- શનિદેવની કાંતિ ઈન્દ્ર નીલમણીસમાન કાળા રંગની છે. તેમના મસ્તક ઉપર સુવર્ણ મુકુટ શોભાયમાન છે. શરીર ઉપર નીલા રંગનાં વસ્ત્ર ધારણ કર્યાં છે
શનિદેવનું જન્મસ્થાન
એવું માનવામાં આવે છે કે શનિદેવનો જન્મ ગુજરાતના પોરબંદરથી 27 કિલોમીટર દૂર જામનગર રોડ પર આવેલા ભાગવદર નજીકના હાથલા ગામમાં થયો હતો.
નર્મદાના કાંઠે વડોદરા અને રાજપીપળા વચ્ચે શિનોરવા નવા પુલવાળા માર્ગે નાનીમોટી પનોતીનું પૌરાણિક મંદિર આવેલું છે જે ખૂબ પ્રસિદ્ધ છે.
મહારાષ્ટ્રમાં શનિ શિંગણાપુરમાં પણ શનિ દેવતાનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. ધાર્મિક માન્યતા અનુસાર વૈશાખ વદ અમાસ એટલે શનિ કે શનૈશ્ચરી અમાસ તરીકે પ્રખ્યાત છે. શનૈશ્ચરી અમાસ એટલે શનિ જયંતી. આપણને સહુને નવ ગ્રહોનો પરિચય છે. જેમાં શનિ ગ્રહનું નામ જાણીએ છીએ. આપણે તેને માત્ર ક્રૂર ગ્રહ તરીકે જ જાણીએ છીએ. વધીને આપણા નિજી જીવન ઉપર ગ્રહની શુભાશુભ અસરોથી માહિતગાર હોઈએ છીએ. ખરા અર્થમાં તો અતિ ગૂઢ રહસ્યો શનિ દેવતાના સંદર્ભમાં છે. શ્રદ્ધાળુઓ શનિ જયંતી આસ્થાભેર ઊજવે છે. ભક્તગણ શનિમંદિર જઈ શનિદેવને તલ, તેલ, કાળા અડદ, કાળું વસ્ત્ર વગેરે અર્પણ કરે છે. દુ:ખ, ક્લેશ, ભય અને પનોતી પીડામાંથી મુક્તિ મેળવવા માટે શનિદેવને પ્રાર્થના કરે છે અને તેના મંત્રથી ઉપાસના કરે છે. ખાસ આ દિવસે હનુમાનજીનાં દર્શન કરીને તેમને પણ પ્રાર્થના કરે છે. શનિ ઉપાસના કરનારે અને શનિદોષથી બચવા શ્રદ્ધાળુઓએ વૃક્ષારોપણ કરી અને શક્ય હોય તો યાત્રા ટાળવી જોઈએ.
શનિદેવના જન્મની રસપ્રદ કથા
શનિદેવના જન્મની કથાનું વર્ણન સ્કંદપુરાણના કાશીખંડમાં સવિસ્તર જોવા મળે છે. જેમાં સૂર્યદેવનાં લગ્ન, રાજા દક્ષની કન્યા સંજ્ઞા સાથે થયાં હતાં. (અમુક ગ્રંથોમાં સંજ્ઞના પિતા વિશ્વકર્મા હતા તેવો ઉલ્લેખ છે.) સૂર્યદેવ અતિ તેજસ્વી હતા તેથી તેનું તેજ સંજ્ઞાથી સહન થતું ન હતું. પત્ની સંજ્ઞા ખૂબ જ પરેશાન રહેતી હતી. તે સૂર્યદેવનું તેજ ઓછું કરવા નિત્ય ચિંતિત રહેતી હતી. આમ ને આમ દિવસો વિતવા લાગ્યા. સંજ્ઞાના ગર્ભથી વૈવસ્વત મનુ, યમરાજા અને યમુના એમ ત્રણ સંતાનોએ જન્મ લીધો. ત્રણેય સંતાનોને પતિ સૂર્યદેવના તેજથી દૂર રાખવા માંગતી હતી. તેથી સંજ્ઞાએ સૂર્ય દેવના તેજથી બચવા માટે આકરી તપસ્યા કરીને પોતાની હમશકલ એવી એક કન્યા ઊભી કરી. તેનું નામ છાયા (સંવર્ણા) રાખ્યું. આ છાયારૂપ સંવર્ણા સૂર્યદેવની સાથે રહેવા લાગી. મૂળ સંજ્ઞાએ સૂર્યદેવ તથા આ ત્રણેય સંતાનોની જવાબદારી સંવર્ણાને સોંપી પોતે પિતાના ઘરે ચાલ્યાં ગયાં. પિતા દક્ષ સિદ્ધાંતવાદી હતા તેથી સંજ્ઞાને પોતાના શ્વસુરગૃહે જવા આદેશ આપ્યો. સંજ્ઞા ઘરે પરત જવાના બદલે ઘોડીનું સ્વરૂપ ધારણ કરી વનમાં તપ કરવા ચાલ્યાં ગયાં.
