- પતિના પ્રાણ પાછા મેળવવા સાવિત્રી યમરાજની પાછળ પાછળ ચાલી. યમરાજે એને પાછી વળવા ખૂબ સમજાવી, પણ તે પાછી વળી નહીં
વટસાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું અને અખંડ સૌભાગ્ય રાખનારું છે. ભારતના પ્રાચીન ઇતિહાસમાં અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી, અનસૂયા અને સાવિત્રી આ સાતેય મહાસતીઓનાં જીવનવૃત્તાંત આજના દાંપત્યજીવનને મહાન આદર્શ પૂરાં પાડે છે. પતિ સત્યવાનને યમરાજા પાસેથી મુક્તિ અપાવીને જીવતદાન અપાવનાર સાવિત્રીની યાદ વટસાવિત્રીના વ્રતથી આજેય તાજી થાય છે. આજે આ વટસાવિત્રીનું વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક બની ગયું છે.
કેટલાંક સ્થળે વૈશાખ વદ અમાસે તો કેટલાંક ઠેકાણે જેઠ સુદ પૂર્ણિમા કે અમાસના દિવસ સુધી પણ આ વ્રત કરવામાં છે. ત્રણ દિવસ ઉપવાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ સ્નાન ઇત્યાદિ કર્મ પતાવીને વડની પૂજા કરવા જાય છે. વડનું ષોડ્શોપચાર પૂજન કરવામાં આવે છે. વડમાં ત્રિદેવનો વાસ છે. આખાયે વડના વૃક્ષને સાવિત્રી એટલે કે મા સરસ્વતીનો નિવાસ માનવામાં આવે છે. જ્યાં સ્ત્રીઓ નમઃ વટાય, નમઃ સાવિત્ર્ય તેમજ નમઃ વૈવસ્વતાય જેવા પંડિતો દ્વારા મંત્રો બોલીને વડ, સાવિત્રી અને યમરાજાની ભક્તિભાવથી પૂજા કરાય છે તથા સાવિત્રી અને સત્યવાનની કથાનું સ્મરણ કરવામાં આવે છે. ત્યારબાદ વડને સૂતર વીંટીને એટલે કે જનોઈ પહેરાવીને પ્રદક્ષિણા કરવામાં આવે છે. વ્રત દરમિયાન સ્ત્રીઓ પવિત્ર નદીઓ કે જળાશયોમાં સ્નાન કરે છે. પૂનમના દિવસે સાંજે ચંદ્રદર્શન કરીને પારણાં કરવામાં આવે છે. આ વટસાવિત્રીના વ્રતની કથા મહાભારત, સ્કંદપુરાણ અને ભવિષ્યપુરાણમાં જોવા મળે છે.
મદ્ર દેશના ઋષિ જેવા ધર્માત્મા-તત્ત્વજ્ઞાની છતાં નિઃસંતાન એવા રાજા અશ્વપતિએ પુત્રપ્રાપ્તિ માટે તપશ્ચર્યાપૂર્વક બ્રહ્માજીની પત્ની સાવિત્રીની આરાધના કરી, પરંતુ દેવી સાવિત્રીને તો સિદ્ધ કરવું હતું કે કુળ ધર્મની રક્ષા કરવા માટે તો પુત્રની જેમ પુત્રી પણ સમર્થ હોય છે, તેથી પુત્ર માગનાર રાજાને કન્યારત્નની પ્રાપ્તિ થઇ. દેવી સાવિત્રીની કૃપાથી જન્મેલી એ કન્યાનું નામ પણ સાવિત્રી રખાયું.
