- મહાત્માની વાત એણે સાંભળી. એને શાંતિ અને શીતળતાનો અનુભવ થયો
સુરપુર નામનું એક ગામ હતું. ગામના રાજાનું નામ પ્રચંડસિંહ હતું. નગરજનોને કોઈ પણ તકલીફ હોય તો સાંભળવાની અને એના માટે યોગ્ય ઉપાય કરવાની પણ રાજાની તૈયારી રહેતી, પણ કોઈ પણ માણસ ગુનામાં આવે તો એનો દંડ કરવામાં કોઈ કચાશ રાખવાની નહીં. જરૂર પડે તો મૃત્યુદંડ કરવામાં પણ એને વિચાર ન આવે.
કોઈને પણ દેહાંતદંડ આપવાનો પ્રસંગ આવતો ત્યારે યમપાશ નામનો રાજાનો એક માનીતો અનુચર હતો. રાજા એને જ આદેશ કરતા અને એ પણ રાજાના આદેશનું પાલન કરી દેતો, પણ એક વાત તો સાચી જ છે કે તમે બીજાની સાથે જેવો વહેવાર કરો પ્રકૃતિ તમારી સાથે પણ એવો જ વહેવાર કરવાની.
યમપાશના શરીરમાં ભયંકર દાહનો રોગ થયો. જાણે કે એને અગ્નિમાં નાંખ્યો હોય એવી વેદના થાય. અસહ્ય વેદનાના કારણે એને ક્યાંય ચેન પડે નહીં. રાજાની આજ્ઞા હોય ત્યારે એનું કામ પતાવી દે, પણ એ સિવાયના સમયમાં કાં તો જંગલમાં ભટકતો હોય કે પછી નદી-તળાવ વગેરેમાં પાણીમાં રહીને શીતળતા મેળવવાના પ્રયાસ કરતો રહે. આ રીતે ભલે શીતળતા થોડીઘણી મળ્યા કરે, પણ આ કંઈ પરમેનન્ટ સોલ્યુશન તો ન જ કહેવાયને! પણ એવો કોઈ ઉપચાર એને મળતો નથી.
એક વાર એ જંગલમાં ફરતો હતો તે સમયે એક વૃક્ષના ઓછાયામાં એક મહાત્માને જોયા. એ તો એમની પાસે જઈને બેસી ગયો. મહાત્માએ એને ઉપદેશ આપ્યો. `આ સંસારમાં દરેક પ્રાણી પોતાનાં કર્મો લઈને આવતું હોય છે. ગયા ભવમાં કરેલાં કર્મોનું ફળ આપણને આ ભવમાં ઉદયમાં આવતું હોય છે. ક્યારેક આ ભવનાં કર્મો પણ ઉદયમાં આવી શકે છે અને ક્યારેક એવું પણ બની શકે કે પાંચ-પચ્ચીસ ભવ પહેલાંનાં પણ કર્મો ઉદયમાં આવી શકે છે. આપણે એ કર્મોની પરિસ્થિતિ જાણી શકતા નથી, પણ આપણે એની અનુભૂતિ કરી શકીએ. સામાન્ય રીતે જીવન જીવતા હોય એમાં કંઈ પણ ફેરફારના અણસાર આવે ત્યારે માનવું પડે કે આમાં કંઈ વિશેષ કારણ હોવું જોઈએ. એ જ રીતે સામાન્ય જીવન જિવાતું હોય એમાં પણ કારણ તરીકે કર્મ તો હોય જ. આ બધાં અલગ કર્મો હોય છે. આના શાસ્ત્રને કર્મગ્રંથ કહેવાય છે. એનો વિશદ્ અભ્યાસ કરવાવાળાને એ સમજાય કે અત્યારે મારી આવી પરિસ્થિતિ છે તો એમાં કારણ શું હોઈ શકે? ટૂંકમાં, જેવાં કર્મો આપણે કરીએ એવું ફળ ભોગવવા માટેની આપણે તૈયારી રાખવી જ પડે.
મહાત્માની વાત એણે સાંભળી. એને શાંતિ અને શીતળતાનો અનુભવ થયો. મહાત્માને ભાવપૂર્વક વંદન કર્યાં. ઊભો થવાનો વિચાર કરતો હતો ત્યારે અચાનક એનું ધ્યાન પોતાના શરીરમાં થઈ રહેલા દાહ તરફ ગયું, પણ આશ્ચર્ય કે રોજ અંદરથી જે દાહનો અનુભવ એ કરતો હતો એમાંનું આજે કશું અનુભવાતું નથી. મહાત્માએ જેટલો સમય પોતાને સમજાવવા વચનો બોલ્યાં એટલા સમય દાહનો કોઈ અનુભવ થયો નહીં. અરે, અત્યારે પણ બળતરા ક્યાં થાય છે? ખરેખર આ બધો આ મહાત્માનો જ પ્રભાવ મને તો લાગે છે. એણે મહાત્માની સામે નજર કરી. એમની શાંત, સૌમ્ય પ્રસન્ન મુદ્રા-એમની આંખોમાંથી વહેતા કરુણાભાવને એ તો જોતો જ રહ્યો.
