ભારતભરમાં એવાં કેટલાંક મંદિરો છે જે ખૂબ જ પ્રાચીન છે. તેમાંથી કેટલાંક મંદિરો ખૂબ જ જર્જરિત હાલતમાં છે તો કેટલાંક મંદિરો આજે પણ અડીખમ ઊભાં છે. અલબત્ત, આ મંદિરોથી ભારતમાં ઘણી સદીઓથી મંદિરો બનતાં આવ્યાં છે તે સાબિત થાય છે. ભારતના રાજસ્થાનમાં આવેલા જયપુરથી માત્ર દસ કિમી.ના અંતરે એક એવું જ વિશાળ મંદિર આવ્યું છે જે માત્ર ભારતના શ્રદ્ધાળુઓને જ નહીં, પરંતુ વિદેશના લોકોને પણ ધાર્મિક રીતે આકર્ષે છે. તેથી જ અહીં વારતહેવારે દુનિયાભરના લોકો મંદિરનાં દર્શનાર્થે ઉત્સાહભેર આવે છે. નોંધનીય છે કે, ગલતાજી મંદિરના નિર્માણ માટે ગુલાબી રંગના સેન્ડસ્ટોનનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂળ આ એક ખૂબ જ વિશાળ મંદિર છે અને તે મંદિરના પરિસરમાં કેટલાંક મંદિરો આવેલાં છે. આ મંદિરોની કોતરણી સૌ કોઈ યાત્રીને મંત્રમુગ્ધ કરનારી છે અને તેની વાસ્તુકલા વિશ્વપ્રસિદ્ધ છે.
ગલતાજી મંદિર એક દૃષ્ટિએ ભવ્ય મહેલ કે એક મોટી હવેલી જેવું લાગે છે. એટલું જ નહીં પરંતુ આ મંદિર વાંદરાંઓની અનેક પ્રજાતિઓ વિશે પણ જાણીતું છે. અહીં અનેક પ્રજાતિનાં વાંદરાં તમને જોવા મળી રહે છે! સાથેસાથે આ મંદિર પરિસરમાં ભક્તજનો ધાર્મિક ભજનો, મંત્રજાપ કરતા પણ જોવા મળી રહે છે.
ગલતાજીનો મંદિર ઇતિહાસ
આ મંદિરમાં ગુલાબી સેન્ડસ્ટોનનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવ્યો છે. અલબત્ત, આ મંદિરની સંરચના દીવાન રાવ કૃપારામ દ્વારા બનાવવામાં આવી હતી. જે સવાઈ રાજા જયસિંહ દ્વિતીયના દરબારી તરીકે વિશેષ ઓળખાતા હતા. 16મી સદીની આસપાસ ગલતાજી રામાનંદી સંપ્રદાયથી સંબંધિત અને જોગીઓના કબજાવાળા પુરી માટે આશ્રયસ્થળ સાબિત થયું છે. અલબત્ત, અહીં સાધુ-સંતોનું વિશ્રામસ્થળ હતું. એવું પણ કહેવાય છે કે, રામાનંદી સાધુ આહારમાં માત્ર દૂધ જ લેતા હતા તેથી તેમને `પાયો ભક્ષ’ તરીકે ઓળખવામાં આવતા હતા. આ કારણસર તેમના નામની સાથે પાયો શબ્દ પણ જોડવામાં આવ્યો હતો. આગળ જતા આ સ્થળ રામાનંદી હિંદુઓ અને નાગા સાધુઓ માટે પણ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું હતું. આ લોકોએ કેટલાંક યુદ્ધોમાં ભાગ પણ લીધો હતો.
સંત ગાલવે તપસ્યા કરીને સો વર્ષ સુધી આ પવિત્ર સ્થાન પર પોતાનું સમગ્ર જીવન વિતાવ્યું હતું. તેમની ભક્તિથી કોઈ પણ અજાણ ન હતું.
ગલતાજી મંદિરમાં અન્ય મંદિરો
ગલતાજી મંદિર અરવલ્લીના પહાડોથી અને ગાઢ વૃક્ષોથી ઘેરાયેલું જોવા મળે છે. મંદિરની દીવાલો પર ધાર્મિક ચિત્રો અને આકર્ષક સ્તંભ પણ જોવા મળે છે. આ મંદિરની અંદર અન્ય દેવી-દેવતાઓનાં મંદિર આવેલાં છે. જેમાં ભગવાન શ્રીરામ, ભગવાન કૃષ્ણ ને હનુમાનજીનાં મંદિરોનો સમાવેશ થાય છે.
