- ગુરુનું મુખ ગોમુખ છે. ત્યાંથી ગંગા પ્રગટ થાય છે. ગુરુની વાણી ગંગા છે. જે ગુરુની બાનીમાં હોય છે એવી પવિત્રતા બીજે ક્યાં હોય છે?
ગંગાના અવતરણ વિશે ઘણીબધી કથાઓ મળે છે. એક કથા એવી છે કે શંકરની જટાથી મુક્ત થયા બાદ ગંગા આગળ વધી; વચ્ચે એક મહાપુરુષ, મુનિશ્રેષ્ઠ, એક ધ્યાની મહાપુરુષ જહનુ ઋષિ ધ્યાનમાં મગ્ન હતા.
ગંગાના ખૂબ જ પ્રભાવિત પ્રવાહે એના ધ્યાનમાં અવરોધ ઊભો કર્યો. ધ્યાનભંગ થયું. એમણે જોયું કે આ શું છે? કહે છે કે એ મહાત્મા ગંગાને પી ગયા! ગંગા ત્યાં અટકી ગઈ. જુઓ, શુભ વસ્તુ નીચેથી ઉપર જાય તો પણ ઘણી બાધાઓ આવે છે અને પરમ પાવની ઘટના ઉપરથી નીચે ઊતરે તો પણ આખરી વ્યક્તિ સુધી પહોંચે ત્યાં સુધી ઘણી બાધાઓનો સામનો કરવો પડે છે. ભગીરથે બહુ જ પ્રાર્થના કરી પછી કૃપા કરીને જહનુ ઋષિએ ગંગાને પુન:મુક્ત કરી.
ભગવાન રામે પણ જનકપુર જતાં જતાં અહલ્યાનો ઉદ્વાર કરીને શ્રી ગંગાજીના તટ પર જઈને મહામુનિ વિશ્વામિત્રજી પાસે જિજ્ઞાશા કરી હતી કે પ્રભુ, બતાવો, આ કઈ નદી છે? ક્યાંથી આવી? ક્યારે આવી? આ પુણ્યસલિલા વિશે અમને કંઈક જણાવો. વિશ્વામિત્રજીએ જે પ્રકારે ગંગા ધરતી પર આવી એની આખી કથા સંભળાવી. પછી રાઘવેન્દ્રએ ગંગાસ્નાન કર્યું. તીર્થના દેવતાઓને દક્ષિણા આપી; આશીર્વાદ મેળવ્યા; વગેરે વગેરે કથાઓ આવે છે. ગંગાના અવતરણની એક કથા તો ખૂબ જ પ્રસિદ્ધ છે. સગરના પુત્રોને કપિલ મુનિએ શાપ આપ્યો અને પછી એ વંશમાં શાપિત એ સગરપુત્રોને મુક્ત કરવા માટે, પાવન કરવા માટે ગંગાનું અવતરણ જરૂરી હતું. પેઢીઓ વીતી ગઈ. અંતે ભગીરથે કઠોર તપસ્યા કરી. કઠોર તપસ્યાને અંતે એ ગંગાને ધરતી પર લાવે છે અને સગરપુત્રોનો ઉદ્વાર કરાવી દે છે; પછી ગંગાજી ગંગાસાગરમાં વિલીન થઈ જાય છે.
એક કથા છે કે એક વાર ભગવાન શિવ, નારદજી, સપ્તઋષિ, ભગવાન વિષ્ણુ, પરમતત્ત્વ બધા બિરાજમાન હતા. ક્યાંક બતાવાયું છે કે નારદજી પોતાની વીણાથી શાસ્ત્રીય ગાન કરવા લાગ્યા અને બધા એમાં ડૂબી ગયા. એક કથા મુજબ સ્વયં એવા મહાદેવે અદ્ભુત ગાન કર્યું અને ગાનને કારણે પરમ વિષ્ણુ-પરમતત્ત્વ એકદમ વિગલિત થઈ ગયા; પાણીપાણી થઈ ગયા; રસમય થઈ ગયા; રસરૂપ થઈ ગયા અને એનો પ્રવાહ ચાલ્યો. એક કથા અનુસાર એ ગંગા બની ગઈ. એ વિષ્ણુરૂપા છે ગંગા. એક કથા છે, બલિની સામે વામન રૂપે આવેલા પરમાત્મા એક રૂપમાં-બટુક રૂપમાં આવ્યા; બ્રહ્મચારી રૂપમાં આવ્યા. બલિના આગ્રહથી એમણે ત્રણ પગલાં પૃથ્વી માગી. બલિએ હા કહી દીધી અને ત્રણેય પગલાંમાં ત્રિભુવનને માપી લીધા. પાતાળ, પૃથ્વી, સ્વર્ગ, વૈકુંઠ સુધી ચરણ ગયાં; બ્રહ્મલોકમાં ગયા. એ વિષ્ણુના અવતાર ભગવાન વામનનાં ચરણ જ્યારે બ્રહ્મલોકમાં ગયાં તો અતિથિના રૂપમાં પોતાના બ્રહ્મલોકમાં આવવાને કારણે પિતામહ બ્રહ્માએ એ પાદનું પ્રક્ષાલન પોતાના કમંડળમાં કર્યું એ ગંગા છે. પછી બ્રહ્માના કમંડળમાંથી પાછી એ ધરતી પર આવે છે; શિવની જટામાં આવે છે; પછી આગળ આગળ શ્રી ગંગાજીની યાત્રા થાય છે.