આ તરફ સૂર્યદેવને આભાસ પણ ન થયો કે આ સંજ્ઞા નથી, તે અન્ય છાયા સ્વરૂપ છે. આ સમયે સૂર્યદેવ અને છાયા સ્વરૂપ સંવર્ણાના મિલનથી બીજાં ત્રણ સંતાન ઉત્પન્ન થયાં જે મનુ, શનિદેવ અને ભદ્રા (તપતી) નામથી ઓળખાયાં.
એક કથા એવી પણ પ્રાપ્ત છે કે મહર્ષિ કશ્યપના અભિભાવકત્વમાં કશ્યપના યજ્ઞથી શનિદેવનો જન્મ થયો છે. છાયારૂપ સંવર્ણા શિવની પરમ ભક્ત હતી. શિવની કઠોર તપસ્યા કરી ત્યારે શનિદેવ ગર્ભમાં હતા. ભૂખ્યાં-તરસ્યાં પીડા સહન કરતાં કરતાં તપ કર્યું તેની અસર ગર્ભમાં પડી જેના ફળસ્વરૂપ શનિદેવનો વર્ણ અતિશય કાળો થઈ ગયો. શનિદેવને કાળા રંગના જોઈને સૂર્યદેવને છાયા ઉપર શંકા થઈ. સંવર્ણાને અપમાનિત કર્યાં કે આ મારો પુત્ર ન હોઈ શકે. માતા સંવર્ણા તપસ્વી હતાં. શનિદેવમાં પણ તપનું તેજ આવ્યું જેથી શનિદેવે સૂર્યદેવનો રસ્તો રોક્યો અને સૂર્યને પણ કાળા વર્ણના કરી દીધા, સૂર્યદેવ શિવના શરણમાં ગયા અને પુન: તેજસ્વી રૂપ પ્રાપ્ત કર્યું. એ સમયથી પિતા-પુત્ર- શનિદેવ અને સૂર્યદેવ વચ્ચે તિરાડ પડી છે. આજે પણ જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને પિતા સૂર્યદેવના વિદ્રોહી માનવામાં આવે છે.
શનિદેવના સ્વરૂપનું વર્ણન
શનિદેવની કાંતિ ઈન્દ્ર નીલમણીસમાન કાળા રંગની છે. તેમના મસ્તક ઉપર સુવર્ણ મુકુટ શોભાયમાન છે. શરીર ઉપર નીલા રંગનાં વસ્ત્ર ધારણ કર્યાં છે. તેઓ ગીધ ઉપર સવારી કરે છે. શનિદેવનો રથ લોઢાનો છે. તેઓ ચતુર્ભુજ છે. તેઓએ હાથમાં ધનુષ, બાણ, ત્રિશૂલ અને વરમુદ્રા ધારણ કર્યાં છે. તેમના અધિદેવતા પ્રજાપતિ બ્રહ્મા છે. પ્રત્યધી દેવતા યમરાજ છે. બ્રહ્મપુરાણમાં વર્ણન છે તે મુજબ શનિદેવ શ્રીકૃષ્ણના ઉપાસક હતા. નિત્ય તેમાં જ લીન રહેતા હતા. તેની વયસ્ક સ્થિતિએ તેમનાં લગ્ન પિતાએ ચિત્રરથની કન્યા સાથે કર્યાં હતાં. શનિદેવની પત્ની સતી સાધવી પરમ તેજસ્વિની હતી. તે ઋતુધર્મમાં હતી. પુત્રપ્રાપ્તિ માટે તે શનિદેવ પાસે મિલન માટે આવી. શનિદેવ તો પોતાના ખંડમાં કૃષ્ણભક્તિમાં લીન હતા. શનિની પ્રતીક્ષા કરી પત્ની થાકી ગઈ. ઋતુકાળ નિષ્ફળ ગયો. શનિદેવ ખંડમાંથી બહાર આવ્યા ત્યારે ક્રોધિત પત્નીએ શાપ આપ્યો કે `તમારી દૃષ્ટિ જેના ઉપર પડશે તેનો વિનાશ થશે.’ શનિદેવને ખૂબ દુ:ખ થયું. પત્નીને ખૂબ સમજાવી, પરંતુ શાપ પાછો ખેંચવાની શક્તિ ન હતી. ત્યારથી શનિદેવ લોકોને તેની નજરથી બચાવવા હંમેશાં પોતાની નજર નીચે રાખીને ચાલે છે.
