ટીઆરપી હત્યાકાંડના પીડિત પરિવાર આવવાના હોવાની જાણ થતા જ ભાજપે આમા પણ અપનાવી ગંદી રાજનીતિ
પ્રવેશ પાસ ન હોવાનું કારણ આપી પીડિત પરિવારને જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશવા ન દેવાયા
દેશ આખાને હચમચાવી નાખતી રાજકોટના ટીપીઆર ટેમ ઝોનના હત્યાકાંડની ઘટના બાદ આજે પ્રથમ વખત જનરલ બોર્ડ મળે અને તેમા વિપક્ષ કોંગ્રેસની જે રણનીતિ હતી તેનો અગાઉથી જ શાસક ભાજપને અંદાજ આવી ગયો હતો. સભાગૃહમાં તો ધમાલ થશે જ એ નક્કી વાત હતી સાથોસાથ પ્રેક્ષક ગેલેરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સાથે ટીઆરપી અગ્નિકાંડના પીડિત પરિવારો પણ આવશે તેવુ નિશ્ચિત જણાતા શાસક ભાજપે જનરલ બોર્ડ શરૂ થાય એ પહેલા જ તેના 3૦થી 3૫ કાર્યકર્તાઓને પ્રેક્ષક ગેલેરીમાં ગોઠવી દેવાની કાઉન્ટર રણનીતિ ઘડી હતી.
જનરલ બોર્ડમાં મંજૂર થયેલી દરખાસ્તો
- સામાન્ય સભા, સ્ટે.કમીટી, ખાસ સમિતિ કાર્યવાહી અંગેના નિયમોમાં જરૂરી સુધારા ચાર મહિના પહેલા સ્ટે.કમીટીમાં મંજૂર કરાયા હતા. જે હવે બહાલી માટે મૂકાયા છે.
- બોર્ડના ઠરાવની નકલ જોવા માટે અગાઉ એક કલાકનો ચાર્જ સામાન્ય લોકો માટે 50 પૈસા હતો જે હવે રૂા.બે હજાર કરાશે.મેયર કે ડે.મેયરની ગેરહાજરીમાં સ્ટે.ચેરમેન પણ જનરલ બોર્ડનું અધ્યક્ષ પદ સંભાળી શકશે.
- પગારપંચની વિસંગતતા દુર કરવા
- માર્કેટ શાખામાં એક્રોચમેન્ટ રીમુવલ ઇન્સ.ની જગ્યાને સેટઅપમાં લેવા
- કડિયાનાકા પાસે શ્રમિક બસેરા માટે જમીન ફાળવવાની દરખાસ્ત
- વોર્ડ નં.18માં 7 રસ્તા પાસેના ચોકનું ‘બાપ્સ’ સ્વામિનારાયણ મંદિર ચોક નામકરણ
- વોર્ડ નં.16માં કેદારનાથ સોસાયટી મેઇન રોડનું ઉકાભાઇ નનાભાઇ લાવડીયા નામકરણ
- નાના મવા ચોકની કરોડોની હરાજી રદ્દ કરવી.
આટલા નગરસેવકોએ પ્રજાના પ્રશ્નો મુક્યા
નગરસેવક – પ્રશ્નો
જયોત્સનાબેન ટીલાળા – ૨
વશરામભાઇ સાગઠીયા – ૩
કંચનબેન સિધ્ધપુરા – ર
કુસુમબેન ટેકવાણી – ર
બીપીનભાઇ બેરા – ર
ભારતીબેન પરસાણા – ર
કોમલબેન ભારાઇ – ૩
સોનલબેન સેલારા – ર
ડો. અલ્પેશભાઇ મોરઝરીયા – ૧
મગનભાઇ સોરઠિયા – ર
રાણાભાઇ સાગઠિયા – ર
કેતનભાઇ પટેલ – ર
ડો. દર્શનાબેન પંડયા – ર
દિલીપભાઇ લુણાગરીયા – ર
દેવાંગભાઇ માંકડ – ર
કીર્તિબા રાણા – ર
ડો. રાજેશ્રીબેન ડોડીયા – ર
નિલેશભાઇ જલુ – ર
ભારતીબેન પાડલીયા – ૧
મકબૂલભાઇ દાઉદાણી – ર
ટીઆરપી કાંડની ધમાલ નિશ્ચિત હોય પોલીસના ધાડેધાડા ઉતારાયા
જનરલ બોર્ડમાં વિપક્ષ તરફથી ધમાસાણ થાય એ નક્કી જ હતુ. ભરી સભામાં જો ટીઆરપી કાંડ, સાગઠિયા કાંડની ચર્ચા થવા દેવામાં નહીં આવે તો સભા તોફાની બનશે તેવા સ્પષ્ટ એંધાણ અગાઉથી હતા. જેના પગલે મનપાની વીજીલન્સ પોલીસ ઉપરાંત શહેર પોલીસના પણ ધાડેધાડા ઉતારી દેવામા આવ્યા હતા.