મારી દૃષ્ટિએ પંચગંગા છે. આમ તો ગંગાને ત્રિપથગામિની કહી છે. એક પ્રવાહ સ્વર્ગમાં; એક પ્રવાહ ધરતીમાં; એક પ્રવાહ પાતાળમાં. એની પાછળ આધ્યાત્મિક અર્થો પણ છુપાયેલા છે. ગંગાનાં પંચ રૂપ; એક ગંગા તો જે ઉપરથી પૃથ્વી પર આવી; શિવજીએ જટામાં ધારણ કરી. એક બીજી ગંગા રામકથા. રામકથા ગંગા છે. ભગવદકથા, હરિકથા એ ગંગા છે. `માનસ’ અંકિત ત્રીજી ગંગા `રામ ભક્તિ જહં સુરસરિ ધારા.’ પરમતત્ત્વની ભક્તિ એ પણ ગંગા છે. ભક્તિ ગંગા છે. ભક્તિ ગંગા છે. ભક્તિ સુરસરિની ધારા છે. તો સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી, શિવની જટાથી નીકળેલી એક ગંગા, જે સ્થૂળ રૂપ છે; જેમાં પરમાત્માનું નામ, પરમાત્માનું રૂપ, પરમાત્માની લીલા અને પરમાત્માનું ધામ – એ ચારેયનું યથાર્થ નિરૂપણ થાય છે એ ભગવદકથા, એ રામકથા બીજી ગંગા. વધુમાં વધુ સૂક્ષ્મ થતી ગઈ એ ગંગા. પેલી ગંગા બિલકુલ સ્થૂળ છે; એમ જ ચાલી, `હરિદ્વરે પ્રયાગે ચ ગંગાસાગર સંગમે.’ ત્યારબાદ રામકથા થોડા સૂક્ષ્મ રૂપમાં ગંગા છે.
ત્રીજી ગંગા, ભગવાનની ભક્તિ, ભક્તિની નવ વિદ્યાઓ છે. કેટલીક વધારે વિદ્યાઓ પણ છે; જે-જે હોય એ બધાનું સ્વાગત છે, પરંતુ બિલકુલ મારી ભીતરથી કોઈ જવાબ પામવા ઈચ્છે કે ભક્તિ એટલે શું, તો હું કહીશ, અશ્રુ અને આશ્રય. પરમતત્ત્વનાં ચરણોમાં દૃઢાશ્રય એ ભક્તિ છે અને એ પરમ ચરણોનું વારંવાર સ્મરણ થતાં જ આંખોમાં પાણી આવી જાય, એ અશ્રુ ભક્તિ છે.
ચોથી ગંગા છે ગુરુગંગા. આપણા બુદ્ધપુરુષ એ આપણી વહેતી ગંગા છે. એ જ્યાંથી વહે છે ત્યાંથી સૌને સાથે લઈને ચાલે છે; કોઈને છોડતી નથી. સૌને સાથે લે છે, પરંતુ આગળ-આગળ જે આવતા જાય એને પણ અપનાવતી જાય છે. ત્યાં કોઈ એમ નથી કહી શકતું કે અમે પહેલાં મળ્યાં હતાં; અમે જ સાથે રહીએ. કોઈ પછી પ્રવાહમાં આવ્યા એને પણ શા માટે સાથે લો છો? એવો દાવો નથી થઈ શકતો. ગુરુ ગંગા છે. ગુરુની વાણી ગંગા છે. જ્યારે તમારા ગુરુ તમારી સામે આપોઆપ બોલવા લાગે ત્યાં પછી તમારે ભગીરથ જેવી તપસ્યા કરવાની જરૂર નથી; ભીતર મૌન જિજ્ઞાશાની જરૂર છે કે આપણે ચૂપ થઈ જઈએ; એમ થાય કે મારા ગુરુ કંઈક બોલે.
