તમે જાણો છો કે અવકાશ શું છે? આ ઓરડામાં અવકાશ છે. તમારી અને તમારી હોસ્ટેલ વચ્ચેનું અંતર, આ પુલ અને તમારા ઘર વચ્ચેનું અંતર, આ નદીના કાંઠા અને સામેના કાંઠા વચ્ચેનું અંતર- આ અવકાશ છે, જગા છે.
હવે, શું તમારા મનમાં પણ અવકાશ છે? કે પછી તે એટલું બધું ભરચક ભરેલું છે કે તેમાં બિલકુલ જગ્યા છે જ નહીં? જો તમારા મનમાં અવકાશ હશે તો તે અવકાશમાં મૌન (શાંતિ) હશે અને એ મૌનમાંથી બીજું બધું ઉદ્ભવે છે, કેમ કે ત્યારે તમે સાંભળી શકો છો, ત્યારે તમે પ્રતિકાર વગર ધ્યાન આપી શકો છો, અવધાન દાખવી શકો છો. તેથી જ મનમાં અવકાશનું હોવું બહુ જરૂરી છે. જો મન વધારે પડતું ભરાઈ ન ગયું હોય, જો તે અવિરત રોકાયેલું ન રહેતું હોય તો તે કૂતરાના ભસવાનો અવાજ, દૂરના પુલ પરથી પસાર થતી ટ્રેનના અવાજને સાંભળી શકે અને અહીં વાતો કરી રહેલી વ્યક્તિ દ્વારા જે કહેવાઈ રહ્યું છે તેને પણ ધ્યાન દઈને, સભાનપણે સાંભળી-સમજી શકે. ત્યારે મન જીવંત હોય છે, મૃત નહીં.
પ્રયત્ન વગરનું અવધાન
જેમાં મન ઓતપ્રોત ન થયું હોય એવું કોઈ ધ્યાન છે ખરું? શું કોઈ વિષય ઉપર એકાગ્રતા કેળવ્યા વગરનું ધ્યાન હોય? શું એવું કોઈ ધ્યાન છે કે જે હેતુ, અસર, અદમ્ય પ્રેરણા કે દબાણના સ્વરૂપ વગરનું હોય જે કંઈ પણ બાકી રાખ્યા વગર, બાકાત રાખ્યા વગર, કશાનો બહિષ્કાર કર્યા વગર પૂરેપૂરું ધ્યાન આપી શકે? મન તેમ કરી શકે અને માત્ર તેવું જ ધ્યાન મનની ધ્યાનની સાચી અવસ્થા દર્શાવે છે; બીજા બધાં તો માત્ર મરજી મુજબ-ફાવે તેમ થતી ક્રિયાઓ અથવા મનની યુક્તિઓ છે. જો તમે કશાકમાં ઓતપ્રોત થયા વગર પૂરેપૂરું ધ્યાન આપી શકો અને બાકાત રાખવાના કોઈ પણ ભાવ વગર ધ્યાન આપી શકો તો તમને જણાશે કે ધ્યાન કરવું એ શું છે, કારણ કે તે ધ્યાન આપવામાં, અવધાન દાખવવામાં કોઈ પ્રયત્ન નથી હોતો, કોઈ વિભાજન નથી હોતું, કોઈ સંઘર્ષ નથી હોતો કે કોઈ પરિણામ મેળવવાની આશા-શોધ નથી હોતી. આમ ધ્યાન મનને પદ્ધતિઓથી મુક્ત કરવાની અને ઓતપ્રોત થયા વગર અથવા એકાગ્ર થવાનો પ્રયત્ન કર્યા વગર ધ્યાન આપવાની-અવધાનની પ્રક્રિયા છે.
જે વિશિષ્ટ નથી તેવું અવધાન
મને લાગે છે કે કોઈ વિષય ઉપર આપવામાં આવતું ધ્યાન અને કોઈ પણ વિષય વગર આપવામાં આવતા ધ્યાન વચ્ચે તફાવત છે. આપણે કોઈ વિચાર, કોઈ માન્યતા કે કોઈ વિષય ઉપર એકાગ્ર થઈ શકીએ-આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે અને એક એવું પણ અવધાન (ધ્યાન આપવા કરાતી ક્રિયા નહીં) છે, એક એવી સભાનતા છે કે જે વિશિષ્ટ નથી. એ જ રીતે, કોઈ એવો અસંતોષ છે કે જેમાં કોઈ હેતુ નથી, જે હતાશામાંથી નથી ઉદ્ભવ્યો કે જેને મરજી મુજબ વાળી શકાય નહીં, કે જે કોઈ બાબતનું પાલન કરવાની વાતનો સ્વીકાર ન હોઈ શકે. કદાચ હું તેના માટે યોગ્ય શબ્દ ન વાપરતો હોઉં, પરંતુ મને લાગે છે કે તે અસાધારણ અસંતોષ હોવો જરૂરી છે. તેના વગર, અસંતોષનું બીજું કોઈ પણ સ્વરૂપ કેવળ સંતોષ પામવાનો રસ્તો બની જાય છે.