TRP : સ્થાનિક સંસદ(જનરલ બોર્ડ)માં વિપક્ષે ગોઠવ્યો’તો સવાલોનો ચક્રવ્યુહ
ટીઆરપી ગેમ ઝોનમાં પગથી માથા સુધી બધુ જ ભ્રષ્ટાચારની ઓથે લોલંલોલ જ ચાલ્યુ એ જગજાહેર થઇ ગયુ છે. પણ તેનો સતાવાર પરપોટો અને એ પણ મહાનગરપાલિકાના સંસદ સમાન જનરલ બોર્ડમાં ઓનપેપર ફોડવા માટે વિપક્ષના બન્ને નગરસેવક વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇએ ટીઆરપી ઉપરાંત ટીપી શાખાને લગતા સવાલોનો ચક્રવ્યુહ બનાવ્યો. લેખિતમાં જવાબ માગ્યા. અને જનરલ બોર્ડના નિયમ મુજબ લેખિતમાં સતાવાર જવાબ આપવો ફરજિયાત પણ બને છે. ટીઆરપી ઉપરાંત તેને સલંગ્ન ટાઉન પ્લાનીંગ શાખા, ફાયર બ્રિગેડ શાખા અને ફૂડ શાખાને પણ સાણસામાં લેતા જે સવાલો પુછવામા આવ્યા તે નીચે મુજબ છે.
- મનપાના ફાયર સેફટી વિભાગ, ટાઉન પ્લાનીંગ, ફૂડ વિભાગ અને જગ્યા રોકાણ વિભાગની મંજૂરી લેવાઇ હતી કે કેમ?
- ફૂડ વિભાગે કેટલાક સ્ટોલને મંજૂરી આપી હત? ફાયર સેફટીનું એનઓસી લીધુ હતું કે કેમ?
- એસ્ટેટ અને ટીપી શાખાની મંજૂરી મેળવી હતી કે કેમ?
- 2023ના સપ્ટેમ્બર માસમાં આ ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે કયા ફાયર સ્ટેશનમાંથી પાણીના ટેન્કર ગયા હતા, કેટલા ટેન્કર ગયા હતા, ડ્રાઇવર અને ફાયરમેન, ગેમ ઝોનને 260-1 મુજબ નોટીસ અપાઇ હતી કે કેમ?
સસ્પેન્ડેડ સાગઠિયા ડિમોલિશનની નોટિસના ખેલમાં બરોબરના સલવાયા
નોટિસ બાદ ટેબલ નીચેના વહીવટની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ
ટાઉન પ્લાનીંગ શાખામાં ભ્રષ્ટાચાર માટે એક વ્યવસ્થિત મોડેસ ઓપરેન્ડી ચાલે છે. ગેરકાયદે બાંધકામોને પહેલા ૨૬૦(૧)ની નોટિસ અપવામા આવે છે. જો આ નોટિસ બાદ બાંધાકામ કરનાર આસામી ટેબલ નીચેનો વહીવટ કરવા સામેથી ન આવે તો ૨૬૦(૨)ની નોટિસ ફટકારીને બુલડોઝર મોકલવાની ધમકી અપાય છે. ૨૬૦(૨) એટલે ડિમોલિશનનો આખરી નિર્ણય. આ નોટિસ મળતા જ આસામી ફફડી ઉઠે છે. એટલે મોઢે માગ્યો ટેબલ નીચેનો વહીવટ આપવા માટે મજબૂર બને છે. રાજકોટ મનપાની આ વર્ષો જૂની પંકાયેલી છાપ છે. આજે આ ભ્રષ્ટ વહીવટનો પરપોટો ફોડવા માટે કોંગ્રેસના મહિલા નગરસેવક કોમલબેન ભારાઇએ છેલ્લા ચાર વર્ષમાં ટીપી શાખાએ ડિમોલિશનની કેટલી નોટિસ ઇશ્યુ કરી હતી અને તેમાથી કેટલા બાંધકામો તોડી પાડવામા આવ્યા? તેવો સવાલ પુછયો હતો.