ગુરુનું મુખ ગોમુખ છે. ત્યાંથી ગંગા પ્રગટ થાય છે. ગુરુની વાણી ગંગા છે. જે ગુરુની બાનીમાં હોય છે એવી પવિત્રતા બીજે ક્યાં હોય છે? ગુરુના મુખરૂપી ગોમુખથી નીકળેલી વાણી એ ગંગાનું ઉદ્ગમસ્થાન છે; ત્યાં એ અતિ સૂક્ષ્મ છે. અને પછી કોઈ બુદ્ધપુરુષ ગંગા જેવી `પતિત પાવની’ વાણી બોલે અને એ સમયે એ બુદ્ધપુરુષની આંખોમાંથી અશ્રુ વહે તો સમજવું કે એ શરીરનું કોઈ પાણી નથી; એ સાક્ષાત્ ભગવદ-દ્રવ છે; એ દ્રાવણ સામાન્ય નથી. એ પછી પ્રગટ ગંગા થવા લાગે છે અને ગુરુની એક જ ઇચ્છા હોય છે કે મારા મુખેથી નીકળેલી ગંગા, મારી આંખોમાંથી વહી એ સુરસરિ, મારાં અશ્રુ મારા સાધકના હૃદયરૂપી સાગરમાં સમાહિત થઈ જાય. ગુરુ ગંગધારા છે. ગુરુ પરમ પવિત્ર પ્રવાહ છે. મારી સમજ મુજબ એ ચોથી ગંગા છે. એનાથી પણ સૂક્ષ્મ એક ગંગા તરફ હું આપને લઈ જઉં. અલબત્ત, લૌકિક છે, પરંતુ લૌકિક નથી; સ્વરૂપગત છે; અતિ સૂક્ષ્મ છે એક ગંગા.
પાંચમી ગંગા; પરમાત્મા કરે, એવી સ્થિતિ કોઈની ન થાય. દરેક મહિલા સદા સુહાગણ રહે એવી કામના કરે છે. આપણે ત્યાં દંપતીને `અખંડ સૌભાગ્યવતી’ના જ આશીર્વાદ આપવામાં આવે છે કે તારું સૌભાગ્ય અખંડ રહે, પરંતુ પ્રારબ્ધવશ કે કર્મના કોઈ સમજાય નહીં એવા સિદ્ધાંતને કારણે ક્યારેક એવું બને; ખબર નહીં, કર્મની ગતિ બહુ ગહન છે; એ સમજવી મુશ્કેલ છે. ક્યારેક કોઈ સ્ત્રીનું સૌભાગ્ય ખંડિત થઈ જાય. જે ઘરમાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ રમણ કરવા આવે છે; આશીર્વાદ આપવા આવે છે. ભારતીય મનીષીઓએ દરેક નારીમાં એ દર્શન કર્યું છે, પરંતુ એક એનું જે રૂપ નહીં, સ્વરૂપ; કોઈ કારણસર કોઈ સુહાગણ નારીનો સુહાગ ખંડિત થાય છે પછી એની જે છબિ બને છે એને આપણે નામ આપ્યું, એ ગંગાસ્વરૂપ છે. `છે વૈધવ્યે વધુ વિમલતા.’ વૈધવ્યની વિમલતા ગજબ છે! એને ગંગારૂપ નથી કહી, એને ગંગાસ્વરૂપ કહી. સ્વરૂપ બહુ જ અંતરતમ સ્થિતિનું નામ છે. જેમને સ્વરૂપનો બોધ થઈ જાય છે એમનાં બધાં કર્મ છૂટી જાય છે. એ સ્થિતિ સારી તો નહીં માની શકાય, કેમ કે ગંગાસ્વરૂપ સ્થિતિને એ માતાઓ, એ બહેનો સમજી શકે છે, પરંતુ એક વાત ચોક્કસ છે, ગંગાસ્વરૂપ માતૃશરીરને કોઈ કર્મ નથી રહેતું; એ કૃતકૃત્ય થઈ જાય છે, કેમ કે `માનસ’માં લખ્યું છે, જેમને સ્વરૂપ સમજમાં આવી ગયું હોય, જેનું સ્વરૂપ અનુસંધાન અખંડ થઈ ગયું હોય એ કર્મ કરતાં હોવા છતાં કર્મનાં બંધનથી મુક્ત છે. એવી માને આપણે ગંગાસ્વરૂપ કહીએ છીએ.