6 કેટેગરીમાં ટીમો બનાવી શહેરના ચારેય ઝોનમાં ચકાસણી હાથ ધરાતા 80 જેટલા શાળા,કોલેજ,હોસ્પિટલ ઉપર ઇમ્પેક્ટ ફી ભરી ડોમ ખડકી દેવાયાનું ખુલ્યું
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મુખ્ય ભૂમિકા તરીકે રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠીયાની સંડોવણી ખૂલતા હાલ તંત્ર એ તેના પર દોષનો ટોપલો ઢોળી દીધો છે.સાથે ટીપીઓ અને તેની ટીમે શહેરભરમાં ભ્રષ્ટાચારના હાટડાઓ ખોલી નાખ્યાની બાબતે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે. ચો તરફ ટીપી શાખાએ મોટા મોટા તોડ કરી અશક્ય બાબતને શક્ય દર્શાવી દીધી છે અને તેના પુરાવા રૂપે શાળા કોલેજો હોસ્પિટલો ઉપર મોતના માચડાઓ જોવાઈ રહ્યા છે. આ ડોમ ઉભા કરવા તમામે ઇમ્પેક્ટ ફી પણ ભરી છે. છતાં મહાનગરપાલિકા હવે કોઈ રિસ્ક લેવા માંગતી નથી. પહેલા તો ટીપી શાખામાં જડ મૂળમાંથી ફેરફાર કરી નવી નિમણૂકો આપવામાં આવી છે. અને અલગ અલગ ટીમો બનાવી આવા માંચડાઓ શોધવામાં આવ્યા છે. આગામી સમયમાં નવી કમિટી ઇમ્પેક્ટ ફી પરત કરી આ મોતના માચડાઓ ગમે ત્યારે દૂર કરી શકે છે.
રાજકોટ શહેરમાં ૨૫ મેના બનેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર એનઓસી ચકાસવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને મનપા દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારોની શાળા, કોલેજો, હોસ્પિટલો, મોલ તથા કોમર્શિયલ જગ્યાઓ પર ફાયર એનઓસી અંગે તાબડતોબ ચેકીંગ કરી સીલ મારવા સહિતના પગલા લેવામાં આવ્યા હતા. મનપા દ્વારા શહેરભરમાં કુલ ૬ કેટેગરીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને જો એકમ પાસે ફાયર એનઓસી ન હોય તેને સીલ મારી એનઓસી લેવા જણાવાયું હતું. ફાયર એનઓસીને મંજુર કરવા કે ન કરવા અંગે નિર્ણય લેવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના ૩ સભ્યોની કમિટિ પણ રચવામાં આવી હતી. હાલ મનપાની કમીટી સમક્ષ ૮૦ જેટલા એવા શાળા, કોલેજો, હોસ્પિટલ વગેરે ધ્યાને આવ્યા છે, જેમાં ડોમ બનાવવામાં આવ્યા હોય અથવા સેલરમાં બાંધકામ કરી કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હોય. જો કે આ એકમો દ્વારા મનપામાં ઇમ્પેકટ ફી ભરી બાંધકામ રેગ્યુલરલાઇઝ કરાવી લેવાયાનું જણાવતા દ્વિધા ઉભી થઇ છે.
સૂત્રો માંથી મળતી માહિતી મુજબ જે તે સમયે ઇમ્પેકટ ફી ભરી બાંધકામ નિયમિત કરાયા હોય પણ મનપા પાસે સત્તા છે કે ઇમ્પેકટ ફી પરત કરી આવા જોખમી બાંધકામો હટાવી શકાય છે. ત્યારે હવે કમિટિ દ્વારા આ પ્રકારે નિર્ણય લેવા અંગે પણ ચર્ચા ચાલતી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. મનપાની કમિટિ દ્વારા અમુક કેસમાં તપાસ ચાલુ છે. આવનાર સમયમાં કમીટી દ્વારા નક્કર અને નમુનારૂપ પગલા લઇ એક દાખલો બેસાડવામાં આવે તેવી લોક લાગણી પણ ઉઠી રહી છે.
સાગઠીયાના વખતમાં સમગ્ર ટીપી શાખાએ તેમની મનમાની ચલાવી છે. ભ્રષ્ટાચારના પુરાવાઓ નજરે જોવાઇ રહ્યા છે. જેથી મનપા દ્વારા નિમાયેલી કમિટી દ્વારા એ પણ ચકાસણી હાથ ધરવામાં આવશે કે કયા આધાર પર ડોમ બનાવવા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અમુક હોસ્પિટલના સંચાલકોએ તેમના પ્લાનમાં બેઝમેન્ટ ની જગ્યા પાર્કિંગ માટે દર્શાવી છે પરંતુ ત્યાં રેસ્ટોરન્ટ અથવા તો અમુક ઓફિસો ઊભી કરી નાખી છે. તે દિશામાં પણ ચકાસણી હાથ ધરાશે. આમ સમગ્ર મામલે તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.