ઉલ્લેખનીય છે કે શનિ ગ્રહની ગણના ક્રૂર ગ્રહમાં થાય છે. મકર અને કુંભ રાશિના સ્વામી છે. તેની મહાદશા 1૯ વર્ષની હોય છે. એકએક રાશિમાં 30 માસ સુધી રહે છે. શનિદેવ ન્યાયના દેવતા છે. જે વ્યક્તિ જીવનમાં નીતિપૂર્વકનો વ્યવહાર કરે છે, નીતિથી રહે છે તેના સ્થાનમાં શનિદેવ હોવા છતાં પણ તે જાતકને દંડ નથી આપતા. જે વ્યક્તિ નીતિ ઓળંગે છે તેને હંમેશાં કોપ કરીને દંડ આપે છે. નીતિપૂર્વક જીવન જીવનારને ક્યારેય પણ શનિદેવનો કોપ નથી મળતો બલકે સમાજમાં વિશેષ સન્માન અને પ્રતિષ્ઠા મળે છે.
શનિ જયંતી અવસરે શનિદેવની આરાધના
શનિ અમાસે શનિ ગ્રહની પીડામાંથી મુક્તિ મેળવવા માટે ઉપાસકે શનિદેવને જળ-દૂધ-પંચામૃતથી અભિષેક કરી તલ, અડદ, તલ, તેલ, કાળાં વસ્ત્ર અર્પણ કરીને શ્રીફળ તથા ઋતુ ફળ અર્પણ કરવું. ત્યારબાદ પૌરાણિક મંત્રના જાપ કરવા.
નીલાંજનં સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ।
છાયામાર્તન્ડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ॥
સામાન્ય મંત્ર :
ૐ શં શનૈશ્ચરાય નમ:।ના મંત્રજાપ ફળદાયક બને છે. શનિદેવના વૈદિક મંત્ર, પૌરાણિક મંત્ર, બીજ મંત્ર કે સામાન્ય મંત્રના કુલ 23000 જપ સંધ્યાકાળે કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે. જાતકને ધારણ કરવાનું નંગ નીલમ પણ સિદ્ધ થાય છે. શનિદેવના મંત્રજાપથી પ્રસન્ન થઈ ઉપાસકને ન્યાય, પદ, પ્રતિષ્ઠા, વિદ્યા, બુદ્ધિ, શાંતિ અને પીડા મુક્તિ પ્રદાન કરે છે.
શનિ ગ્રહની શાંતિના ઉપાયો
શનિવાર એ શનિદેવની ઉપાસના કરવાનો દિવસ છે. જેને પણ શનિની સાડાસાતીની પનોતી હોય તેણે શનિવારના દિવસે ઉપવાસ કરીને શનિ મહારાજનાં દર્શન કરવાં જોઈએ. શનિદેવને ખીર-પૂરીનો ભોગ ધરાવવો જોઈએ. શુદ્ધ તેલથી શનિદેવની મૂર્તિ પર અભિષેક કરવો જોઈએ. કહેવાય છે કે દરેક મનુષ્યના જીવનમાં એક વાર તો શનિની પનોતી જરૂર આવે છે, પરંતુ શનિદેવની ઉપાસના અને ગુણગાન ગાવાથી તેમાં ચોક્કસ રાહત થાય છે. શનિદેવનો નીચે જણાવેલો શ્લોક બહુ પ્રખ્યાત છે. તેનું પઠન અવશ્ય કરવું જોઈએ.
