– સરકારી બેન્કો ડોલર વેચવા નિકળતાં રૂપિયામાં ઘટાડો ધીમો પડયો
– કરન્સીને બચાવવા સેન્ટ્રલ બેન્કો હવે બોન્ડ વેચાણ વધારશે
Updated: Oct 17th, 2023
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ વધતાં રૂપિયો ક્લોઝીંગ ભાવના સંદર્ભમાં નવા નીચા તળિયે ઓલ ટાઈમ-લો જોવા મળ્યો હતો. ડોલરના ભાવ રૂ.૮૩.૨૭ વાળા આજે સવારે રૂ.૮૩.૨૫ ખુલી નીચામાં ભાવ રૂ.૮૩.૨૪ થયા પછી ઉંચામાં ભાવ રૂ.૮૩.૨૯ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૨૮ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયાના ભાવ પર નેગેટીવ અસર જોવા મળી હતી. આ પૂર્વે ૧૮મી સપ્ટેમ્બરે રૂપિયાાં તળિયાનો ક્લોઝીંગ ભાવ રૂ.૮૩.૨૬૭૫ નોંધાયો હતો અને આજે બજારમાં નવું તળિયું ક્લોઝીંગ ભાવમાં જોવા મળ્યું હતું. દરમિયાન, કરન્સી બજારના જાણકારોના જણાવ્યા મુજબ આજે અમુક સરકારી બેન્કો આરબીઆઈની કહેવાતી સુચનાથી બજારમાં ડોલર વેંચી રહી હતી અને તેના પગલે રૂપિયામાં ઘટાડો ધીમો રહ્યો હતો.
દરમિયાન, ડોલરના ભાવ ઉંચામાં રૂ.૮૩.૩૦ થશે તો સરકારી બેન્કોની ડોલરમાં વેચવાલી વધવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. જોકે ઈઝરાયલ તથા પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ વધુ વકરે તતથા ક્રૂડતેલના ભાવ વધુ ઉછળશે તો ડોલર સામે રૂપિયો વધુ ગબડી રૂ.૮૩.૪૦ સુધી જવાની શક્યતા પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. રિઝર્વ બેન્ક પાસે ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો નોંધાતા તથા શેરબજારમાં પીછેહટ થતાં તેની અસર પણ આજે કરન્સી બજારમાં રૂપિયાના ભાવ પર જોેવા મળી હતી.
જો કે વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ સ્ન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૨૧ ટકા ઘટયો હતો. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૬.૪૧ થઈ ૧૦૬.૪૩ રહ્યો હતો. રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૨૨ પૈસા ઘટયા હતા. પાઉન્ડના ભાવ નીચામાં રૂ.૧૦૧.૧૪ થઈ રૂ.૧૦૧.૨૯ રહ્યા હતા. જોકે રૂપિયા સામે યુરોપીયન કરન્સી યુરોના ભાવ આજે ૧૨ પૈસા વધ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૮૭.૮૦ થઈ રૂ.૮૭.૭૮ રહ્યા હતા.
દરમિયાન, રૂપિયા સામે જાપાનની કરન્સી ૦.૧૧ ટકા ઉંચકાઈ હતી જ્યારે ચીનની કરન્સી ૦.૨૨ ટકા ઘટયાના નિર્દેશો હતા. ડોલર સામે રૂપિયાને તૂટતો અટકાવવા તથા સાથે ફોરેક્સ રિઝ્રવ જાળવી રાખવા રિઝર્વ બેન્ક દ્વારા બોન્ડનું વેંચાણ વધારી કરન્સીને પીઠબળ આપવાની બિનપરંપરાગત નીતિ પણ કદાચ અપનાવવામાં આવશે એવા શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.ભારત, ચીન તથા ઈન્ડોનેશિયાની સેન્ટ્રલ બેન્કો આ દિશામાં વિચારણા કરી રહ્યાની ચર્ચા કરન્સી બજારમાં સંભળાઈ રહી હતી.