સાવિત્રી સંસ્કારી-સ્વતંત્ર વાતાવરણમાં ઉછરી. એનામાં ગુણ-સૌંદર્યથી છલકાતું યૌવન પ્રગટ્યું. એની તેજસ્વિતા, સુંદરતા, બુદ્ધિમત્તા અને નિર્ભય સ્વતંત્રતાથી ભરેલા એના ગુણિયલ વ્યક્તિત્વના પ્રભાવ આગળ ભલભલા રાજકુમારો પણ એનું માગું કરવાની હિંમત કરી શક્યા નહીં. છેવટે પોતાને અનુરૂપ વર શોધી લાવવાની પિતાએ જ એને અનુમતિ આપી. કન્યા જાતે વર શોધે એ કાર્ય પણ ધર્મસંમત છે, પિતાના એવા વચનમાં પ્રાચીનકાળની આપણી સ્ત્રી સ્વાતંત્ર્યની ઉદાત્ત ભાવનાનો ધબકાર સંભળાય છે. વૃદ્ધ મંત્રીને સાથે લઈ સાવિત્રીએ નગર-નગર, દેશ-દેશમાં ફરી ફરીને પોતાને લાયક એવા વરની શોધ કરીને તે ઘેર પાછી ફરી. પિતાને જણાવ્યું: `શાલ્વ દેશના રાજ્યભ્રષ્ટ થઇ વનવાસી બનેલા અંધ રાજા ઘુમત્સેનનો સંસ્કારી અને સત્યવાદી પુત્ર સત્યવાન જ મારા માટે લાયક હોઈ એને હું મનથી વરી ચૂકી છું. એ રૂપાળો છે, ગુણિયલ છે અને સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ છે. સમુદ્રની જેમ તે ગુણરત્નોનો ભંડાર છે.’
ત્યાં ઉપસ્થિત નારદજીએ તો ભવિષ્યવાણી ભાખતાં જણાવ્યું કે સત્યવાન સત્યનિષ્ઠ, બુદ્ધિમાન અને પિતૃભક્ત છે, પરંતુ એનું આયુષ્ય હવે માત્ર એક જ વર્ષનું બાકી રહ્યું છે ત્યારે આવો જમાઈ કોણ પસંદ કરે? પરંતુ રાજકન્યા સાવિત્રીએ તો પોતાના નિશ્ચયમાં અડગ રહી કહી નાખ્યું: `જેને એક વાર હું વરી ચૂકી છું, પછી એ દીર્ઘાયુ હોય કે અલ્પાયુ, સગુણ હોય કે નિર્ગુણ, એને જ વરીશ, હવે બીજાને નહીં વરું.’ નારદજી અને પિતાએ આ નિર્ણય વધાવી લીધો. સત્યવાન અને સાવિત્રીના વિવાહ સંપન્ન થયા. રાજમહેલમાંથી વનવાસી બનેલી સાવિત્રી સેવા-સદાચારનો આચા2ધર્મ અપનાવીને પતિ-સાસુ-સસરા વગેરેની સેવા કરવા લાગી. મહિનાઓ વીત્યા. નારદની ભવિષ્યવાણી પ્રમાણે એક વર્ષ પૂર્ણ થવામાં કેવળ ચાર જ દિવસ બાકી રહ્યા. પતિવ્રતા સાવિત્રીએ આહાર અને નિદ્રાનો ત્યાગ કરીને ઊભા રહેવાનું ત્રણ દિવસનું વ્રત આરંભ્યું. ચોથા દિવસે સત્યવાન કુહાડી લઈ યજ્ઞ માટેનાં લાકડાં કાપી લાવવા જંગલ ભણી નીકળ્યો. હઠ પકડીને, સાસુ-સસરાની રજા લઇ સાવિત્રી પણ સાથે ચાલી. લાકડાં કાપતાં સત્યવાન થાકી ગયો, સૂવાની ઇચ્છા કરી. સાવિત્રીએ વડ નીચે બેસી સત્યવાનનું માથું ખોળામાં રાખ્યું. સાવિત્રીને પ્રલયકાળ આવી પહોંચ્યાના ભણકારા થવા લાગ્યા.