ૐ નીલાંજન સમાભાષમ્,
રવિપુત્ર યમાગ્રજમ,
છાયામાર્તંડ સંભૂતમ્
તં નમામિ શનૈશ્વરમ્॥
આકાશસમાન નીલા શરીરધારી, સૂર્યદેવના પ્રતાપી પુત્ર, યમરાજના ભાઈ જેનાં દર્શનમાત્રથી દુ:ખ-દર્દ દૂર થાય છે એવા પરમવીર શનિશ્ચર દેવને અમારાં કોટિ કોટિ વંદન હો.
ભૈરવજીના મંદિરમાં જઈને તેમની પાસે પોતાનાં પાપોની ક્ષમા માગો.
જુગાર-સટ્ટો, જૂઠું બોલવું વગેરે શનિને નાપસંદ છે, તેથી આવાં કાર્યોથી દૂર રહેવું.
શરીરનાં બધાં જ અંગોની સારી રીતે સફાઈ કરો. દાંત,વાળ અને નખને સારી રીતે સાફ કરો.
કાગડાને દરરોજ રોટલી ખવડાવો.
છાયાદાન કરો અર્થાત્ વાટકીમાં થોડું સરસવનું તેલ લઈને પોતાનો ચહેરો તેમાં જોઈને તેને શનિદેવના મંદિરમાં મૂકી આવો.
શનિદેવના મંદિરમાં તેલ અને પીપળાનાં પાનની માળા ચઢાવવી.
અંધ, અપંગ વ્યક્તિઓ તથા કર્મચારીઓ સાથે સારો વ્યવહાર રાખો.
કાળા કૂતરાને તેલ ચોપડીને રોટલી ખવડાવવી.
રાત્રે સૂતી વખતે માથાની નજીક પાણીનો લોટો ભરીને મૂકો તથા સવારે ઊઠો ત્યારે આકડા અથવા ખજૂરના વૃક્ષ પર ચઢાવી આવો.
કાળા તલ, કાળા અડદ, કાળાં કપડાં, સરસવનું તેલ, લોઢાના ટુકડા વગેરેનું શનિવારના દિવસે શનિદેવને પ્રાર્થના કરીને દાન કરવું જોઈએ.
શનિ ગ્રહની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. નીલમ રત્ન ધારણ કરવાથી પણ શનિનો પ્રકોપ શાંત થાય છે.
ૐ શં શનૈશ્ચરાય નમ:। મંત્રનો ત્રેવીસ હજારની સંખ્યામાં જપ કરવો જોઈએ.
રાજા દશરથે શકટભેદન નહીં કરવા વચન માગ્યું
રઘુવંશમાં પૂર્વે દશરથ રાજા સમર્થ અને ચક્રવર્તી હતા. જેઓ મહાબળવાન હતા જ્યારે કૃતિકાના અંતમાં શનિ ગયા ત્યારે દેવજ્ઞોએ તેમને કહ્યું કે હમણાં જ શનિ રોહિણીનો ભેદ કરી જશે અને રોહિણી શકટનો ભેદ કરશે ત્યારે બાર વર્ષનો અતિ દારૂણ દુષ્કાળ પડશે. આ વચન સાંભળી દશરથ રાજાએ વશિષ્ઠ મુનિની સલાહથી મહાન સાહસ કર્યું. દિવ્ય શસ્ત્રો લઈને વેગથી નક્ષત્રમંડળમાં ગયા અને રોહિણી નક્ષત્રને પાછળ રાખીને આડા ઊભા રહ્યા. જ્યારે શનિદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવાના હતા ત્યારે દશરથ રાજાએ સંહારાસ્ત્રનું સંધાન કર્યું. આ સંહારાસ્ત્રના ભયથી શનિદેવ અટકી ગયા અને દશરથ રાજા ઉપર પ્રસન્ન થયા અને દશરથ રાજાની માંગણી મુજબ વરદાન આપ્યું કે, `જ્યા સુધી સૂર્ય-નક્ષત્ર વિદ્યમાન છે ત્યાં સુધી શકટભેદન નહીં કરું.’
આમ આજીવન પ્રતાપી દશરથ રાજાએ સમસ્ત માનવોને, પ્રાણીઓને શકટભેદના દુષ્કાળથી બચાવી લીધા. આ સમયે દશરથ રાજાએ સુંદર સ્વરોમાં શનિદેવની સ્તુતિ કરી. કોઈ પણ જાતક શનિદેવની પ્રસન્નતા મેળવવા માટે આ સ્તોત્રનું અનુસંધાન કરીને શનિનાં કષ્ટ અને પીડામાંથી મુક્તિ મેળવી શકે છે.