જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં સરકારી ગ્રાન્ટથી થયેલા કામનો હિસાબ આપતા સવાલની ચર્ચામાં જ સમય વેડફાયો, ટીઆરપી કાંડની ચર્ચાને અગ્રતાક્રમ આપવા ઉગ્ર બનેલા વિપક્ષી સભ્યોની ટીંગાટોળી-ધક્કામુકી કરીને સભાગૃહમાંથી હાકી કઢાયા
રાજકોટવાસીઓ અને ખાસ કરીને જેમણે તેના સ્વજનો ગુમાવ્યા છે તેવા ટીઆરપી હત્યાકાંડમાં જીવતા ભુંજાઇ ગયેલા મૃતકો અને તેમના પરિવારને ન્યાય અપાવવા એક સક્ષમ વિપક્ષ તરીકે લડત ઉપાડનાર કોંગ્રેસનો અવાજ દબાવવા આજે મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વધુ એક ભાજપનો મનસુબો પાર પડી ગયો હતો. જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં પ્રથમ સવાલ ભાજપના કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળાનો સરકારી ગ્રાન્ટમાંથી થયેલા વિકાસ કામનો હિસાબ આપવાનો હતો. જ્યારે બીજો પ્રશ્ન કોંગ્રેસના વશરામભાઇ સાગઠિયાનો ટીઆરપી કાંડને લગતો હતો. ભાજપના પ્રથમ સવાલમાં જ સમય કાઢી નાંખવાની જાણે ભાજપની રણનીતિ હોય તેમ વાતોના વડા શરૂ થયા, સરકારી ગ્રાન્ટની વાહવાહી ચાલુ થઇ. એ જોયને કોંગ્રેસના વશરામ સાગઠિયાએ પ્રવર્તમન સળગતો મુદ્દો ટીઆરપી કાંડને લગતા તેમના પ્રશ્નોની ચર્ચા થાય તેવી માગણી કરતા જ ભાજપની છાવણીએથી હલ્લાબોલ શરૂ થયો હતો. ભાજપના તમામ નગરસેવકો એકસાથે ઉભા થઇ ગયા હતા અને તેમા વિપક્ષનો ટીઆરપી કાંડના પીડિતોને ન્યાય અપાવના સવાલો રૂંધાઇ ગયા. અંતે મેયરની સુચનાથી વિપક્ષી સભ્યોની ટીંગાટોળી કરી, ધક્કા મારીને સભાગૃહમાંથી હકાલપટ્ટી કરી નાખવામા આવી હતી.
કોંગ્રેસના સાગઠિયાથી એક વિધાન બોલાઇ ગયુ અને શાસકોએ મુદ્દો ડાયવર્ટ કરી નાંખ્યો
‘તમે એક જ કેસેટ વગાડો છો, તમારી કેસેટ મે બહુ સાંભળી છે’ વિપક્ષના આ વિધાનને ભાજપે મહિલા મેયરનું અપમાન ગણાવ્યુ
એકબાજુ કોંગ્રેસના બે નગરસેવકો(બે રજા પર હતા) અને સામે ભાજપની આખી છાવણી હતી. સામસામે શાબ્દિક ગોળીબાળ થતો હતો. કોંગ્રેસની એક જ માગણી હતી કે, ટીઆરપી કાંડને લગતા વિપક્ષના સવાલની ચર્ચાને અગ્રતાક્રમ આપવામા આવે. તો બીજીબાજુ બોર્ડના અધ્યક્ષ મેયર નયનાબેન સતત એક જ સુચના આપતા હતા કે, ભાજપના સભ્યનો જે પ્રથમ સવાલ છે તે ચાલુ રાખો. લાંબો સમય સુધી આ ધમાસાણ ચાલ્યુ અને એવામાં વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ એવુ કહ્યુ કે, “તમે એ જ કેસેટ વગાડ્યા રાખો છો, તમારી કેસેટ ચોટી ગઇ છે, તમારી કેસેટ મે બહુ સાંભળી છે.” વિપક્ષની આ વાતને શાસકોએ મહિલા મેયરનું અપમાન ગણાવી નાંખ્યુ. અને એ સાથે જ ભાજપના તમામ મહિલા નગરસેવકોએ મંચ પાસે આવીને મોરચો સંભાળી લીધો. જેનાથી આખો મુદ્દો જ ડાયવર્ટ થઇ ગયો અને અંતે મેયરની સુચનાથી વિપક્ષના સભ્યોની ટીંગાટોળી, ધક્કા મારીને સભાગૃહમાંથી હાકી કઢાયા હતા.
વિપક્ષી સભ્યો આવ્યા એ સાથે જ અટકાયત કરી ઉપાડી લેવાયા
એ-ડીવીઝન લઇ જવાતા હતા, શોક ઠરાવની નકલ દેખાડતા પોલીસના હથિયાર હેઠા પડ્યા
વિપક્ષી સભ્યો વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇ ટીઆરપી હત્યાકાંડના પીડિત પરિવાર સાથે મનપા કચેરીએ આવ્યા હતા. આ વાતની જાણ શાસક ભાજપને અગાઉથી જ હતી અને તેટલા માટે જ આગોતરી ગોઠવણ મુજબ પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામા આવી હતી. સુલેહ શાંતિ, ભંગના ગુનાની આડમાં વશરામભાઇ અને કોમલબેન બન્નેની અટકાયત કરી પોલીસવાનમાં બેસાડી એ-ડીવીઝન પોલીસ મથકે લઇ જવાતા હતા. એ દરમિયાન રસ્તામાં વશરામભાઇએ પુછયુ હતુ કે, તમે ક્યા ગુનામાં લઇ જાવ છો? હું એક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જનરલ બોર્ડમાં ટીઆરપી કાંડના શોક ઠરાવનો પ્રસ્તાવ લઇને બોર્ડમાં આવ્યો હતો. શોક ઠરાવનો લેખિત પ્રસ્તાવ દેખાડતા કાયદાકીય અને વિપક્ષના બંધારણીય હક્ક મુજબ પોલીસના હથિયાર હેઠા પડી ગયા હતા અને વિપક્ષના બન્ને સભ્યોને મનપા કચેરીએ પરત મુકી જવાની ફરજ પડી હતી.
ભાજપના વિનુ ઘવા ભાન ભુલ્યા, બીન સંસદીય શબ્દોની રમઝટ બોલાવી
શાસકપક્ષ ભાજપે વિપક્ષી સાગઠિયાના એક વિધાનને મહિલા મેયરનું અપમાન ગણાવ્યુ તો બીજીબાજુ ભાજપના વિનુ ઘવા પણ ભાન ભુલ્યા હતા. બીન સંસદીય શબ્દોની રમઝટ બોલાવી હતી. ‘પતર..’(અહીં ન લખી શકાય તેવા શબ્દ) બોલ્યા હતા. મીડિયાના વિડિયોમાં પણ આ અવાજ કેદ થઇ ગયો હતો.
મેયર-સ્ટે.ચેરમેને માર્સલોને આદેશ કર્યો, વિપક્ષની ટીંગાટોળી કરો
કોંગ્રેસના વશરામ સાગઠિયા બોલવા માટે જેવા ઉભા થયા અને સભાગૃહમાં ગરમાગરમીભર્યો માહોલ સર્જયો એ સાથે જ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર તેમજ સભા અધ્યક્ષ મેયર નયનાબેને માર્સલો તેમજ અન્ય સુરક્ષાકર્મીઓને સુચના આપી હતી કે, વિપક્ષના સભ્યોની ટીંગાટોળી કરીને તેમને સભાગૃહમાંથી બહાર કાઢો