમમાં શું તમે કરો છો? લ્યોને અમે તમને દાન આપીએ. ચાર એ.સી. રૂમ ઉતારો! ચાર ઓરડા કરાવી દે, એમાં આપણો વૈરાગ ઘટવા માંડે! કારણ કે આપણે જીવ છીએ. વૈરાગ ન ઘટે તો સમાજની સેવા માટે આપણે સ્વીકારવું જોઈએ. વૈરાગ ઘટવો ન જોઈએ. કોઈ બુદ્ધપુરુષ પાસે આપણે જઈએ તો એ આપણને કંટ્રોલ કરે કે બસ ભાઈ હો! બહુ વિસ્તાર થઈ ગયો! વૈરાગ ઘટે એ સાધુની એક પીડા છે. વૈરાગમાં આવતી ઓટ એ સાધકની પીડા છે અને જે બુદ્ધપુરુષ છે, જેના આપણે આશ્રિત હોઈએ એની પાસે જઈએ તો એ ઘણી પૂર્તિ કરી આપે છે, ઘણું ભરી આપે છે અથવા તો સકામ સાધના; જ્યારે જુદી રીતની કાંઈ આપણી સાધના શરૂ થતી હોય છે, એમાંથી આપણો ગુરુ આપણને રોકે છે કે રહેવા દે, હું તને મળી ગયો પછી તારે બીજી કામના રાખવાની જરૂર શું છે? ગૌરીશંકર શિખરથી ઊંચું પછી કોઈ શિખર નથી અને એ તને મળી ગયું હોય પછી તારે કામના રાખવાની શું જરૂર છે? તો સાધકની સમસ્યાઓને પણ કોઈ પીરાઈથી ભરપૂર પીર મટાડતો હોય છે.
સિદ્ધની પણ કેટલીક પીડા હોય છે. જો સિદ્ધને સમજાઈ જાય તો એની પહેલી પીડા એ છે સિદ્ધાઈનો અહંકાર. આ પહેલી પીડા છે, કારણ કે ઘણી વખત હજી સિદ્ધપણું આવતું ન હોય ત્યાં તો બીજા આપણને ચડાવી દે કે તમે સિદ્ધ છો! તમે તો પહોંચી ગયેલા છો! સિદ્ધિનો અહંકાર સિદ્ધની પહેલી પીડા છે. સિદ્ધાઈની બીજી પીડા છે, ઘણી વખત ખાલી અમુક પ્રકારની વિદ્યાથી સિદ્ધિ આવી હોય, રામનું ભજન ન હોય તો પતન ક્યારે થાય એની ખબર ન પડે. એ બીજી પીડા હોય છે. સિદ્ધોનો આ ખતરો છે પતન અને ટોચેથી પડે એ સીધા ખીણમાં જાય. મોટેભાગે પતન એ સિદ્ધોની પીડા છે. ત્રીજી અને છેલ્લી પીડા, સાધનાનો આરંભ કર્યો હોય છે સિદ્ધ થવા માટે, પરંતુ જેની સાધના કરતા હોય, જે તત્ત્વની સાધના કરી અને સિદ્ધપણું પ્રાપ્ત કરવાની યોજના કરી હોય એને બદલે જેના આધારે સિદ્ધાઈનો આરંભ કર્યો હોય એ પરમતત્ત્વનો ઈન્કાર કરી દેવાનો કે હું છું; હવે રામ નહીં, હવે કૃષ્ણ નહીં, હવે શિવ નહીં! હવે અમે પોતે! આ સિદ્ધાઈનો ત્રીજો ખતરો છે. એને અમુક સમય સુધી સફળતા મળે. આવા માણસોને અમુક સમય સુધી સફળતા મળે, પણ શાંતિ કોઈ દિવસ ન મળે, વિશ્રામ કોઈ દિવસ ન મળે. ત્રણ ખતરા સિદ્ધોના છે, પણ કોઈ નખશિખ મહાપુરુષ પાસે જાય તો એને પણ આ ત્રણે ખતરામાંથી મુક્તિ મળે.
