- નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારનાં દાન આપવાથી જે ફળ મળે છે તેટલું ફળ આ એકાદશી કરવાથી મળે છે
`નિર્જળા’ એટલે પાણી પણ ન પીવું અને નકોરડો ઉપવાસ કરવો. આવો ઉપવાસ ભીમસેને કર્યો હતો અને તેના પુણ્યબળે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો. આ એકાદશી ભીમે કરેલી એટલે એનું બીજું નામ `ભીમ અગિયારસ’ છે. યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી વગેરે એકાદશીનો ઉપવાસ નિયમિત રીતે કરતાં, પરંતુ ભીમસેનથી વારેવારે ઉપવાસ થતા નહીં, આથી મહર્ષિ વ્યાસે ભીમને નિર્જળા એકાદશીનું વ્રત કરવા અનુરોધ કર્યો હતો. આ વ્રત કરનારે પાણી, ફળફળાદિ કશું જ લેવું નહીં.
ભીમસેન ખાઉધરો હતો. તે એક ટંક પણ ભૂખ્યો રહી શકતો ન હતો. શરીરબળમાં ભીમ સૌથી ચડિયાતો હતો. વ્યાસ મુનિએ ભીમને કહ્યું,
`હે ભીમસેન! જો તને નરક પ્રત્યે ઘૃણા હોય અને સ્વર્ગ પ્રત્યે પ્રીતિ હોય તો તારે વદ અને સુદની બંને એકાદશીઓ કરવી અને તે દિવસે ભોજન કરવું નહીં.’
`હે પિતામહ! મારા ઉદરમાં `વૃક’ નામનો અગ્નિ અન્ન વિના તૃપ્ત થતો જ નથી. એક વર્ષના 24 ઉપવાસ કરવા મારા માટે દુષ્કર છે. હું વર્ષમાં વધુમાં વધુ એક ઉપવાસ કરી શકું. માટે એક ઉપવાસથી વધુ ફળ પ્રાપ્ત થાય એવી એકાદશીનું વ્રત કરવાનું મને કહો.’
વ્યાસ મુનિએ ભીમસેનને જેઠ સુદ 11નું વ્રત કરવાનું તથા તે દિવસે ઉપવાસ કરવાનું કહ્યું, દ્વાદશીના દિવસે બ્રાહ્મણને જમાડીને પછી જમવું.
`હે વાયુપુત્ર! નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાંનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારનાં દાન આપવાથી જે ફળ મળે છે તેટલું ફળ આ એકાદશી કરવાથી મળે છે. આખા વર્ષની એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશી ધન, ધાન્ય, રિદ્ધિ-સિદ્ધિ, આયુષ્ય, પુત્ર, આરોગ્ય, વિજય વગેરે આપનારી છે.’
આ એકાદશીનું વ્રત કરનારને યમદૂતોનો ભય રહેતો નથી. આ પરમ પવિત્ર દિવસે જળ અને ગાયનું દાન આપનાર સર્વ પાપોથી મુક્ત થાય છે. આ એકાદશીને `ભીમ એકાદશી’ તેમજ `પાંડવ એકાદશી’ પણ કહે છે.
જે નર-નારી આ એકાદશીનો ઉપવાસ કરે છે, તેનાં પર્વતસમાન પાપો બળીને ભસ્મ થઈ જાય છે. આ દિવસે જે અન્નનું ભોજન કરે છે તે દુર્ગતિને પામે છે અને જે દાન કરે છે તે પરમ પદને પામે છે. જે મનુષ્ય આ વ્રતથી વંચિત રહે છે તે આત્મદ્રોહી, દુરાચારી, પાપી અને દુષ્ટ ગણાય છે. જે લોકો રાત્રિ જાગરણ કરે છે તેઓ પુણ્ય પ્રાપ્ત કરે છે. જે લોકો શ્રદ્ધાપૂર્વક આ એકાદશીની કથાનું પઠન અને શ્રવણ કરે છે, તે મોક્ષગતિને પામે છે.
આહારશુદ્ધિ વિના ચારિત્ર્ય શુદ્ધિ સંભવતી નથી. આહાર શુદ્ધ રાખો એ બધા ધર્મોનો સાર છે. આહાર-વિહાર, આચાર-વિચારના વિવેક વિના સંયમની સિદ્ધિ સાંપડતી નથી અને સંયમની સિદ્ધિ વિના આત્મિક સુખ અને શાંતિ શક્ય નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત મનુષ્યને આ નિર્જળા એકાદશીનો ઉપવાસ અમૃતસમાન છે.