પોતાના માટે સાચા પથદર્શકના રૂપના એમનામાં દર્શન થયાં. એણે મહાત્માને પોતાની વાત કરી. આપનાં દર્શનથી મારા શરીરનો દાહ શાંત થયો. ઉપચારો તો અત્યાર સુધી ઘણા કરેલા પણ આજ સુધી કોઈ ફરક જણાયો નહોતો, પણ આજે આપનાં દર્શન અને વચન શ્રવણે મને શાતા બક્ષી છે. આટલી વાત કરીને એણે પોતાના વ્યવસાયની પણ વાત કરી. ઘણા જીવોનો મેં ઘાત કર્યો છે. એટલા માટે જ તો મારું યમપાશ નામ પડી ગયું છે.
મુનિ મહાત્માએ શાંતિથી એની વાત સાંભળી. શાંતિથી એનું નિરીક્ષણ કર્યું. યમપાશ પણ પોતાના પૂર્વજીવનનું વિહંગાવલોકન કરતો હોય એમ આકાશ સામે જોઈ રહ્યો છે. હળવે રહીને મહાત્માએ બોલવાનું શરૂ કર્યું. ધીરગંભીર વાણી વહાવી, `ભાગ્યશાળી! કરેલાં કર્મ ભોગવ્યા સિવાય કોઈનો પણ છૂટકો થતો નથી. એ કર્મ આજે ઉદયમાં આવે કે કાલે, પણ ઉદયમાં તો અવશ્ય આવવાનાં જ. ક્યારેક આ ભવમાં પણ ઉદયમાં આવે ક્યારેક ભવાંતરમાં ઉદયમાં આવે એવું પણ બને. બંધાઈ રહેલા કર્મના સમયે એનો સમય પણ નિયત બનતો હોય છે, પણ આપણને આની કોઈ ખબર પડતી નથી.
અન્ય જીવોને પીડા આપીને પરલોકમાં પહોંચાડવાની તારી પ્રવૃત્તિ આ જ ભવમાં ઉદયમાં આવી અને એના કારણે તારા દેહમાં દાહ ઉત્પન્ન થયો. મુનિનાં દર્શનથી તારો દાહ શાંત થયો એવું જો તને લાગતું હોય તો હવે જીવોને અશાતા આપવાની પ્રવૃત્તિ બંધ કરીને શાતા આપવાની પ્રવૃત્તિ ચાલુ કરવી જોઈએ. તને આ વાત યોગ્ય લાગે છે. મહાત્મા સારા કાર્ય માટે પણ આદેશ ન આપે, કારણ કે આદેશનું પાલન સામેનો માણસ ન કરી શકે તો એને દોષ લાગે. આપણાથી સામેના માણસને દોષમાં કેમ પડાય?
યમપાશ કહે છે, મહાત્મા! આપની વાત તો સાચી છે, પણ રાજાના આદેશનું પાલન મારે તો કરવું પડેને! પાપના વ્યાપારનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુરુદેવે સાચી વાત કરી. અન્યથા તો આ કર્મબંધ તમારા ચાલુ રહેવાના અને ભવિષ્ય અંધકારમય જ બનવાનું. આપની વાત મારા અંતરમાં ઊતરે છે. આ વ્યાપારનો ત્યાગ કરવાનો હું પ્રયત્ન કરીશ. તમારા પ્રયત્નમાં તમે સફળ બનો, ગુરુદેવે આશિષ આપી.
યમપાશ ગુરુદેવને પ્રણામ કરીને પોતાના ઘર તરફ વળ્યો. માર્ગમાં ગુરુદેવનાં વચનોના જ વિચાર ચાલે છે. એમની વાત સાચી છે. આવી હિંસા કરવાનું મારે બંધ કરવું જોઈએ. એ પોતાના ઘરે ગયો. પરિવારજનોને બધી વાત કરી. મારી બળતરા હવે ભૂતકાળ બની ગઈ છે. મને મટી ગયું. પહેલાં તો કેવી બળતરા થતી હતી, પણ અત્યારે મને કોઈ તકલીફ નથી થઈ રહી.
બધા આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યા છે. શું વાત છે? અહીંથી ગયા ત્યારે એમનો ચહેરો પણ કેવો હતો ને અત્યારે એમની પ્રફુલ્લિતતા કેવી છે? આ ચમત્કાર બન્યો કેવી રીતે? એણે બનેલી ઘટના દોહરાવી. ઉદ્યાનમાં મહાત્મા મળ્યા એમની પાસે ગયો એમની વાણીની શીતળતાએ મારાં અંગોમાં શીતળતા લાવી આપી. બીજા કોઈ ચમત્કારની મને સમજ નથી.