ગલતાજીમાં પાણીના કુંડ
સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં પાણીના ઉપયોગ માટે પાણીને ધાબા પર રાખેલી ટાંકીમાં મોકલતા હોઇએ છીએ, પરંતુ અહીં આ મંદિરમાં તદ્દન અલગ રીતે પાણી સ્ટોર થાય છે. આ મંદિરમાં ઝરણાંઓનું પાણી પ્રાકૃતિક રીતે અહીં જમા થાય છે અને આ પાણી ક્યારેય સુકાતું પણ નથી! અહીં કુલ સાત કુંડ આવેલા છે. આ સાતેય કુંડનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ કુંડમાં ભક્તો અને શ્રદ્ધાળુઓ સ્નાન કરવા પણ આવે છે. મકરસંક્રાંતિ પર્વ પર અહીં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
ગલતાજીને વાંદરાંઓનું મંદિર પણ કહેવામાં આવે છે!
અરવલ્લીની ગિરિમાળામાં આવેલું હોવાથી આ મંદિરમાં અન્ય શહેરોની જેમ કોલાહલ સંભળાતો નથી. આ મંદિરમાં પ્રવેશતાંની સાથે જ શાંતિનો અનુભવ થાય છે. આ મંદિરોમાં હિંદુ દેવી-દેવતાઓની સાથે વિવાહ ઉપરાંત અન્ય પૌરાણિક કથાઓનાં ચિત્રો પણ જોવા મળે છે. અહીં મોટી સંખ્યામાં વાંદરાં જોવા મળે છે અને તેમાં મોટાભાગનાં વાંદરાં અલગ પ્રજાતિનાં હોય છે. આશ્ચર્યની વાત એ છે કે આ તમામ વાંદરાંઓ ક્યારેય કોઈ દર્શનાર્થી કે પર્યટકને હેરાન કરતાં નથી. તેથી જ આ મંદિરને વાંદરાંઓના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગલતાજી મંદિર જવા માટે સમય
અહીં મકરસંક્રાંતિના પર્વ પર આવી શકાય છે. જ્યારે તમારે સમગ્ર ગલતાજીની યાત્રા કરવી હોય તો ઓક્ટોબરથી ડિસેમ્બર અને ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં આવી શકાય, કારણ કે ફેબ્રુઆરી-માર્ચમાં અહીં ઠંડી ઓછી હોય છે અને ઓક્ટોબર-ડિસેમ્બરમાં ઠંડીની શરૂઆત હોય છે. વરસાદની સિઝન પણ પૂરી થઇ ગઇ હોવાથી તમે તમામ મંદિરો અને મંદિર પરિસરમાં શાંતિમય રીતે ભજન-કીર્તન અને દર્શન કરી શકો છો.
કેવી રીતે પહોંચશો?
ગલતાજી મંદિર ખનિયા-બાલાજી શહેરમાં આવેલું છે જે જયપુરથી અંદાજે 10 કિમી. અંતરે આવેલું છે. જયપુર શહેરની યાત્રા વિમાન, ટ્રેન કે બસ દ્વારા સરળતાથી કરી શકાય છે. મંદિર આવવા માટે પ્રાઇવેટ કેબ કે ટેક્સી પણ કરી શકાય છે. જો તમે હવાઈમાર્ગ દ્વારા અહીં આવવા માંગો છો તો નજીકનું એરપોર્ટ સાંગાનેર એરપોર્ટ છે. ત્યાંથી દસ કિમી.ના અંતરે જ ગલતાજી મંદિર આવેલું છે.
જ્યારે તમે ટ્રેન દ્વારા અહીં આવવા માંગતા હો તો, નજીકનું રેલવે સ્ટેશન ગોડામ રેલવે સ્ટેશન જંક્શન છે જે મંદિરથી માત્ર એક કિમી.ના અંતરે જ આવેલું છે. અહીંથી તમે ચાલીને કે પ્રાઇવેટ વાહન દ્વારા મંદિર પહોંચી શકો છો. ઉપરાંત જો તમે સડકમાર્ગે આવવા માંગતા હોવ તો ભારતભરનાં મુખ્ય શહેરોથી અહીં સુધી લક્ઝરી અને જેતે રાજ્યોની બસો પણ ઉપલબ્ધ છે. આ બસો તમને જયપુર સુધી પહોંચાડે છે જ્યાંથી તમે મંદિર પહોંચી શકો છો.