ચોથો અને છેલ્લો જીવનો પ્રકાર જે મારી વ્યાસપીઠ કહેતી રહે છે, શુદ્ધ. મને એવું થોડુંથોડું સમજાય છે કે શુદ્ધ એ છે, જેને કોઈ પીડા હોય જ નહીં. શુદ્ધને પીડા ન હોય, કોઈ પણ જાતની સમસ્યા ન હોય, કોઈ પણ ક્લેશ ન હોય, કોઈ પણ સંતાપ ન હોય. ગંગાસતીને પૂછીએ તો એમ કહે કે, `સુખ ને રે દુઃખની જેને હેડકી ન આવે પાનબાઈ.’ અને જે જે પોતાની જાતને શુદ્ધ માની બેઠો હોય એવા માણસને જ્યારે એ સમસ્યાઓ અને કોઈ પીડાઓ સતાવે ત્યારે એણે સમજી લેવું કે હજી આપણે એમાં નથી. અને આમ તો જીવનો સ્વભાવ પહેલેથી જ શુદ્ધ છે. આ બધું બગાડ્યું છે આપણે! આપણાં શાસ્ત્રો તો કહે છે, `મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન.’ તું મારા જેવો જ સનાતન છો. કૃષ્ણ કહે છે જીવ, તારી સનાતનતા મારા જેટલી જ છે અને `રામાયણ’ એમ કહે, `ઈશ્વર અંસ જીવ અવિનાશી.’ આ જીવ પણ અવિનાશી છે. જેટલો ઈશ્વર ચેતન, એટલો જીવ ચેતન. જેટલો ઈશ્વર નિર્મલ એટલો જીવ નિર્મલ. જેટલો ઈશ્વર સુખરાશિ એટલો જીવ સુખરાશિ, પણ ક્યાંક ભૂલ થઈ ગઈ; ક્યાંક દાખલો ખોટો ગણાઈ ગયો. બાકી હું નથી માનતો કે જે શુદ્ધતાને પામ્યા છે એ કોઈને કોઈ પણ પીડા હોઈ શકે.
નરસિંહ મહેતા જેલમાં જાય તો જૂનાગઢમાં કેટલા લોકો બોલ્યા હશે કે લ્યો બોલો! મોટી ભક્તાઈ હતીને! ગયોને જેલમાં! પણ હું નથી માનતો કે નરસિંહને પીડા થઈ હોય, કારણ કે નરસિંહ શુદ્ધ છે. એ માણસે બહિર્ સ્વચ્છતા અને ભીતરી પવિત્રતાનું અભિયાન છસો વર્ષ પહેલાં કર્યું હતું અને પછી તો મધ્યયુગમાં ભક્તિનું જે પૂર આવ્યું એનાથી ઘણું કામ થયું. ભક્તિપ્રવાહે બહુ કામ કર્યું છે. ભક્તિ એ ઘેલછાનું નામ નથી, ભક્તિ કંઈક જુદું જ તત્ત્વ છે. નરસિંહે કહ્યું –
ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે ચોર્યાસી માંહી રે.
નરસિંહ શુદ્ધ છે. એને કોઈ પીડા નથી. જેલમાં પૂરી દે; નાતબહાર મૂકે! હું માનું ત્યાં સુધી શુદ્ધને કોઈ પીડા ન હોવી જોઈએ. એના ઉપર ગુરુકૃપા એટલી હોય કે એની શુદ્ધતાને ક્યાંય આંચ ન આવે. મીરાં શુદ્ધ છે. એ એમ કહે કે મને દર્દ છે, પણ એ પીડા કોઈ સામાજિક પીડા કે માનસિક પીડા નહીં. એ દર્દ છે ખાલી ભક્તિનું. પ્રેમની પીડા છે. એને સામાજિક પીડા કે માનસિક પીડા નથી. મીરાંને કોઈ કાલ્પનિક પીડા પણ નથી. મીરાં બહુ શુદ્ધ છે. એને કોઈ ચિંતા નથી. એને ઝેરનીય ચિંતા નથી, કારણ કે શુદ્ધ તત્ત્વ છે.