ચાલો, આપણે એ મહાત્માનાં દર્શન કરીએ. જેમણે તમારા દાહને શાંત કર્યો. બધા મહાત્માને વંદન કરવા ગયા. પરિવારને પણ એ જ વાત કરી આપણે કોઈને જીવન આપી શકતા નથી તો એનો જીવ લેવાનો આપણને શું અધિકાર? અને છતાં તમે એવાં હિંસાનાં કામો કરો એનાથી કેટલાં બધાં કર્મબંધ થાય એનો વિચાર કરવો જોઈએને! પરિવારજનોએ મહાત્માની વાતનો સ્વીકાર કર્યો. એમણે બધાએ એક અવાજે મહાત્માની વાતને સ્વીકારી કે હવે પછી અમે કોઈ પણ જીવની હિંસા કરીશું નહીં.
એક દિવસ અલગ જ વાત બની. એક માણસે રાજ્યનો કોઈ મોટો ગુનો કરેલો. એણે નગરના કોઈ શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરેલી એવી સિફતથી કે ચોરી કરેલી પકડાય પણ નહીં. એને પકડવા માટે પણ ઘણી મહેનત કરવી પડેલી. આવી ઘટના વારંવાર ન થાય અને પ્રજાજનોમાં પણ ધાક તો બેસાડવી જ પડે એટલા માટે માથે મુંડન કરીને મોઢા ઉપર મેશ ચોપડીને આખા નગરમાં ફેરવ્યો. પાછી જાહેરાત પણ થાય કે આ મહાનુભાવે આપણા નગરમાં આવું મોટું દુષ્કૃત્ય કર્યું છે એટલા માટે આ ભાઈને આ રીતે આખા નગરમાં ફેરવાય છે. હવે પછી ધ્યાનમાં લેવાય કે આવી કોઈ પણ ઘટના આપણા નગરમાં બનશે તો એને આ જ રીતે આખા નગરમાં ફેરવવામાં આવશે અને પછી એનો શિરચ્છેદ કરવામાં આવશે. દુષ્ટને દંડ અને સજ્જનોની સેવા કરવામાં રાજા જરા પણ અચકાશે નહીં.
હવે આ માણસનો શિરચ્છેદ કરાવવાનો છે. બોલાવો યમપાશને. યમપાશને રાજસભામાં બોલાવીને કહે છે, પેલા ચોરને શિરચ્છેદ કરવાનો છે, તો સમયસર કામ પતાવી દેજે.
યમપાશ હાથ જોડી ઊભો છે, એ કોઈ જવાબ આપી શકતો નથી. મારે મહારાજાને કેવી રીતે જવાબ આપવો?
યમપાશને મૌન ઊભેલો જોઈને રાજા કહી રહ્યા છે કેમ કંઈ બોલતો નથી?
મહારાજા મને માફ કરજો, પણ મેં હવે હિંસા કરવાનું બંધ કરી દીધું છે. વાત સાંભળીને રાજા તો આભો જ બની ગયો. અત્યાર સુધી આવી કોઈ વાત ન હતી. આ એનો કુળથી આવેલો વ્યવસાય છે ને આ કહે છે મેં હિંસાનાં કામો કરવાના બંધ કરી દીધાં છે.
રાજાને વિચારમાં જોયા પછી યમપાશે ફરીને કહ્યું, હા, મહારાજ મેં હિંસાનો ત્યાગ કર્યો છે અને એની પાછળનું જીવંત કારણ છે.
એવું શું છે કે જેણે તારા જન્મ ક્રમાગત એવા વ્યવસાયનો ત્યાગ કરવા સુધી તને આગળ વધાર્યો.
હા, મહારાજ એવી એક ઘટના બની જેના કારણે મને હિંસાના ત્યાગની પ્રેરણા મળી. આટલું કહીને એણે પોતાના દર્દની અને મુનિનાં દર્શનની વાતો યથાસ્થિતિ સંભળાવી દીધી.
સાંભળીને રાજા પણ પ્રભાવિત થયો. એણે પણ નક્કી કરી લીધું હવે પછી દંડ પણ કરવાનો હશે તો એમાં પ્રાણાંત શિક્ષા તો ક્યારેય કરીશ નહીં. આપણે પણ આપણા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ જીવ નાનો હોય કે મોટો પણ દેહાંતદંડ તો ક્યારેય હું કરીશ નહીં. આપણે સુખી થવા માટે બીજાને પહેલાં સુખી કરવા જોઈએ.