બ્રિજની દિવાલ-સ્લેબ નોખા પડી ગયા, પોપડાં ખર્યા, સોળિયા મોઢા ફાડીને બહાર નીકળ્યાં
આજી ડેમ ચોકડીએ બ્રિજની દિવાલ ધસી પડતા બે વાહનચાલક આહીર યુવાનની જીવ ગયો હોવા છતા તંત્ર અને સ્થાનિક નેતાગીરીની ગુનાહિત નિંભરતા
રાજકોટના આજી ડેમ ચોકડી પાસેના બ્રિજની દિવાલ ધસી પડતા બે આહીર વાહનસવાર યુવાનોના મોતની ઘટના હજુ તાજી જ છે ત્યા આવી જ વધુ એક દૂઘર્ટના સોરઠિયાવાડી સર્કલથી કોઠારિયા ગામ તરફ હાઇ-વે પર બનેલા અન્ડરબ્રિજ પર સર્જાઇ શકે તેમ છે તેમા શંકાને કોઇ સ્થાન નથી. બ્રિજની દિવાલમાં એ રીતે તિરાડ પડી છે કે ગમે ત્યારે ઉપરથી પસાર થતા નેશનલ હાઇ-વેનો સ્લેબ ધસી પડે તેમ છે. બ્રિજના અન્ડરપાસની છત રિતસર અલગ પડી ગઇ છે. સળિયા મોઢા ફાડીને બહાર નીકળી ગયા છે. બ્રિજ ઉપરના નેશનલ રોડ પરથી કોઇ હેવી લોડેલ વાહન પસાર થાય છે ત્યારે અન્ડર પાસ રિતસર ધણધણી ઉઠે છે. ફરિયાદ નેશનલ હાઇ-વે ઓથોરિટીની કઇ ઓફિસે કરવી? તેનાથી અજાણ આ વિસ્તારના જાગૃત નાગરિકોએ મહાનગરપાલિકા તેમજ સ્થાનિક નગસેવકોને અવારનવાર જાણ કરવા છતા ગંભીરતા ન લેવાતા અંતે લોકોએ વિડિયો વાયરલ કરી તંત્રને ધણધણાવ્યુ હતુ. શરમજનક બાબત તો એ કહી શકાય કે વિડિયો વાયરલ થયા પછી પણ હજુ સુધી કોઇ નક્કર પગલાં લેવાયા નથી. મ્યુનિ. કમિશનર એમ કહે છે કે, ઇસ્ટ ઝોનની બાંધકામ શાખાને જાણ કરી દીધી છે. પરંતુ જાણ કરવાથી શું થાય? શું કોઇ મોટી દૂઘર્ટનામાં અન્ડરપાસમાંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો ઉપર બ્રિજ મોત બનીને તૂટી પડે તેની રાહ તંત્ર જોઇ રહ્યુ છે? તેવા સવાલ સાથે બ્રિજમાંથી પસાર થતા લોકોમાં આક્રોષ જોવા મળે છે.
“દૂઘર્ટનામાં કોઇનો જીવ જાય અને આર્થિક સહાય જાહેર કરવાની સરકાર રાહ જુએ છે?”
“રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાતની એ કમનસીબી છે કે, દૂઘર્ટના સર્જાય ત્યારે છેક સરકાર જાગે છે. અહીં આ જે બ્રિજ પર દૂઘર્ટનાનું સંકટ તોળાઇ રહ્યુ છે તેને સ્થાનિક તંત્ર અને સ્થાનિક નેતાગીરી હજુ પણ હળવાશથી લઇ રહી છે. આ ગુનાહિત નિંભરતા છે. માત્ર રાજકોટ જ નહીં પણ સમગ્ર રાજ્યમાં જાણે સરકાર દૂઘર્ટનાની રાહ જોઇને બેસી રહેતી હોય અને પછી મૃતકોને આર્થિક સહાય આપીને સહાનુભૂતિનું વાતાવરણ ઉભુ કરે છે. અહી પણ સરકાર શું આવી કાઇ રાહ જોઇને બેસી રહી છે કે શું? એ જ સમજાતુ નથી.”
-
ભાવેશભાઇ ભારાઇ(વિડિયો વાયરલ કરનાર જાગૃત નાગરિક)
“નથી નહેુરના શાસનમાં કે નથી કોંગ્રેસના, ભાજપના શાસનમાં બ્રિજ બન્યો છે”
કોઠારિયા બ્રિજની હાલત વિશે જાગૃત નાગરિક તરીકે વિડિયો વાયરલ કરવાની ફરજ અમને એટલા માટે પડી કે, અહીંથી રોજ હજારો લોકો પસાર થાય છે. અમને રાજકારણ સાથે કોઇ નિસબત નથી પણ કહેવાનુ એટલુ થાય છે કે, આ બ્રિજ નથી નહેરુના શાસનમાં બન્યો કે નથી કોંગ્રેસના શાસનમાં, આ બ્રિજ ભાજપના શાસનમાં હજુ ૧૦ વર્ષ પહેલા જ બન્યો છે. ૧૦ જ વર્ષમાં ભ્રષ્ટાચાર મોઢુ ફાડીને બહાર નિકળ્યો છે.
-
હરેશભાઇ પરમાર (વિડિયો વાયરલ કરનાર જાગૃત નાગરિક)
કોઠારિયા-હુડકોના હજારો લોકોને સિટીમાં આવવા આ બ્રિજનો ઉપયોગ કરવો પડે
કોઠારિયા અને હુડકો તરફ રહેણાંક વિસ્તાર વિકસી રહ્યો છે. અહીં રહેતા લોકોને કામ-ધંધે, અન્ય કામ સર સિટીમાં આવવા માટે નછૂટકે આ બ્રિજનો ઉપયોગ કરવો પડે છે. પહેલા અહીં એક જ નાલુ હતુ. ૧૦ વર્ષ પહેલા પૂર્વ કોર્પોરેટર સંજય ઘવાને પોતે શાસકપક્ષ ભાજપના હોવા છતા આંદોલન કરીને એક નાલામાંથી બે નાલનો અન્ડરબ્રિજ બનાવડાવ્યો.