એટલામાં તો યમરાજે આવીને પોતાના પાશથી સત્યવાનના શરીરમાંથી પ્રાણ ખેંચી લીધા. તે લઈ યમરાજે યમલોક તરફ પ્રયાણ કર્યું. પ્રાણ પાછા મેળવવા સાવિત્રી યમરાજની પાછળ પાછળ ચાલી. યમરાજે એને પાછી વળવા ખૂબ સમજાવી, પણ તે પાછી વળી નહીં. પતિને જીવિત કરવા તેણે તાર્કિક અને આધ્યાત્મિક દલીલો કરી. સાવિત્રીની મક્કમતા જોઇને અંતે યમરાજ પ્રસન્ન થયા.
સાવિત્રીએ એક પછી એક ચાર વરદાનો યમરાજ પાસેથી મેળવી લીધાં. (1) પોતાના અંધ સસરાને દૃષ્ટિ મળે, (2) રાજ્યભ્રષ્ટ થયેલા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે. (3) પૃથ્વીપતિ પિતાને પુત્રોની પ્રાપ્તિ થાય અને (4) પુત્રપ્રાપ્તિ માટે પતિ સત્યવાન જીવિત થાય. સાવિત્રીની ધીરતા અને મક્કમતાથી પ્રસન્ન થયેલા યમરાજને આ ચારેય વરદાન આપવાં પડ્યાં. વચનબદ્ધ યમરાજને ચારેય વરદાન આપવાં પડ્યાં. સાવિત્રીના પતિવ્રતાપણા સામે મૃત્યુના દેવ યમ પણ હારી ગયા. તેમણે સત્યવાનને નવજીવન આપી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા. આમ, આ વટસાવિત્રી વ્રત કરવાથી અને તેની પુણ્યકથા સાંભળવાથી પતિભક્તિ રાખતી મહિલાઓના સંપૂર્ણ મનોરથ પરિપૂર્ણ થાય છે.
પૂજનવિધિ
શાસ્ત્રો અનુસાર વટસાવિત્રીના વ્રતનું પાલન ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે. આ વ્રત જેઠ સુદ ત્રયાદશીના દિવસથી શરૂ થઈને અમાસ સુધી ચાલે છે. આ વ્રતમાં ત્રણ દિવસ સુધી ઉપવાસ રાખવામાં આવે છે, પરંતુ શક્તિ ન હોય કે ત્રણ દિવસ ઉપવાસ કરવા માટે અસમર્થ હોવ તો પહેલા બે દિવસ એક સમય ભોજન કરી શકો છો અને અમાસના દિવસે ઉપવાસ રાખીને જેઠ સુદ એકમના દિવસે વ્રત પૂર્ણ કરી શકાય છે. પૂનમના દિવસે વ્રત રાખનારી સ્ત્રીઓએ પણ આ પ્રમાણે જ ત્રણ દિવસ સુધી વ્રતનું પાલન કરવું જોઈએ.
વ્રતના પહેલા દિવસે ત્રયોદશીની વહેલી સવારે વ્રત રાખનારી સ્ત્રીઓએ નિત્યકર્મ કરીને તીર્થમાં સ્નાન કરવું જોઈએ. સ્નાનના જળમાં તલ અને આંબળાંનું ચૂરણ પણ ભેળવી શકાય.
ત્યારબાદ કોઈ વડના વૃક્ષના જળમાં બાકી રહેલું જળ ચઢાવવું જોઈએ. આપેલા મંત્રથી સંકલ્પ લઈને વ્રતની શરૂઆત કરવી જોઈએ
વૈધવ્યાદિસકલ દોષપરિહાર્થ
બ્રહ્મસાવિત્રી પ્રીત્યર્થ
સત્યવત્સાવિત્રીપ્રીત્યર્થ ચ
ટસાવિત્રીવ્રતમહં કરિષ્યે
સાવિત્રી અને સત્યવાનની ધાતુ અથવા માટીની પ્રતિમા બનાવો. આ મૂર્તિઓની વિધિપૂર્વક જાતે અથવા બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવો. પૂજામાં હળદર, ગંધ, અક્ષત, ફૂલ, સોપારી, કંકુ અને સિંદૂર ચઢાવો.
