મયિ આસક્તમના: પાર્થ યોગમ યુંજન મદાશ્રય : II
અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસિ તત શૃણુ II 7/1 II
અર્થ : હે પાર્થ, મારામાં મન પરોવી મારો આશ્રય લઈ કર્મયોગ આચરતાં જે પ્રકારે તને મારું શંકારહિત સંપૂર્ણ જ્ઞાન થશે તે તું સાંભળ.
આપણે ઘણા લોકોને કાયમ એવી ફરિયાદ કરતા સાંભળીએ છીએ કે અમારે ભક્તિ કરવી છે, પ્રભુનું ધ્યાન કરવું છે, પણ ધ્યાન લાગતું નથી. પ્રભુમાં ચિત્ત ચોંટતું નથી. અહીં ભગવાને આ અધ્યાયની શરૂઆતમાં જ કહ્યું છે કે હે અર્જુન, તારે મારામાં મન પરોવવાનું છે, મારો આશ્રય લેવાનો છે. પ્રભુમાં મન પરોવીએ તો જ ભક્તિ થાય, જ્ઞાન થાય, એક પ્રકારની પરમ શાંતિનો અનુભવ પણ થાય, પરંતુ આપણે સૌ જાણીએ છીએ, અનુભવીએ છીએ કે જ્યારે જે રીતે ધ્યાન કરવું હોય તે રીતે આપણે કરી શકતા નથી અને ખરું પૂછો તો ધ્યાન કે ચિત્તને એકાગ્ર કરવું ખૂબ જ કઠિન છે. સ્કૂલમાં કે કૉલેજમાં શિક્ષક કે પ્રાધ્યાપક આપણને જેટલી લગન અને ધૂનથી કોઈ વિષયમાં ઊંડા ઊતરીને સમજાવે છે તેટલી લગન તે સમજવા માટે આપણામાં હોય છે ખરી? આપણે તો એ વખતે માનસિક રીતે તો બીજે ક્યાંક ફરવા જતા રહ્યા હોઈએ છીએ. આપણે તે ટાળવું જોઇએ. જો તમે ધ્યાનથી કથા અથવા શિક્ષણ કે અન્ય કોઇ પણ પ્રવચન સાંભળશો તો તે તમને સારી રીતે સમજાઇ જશે, પણ જો તમે બેધ્યાન થઇને ગમે એવું સુંદર ઉત્તમ પ્રવચન સાંભળો તો પણ એનો કશો અર્થ સરતો નથી. અહીં ભગવાને કહ્યું છે કે જો તું મારામાં મન પરોવી મને અાશ્રિત થઇ કર્મયોગનું આચરણ કરશે તો તને શંકાથી પર એવું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત અવશ્ય થશે. આપણે સૌએ જેની પાસેથી કંઇ જ્ઞાન કે બોધ લેવો છે તેના માટે તેમાં મન પરોવવાનું રાખીએ અને એકાગ્ર થઇએ.
જ્ઞાનં તે અહં સ વિજ્ઞાનં ઇદમ વક્ષ્યામિ અશેષત:II
યત જ્ઞાત્વા ન ઇહ: ભૂય: અન્યત જ્ઞાતવ્યં અવશિષ્યતે II 7/2II
અર્થ : અનુભવયુક્ત આ જ્ઞાન હું સંપૂર્ણ તને કહીશ, જે જાણ્યા પછી આ લોકમાં ફરી બીજું કશું જાણવાનું રહેતું નથી.
ભગવાન અર્જુનને કહે છે કે હું તને મારું અનુભવયુક્ત જ્ઞાન આપું છું અને અનુભવયુક્ત જ્ઞાન ભગવાન પાસેથી મળે તો સ્વાભાવિક જ છે કે તે પછી બીજું વધારે કંઈ જાણવાનું રહે નહીં. અહીં મુખ્ય બાબત અનુભવયુક્ત જ્ઞાનની જ છે. આપણે જીવનમાં આપણા વડીલો કે સન્માનનીય વ્યક્તિઓ કે જેમની પાસે અનુભવનું વિશાળ ભાથું છે તેમની પાસે બેસીને મુલાકાત કરી તે જ્ઞાન સાંભળવું જોઇએ. આપણે જે ધ્યેય કે લક્ષ્યાંક નિયત કરેલાં છે કે વિચારેલાં હોય તે સંબંધમાં આવા અનુભવીઓનો પરામર્શ કરવાની ટેવ પાડીએ તો તે આપણને ખૂબ જ સહાયરૂપ બની શકે છે. આપણે કોઇ નવું કામ શરૂ કરવું હોય કે નવા ક્ષેત્રમાં પદાર્પણ કરવું હોય તો તેમાં આવનારા પ્રશ્નો, સમસ્યાઓ વગેરેથી તેના જે જાણકાર અનુભવી વ્યક્તિઓ હોય તેમનો પરામર્શ કરીએ તો આપણે ધારેલું ધ્યેય સરળતાથી હાંસલ કરી શકીએ છીએ એમાં બેમત છે જ નહીં. સાદું જ્ઞાન અને અનુભવયુક્ત જ્ઞાન બંનેમાં ફેર છે. વિજ્ઞાનનો કોઇ પ્રયોગ કરવાની રીત તમે વાંચી જાઓ તો એ સાદું જ્ઞાન છે, પણ જો તે રીત મુજબ તમે પ્રત્યક્ષ પ્રયોગ કરી અનુભવ લો તો એને અનુભવયુક્ત જ્ઞાન કહેવાય. આમ, અનુભવયુક્ત જ્ઞાન ખૂબ જ મહત્ત્વનું છે અને તે લાંબો સમય યાદ પણ રહી જાય છે, તેને ગોખવાની જરૂર હોતી નથી.