અમાસના દિવસે વાંસમાંથી બનાવેલા પાત્રમાં સાત પ્રકારનાં અનાજ ભરીને કપડાંથી ઢાંકી દો. બીજા પાત્રમાં બ્રહ્મા અને સાવિત્રીની પ્રતિમા અને ધાતુ અથવા માટીની સત્યવાન સાવિત્રીની મૂર્તિ રાખવામાં આવે છે. આની વિધિપૂર્વક પૂજા કરીને સાવિત્રીને અર્ધ્ય આપો. પૂજામાં સૌભાગ્યની વસ્તુઓ ચૂડો (બંગડી), ચાંલ્લો, સિંદૂર, દર્પણ,સાડી,મેંદી, કાજળ, વસ્ત્ર અને આભૂષણ જેવી વસ્તુઓ પણ રાખી શકાય.
પૂજા પૂર્ણ થાય પછી વડવૃક્ષની 108 વખત પરિક્રમા કરો. અસમર્થતા હોય તો પણ સાત વાર પરિક્રમા કરી શકાય અને પરિક્રમા કરો તેટલા જ સૂતરના આંટા વૃક્ષની ચારેબાજુ લપેટો. સૂત્ર લપેટતી વખતે આ મંત્રનો પાઠ કરો.
જગપૂજ્યે જગન્માતઃ સાવિત્રી પતિદેવતે ।
પત્યા સહાવિયોગ મેં વટસ્થે કુરુતે મમ ॥
છેલ્લે હાથમાં ફૂલ અને ચોખા લઈને વટસાવિત્રીની કથા સાંભળો. પૂજાવિધિ પત્યા પછી બ્રાહ્મણોને વ્રત તથા ફળ વગેરે વસ્તુઓનું દાન કરો.
વડની પૂજા શા માટે કરાય છે?
હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસની અમાસ અને પૂર્ણિમાના દિવસે આ વ્રત રાખી શકાય છે. આ દિવસે ખાસ સ્ત્રીઓ દ્વારા વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. વડના વૃક્ષની પૂજા સાથે કેટલીક ધાર્મિક, વૈજ્ઞાનિક અને વ્યવહારિક બાબતો પણ સંકળાયેલી છે. વડ વૃક્ષના મૂળમાં બ્રહ્મદેવ, મધ્ય ભાગમાં ભગવાન વિષ્ણુ અને પાન તથા ડાળીઓમાં શિવનો વાસ છે અને આખા વૃક્ષને સાવિત્રી એટલે કે સરસ્વતીનો નિવાસ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે વડવૃક્ષની પૂજા લાંબું આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય આપવાની સાથે દરેક પ્રકારના કલહ-કંકાસ અને સંતાપને દૂર કરે છે.
આ વ્રતની વૈજ્ઞાનિક અને વ્યવહારિક બાબતો પર ધ્યાન આપીએ તો આ વ્રતની સાર્થકતા ખરા અર્થમાં સમજી શકાય એમ છે. આ વૃક્ષ પર અનેક જીવો અને પક્ષીઓનું જીવન નિર્ભર રહે છે. આ વૃક્ષની હવા શુદ્ધ કરવામાં અને મનુષ્યની જરૂરિયાત પૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા છે. પહેલાંના સમયમાં મનુષ્ય ઇંધણ અને પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે લાકડાં પર નિર્ભર રહેતો હતો, પરંતુ વરસાદની મોસમમાં વૃક્ષ એટલે કે ઝાડના ફૂલવા-ફાલવા માટેનો સારો સમય છે. સાથે સાથે અનેક પ્રકારનાં ઝેરીલા જીવજંતુ પણ જંગલમાં ફરતાં હોય છે. આથી માનવજીવનની રક્ષા અને વર્ષાઋતુમાં વૃક્ષોની કાપણીથી બચાવવા માટે આવાં વ્રત-વિધાનને ધર્મની સાથે જોડવામાં આવ્યાં. જેથી વૃક્ષ પણ સારી રીતે ફૂલે-ફાલે અને તેની સાથે જોડાયેલી જરૂરિયાતો પણ વધારે સમય સુધી પૂરી થતી રહે.