યાર્ડના વેપારીઓ સાથે બોગસ બિલિંગ કરનાર શ્રોફ પેઢી પર ક્રાઇમ બ્રાંચનો દરોડો
Share
SHARE
૨.૧૪ કરોડની રોકડ કબ્જે : વેપારીઓને 50 ટકા જણસી વેચી 100 ટકાના બિલ બનાવી રોકડમાં વહીવટ થતો હતો
રાજકોટ અને મોરબી પંથકના બે શખ્સોએ વેપારીઓનું કાળા નાણું ધોળું કરવાનું કોભાંડ શરૂ કર્યું હતું. ઉપલેટા યાર્ડમાં બે શ્રોફ પેઢી ખોલ્યા બાદ આ બંને શખ્સોએ રાજકોટમાં પણ ઓફિસ ખોલી ખેત પેદાશો વેચીને તેની પૂરેપૂરી રકમ રોકડમાં લઈ વેપારીઓ પાસેથી કમિશનના આધારે આ કૌભાંડ ચાલતું હતું અને સરકાર સાથે ટેક્સ ચોરી કરવામાં આવતી હતી. જે કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ પર્દાફાસ કર્યો છે. કારમાંથી ૯૦ લાખની રોકડ પકડ્યા બાદ બંને શખ્સોની ઓફિસમાં દરોડો પાડી વધુ રોકડ કબજે કરી કુલ 2.14 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ આર્થિકગુના નિવારણ શાખાના પી.આઈ. કૈલાની સુચનાથી પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે, શ્રોફનો ધંધો કરતા બે વેપારીઓ બ્લેકના નાણા વાઈટ કરવાનું કૌભાંડ આચરી રહ્યા છે અને બન્ને રાજકોટ તરફ બેડી ચોકડીથી આવતા હોય તેવી માહિતી બાદ વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી 90 લાખની રોકડ મળી આવી હતી. બાદમાં પુછપરછ કરાતા વધુ રકમ નાનામૌવા રોડ મારવાડી બિલ્ડીંગની બાજુમાં નાઈનસ્ક્વેર બિલ્ડીંગના છઠ્ઠા માળે ઓફિસ નં. 608માં પડી હોવાનું કબુલાત આપતા પોલીસે ત્યાં પણ છાપો માર્યો હતો. ત્યાંથી પણ 1.24 કરોડની રોકડ મળી કુલ 2.14 કરોડની રોકડ રકમ કબ્જે કરી હતી. સાથે ગોંડલ તાલુકાના અનિડા ગામના અને હાલ અંબીકા ટાઉનશીપમાં અક્ષર એવન્યુ ફ્લેટમાં ભાડે રહેતા નિલેશ મનસુખભાઈ ભાલોડી અને વાંકાનેર તાલુકાના પીપળિયા ગામના જયસુખ સુંદરજીભાઈ ફેફર નામના બન્ને શખ્સોને ઝડપી લેવાયા હતાં. બન્ને પાસે આ રકમ અંગે ખુલ્લાસાઓ માગતા તેઓ આપી શક્યા ન હતા કે પછી કોઈ આધારપુરાવો રજૂ કરી શક્યા ન હતાં.
આ બારામાં નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ બન્ને શખ્સો દ્વારા ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં ટીટેનિયમ એન્ટરપ્રાઈઝ અને ફ્લેવેરિયમ ટ્રેડ નામની બે શ્રોફપેઢીઓ ખોલી નાખી હતી. આ ઉપરાંત ત્યાંની અલગ અલગ એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, પંજાબ નેશનલ બેંક, એક્સિસબેંકમાં અલગ અલગ ખાતાઓ ખોલવામાં આવ્યા હતાં. પેઢી હેઠળ બન્ને શખ્સો વેપારીઓને ખેત પેદાશો એટલે કે, જણસો વહેંચતા હતા અને તે પેટે માલથી ડબલ મોટા બીલો બનાવી તે નાણા તેમના ખાતામાં મેળવી બાદમાં અડધી રકમ તેનું કમીશન કાપીને પરત વેપારીને કરી દેતા હતાં. આમ બન્ને શખ્સો એક લાખ પેટે 550 રૂપિયાનું કમિશનર મેળવતા હતાં અને છળ કપટથી સરકાર સાથે ટેક્સની ચોરી આચરતા હતાં. હાલ પોલીસે ક્યા ક્યા વેપારીઓએ આ બન્ને શખ્સો સાથે બ્લેકના વાઈટ કર્યા છે તેની માહિતી મેળવાઈ રહી છે. આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર કૈલા, પીએસઆઈ જાડેજા, એએસઆઈ આર.કે. જાડેજા, વિરમભાઈ ધગલ, મયુરભાઈ પાલરિયા, વિરેન્દ્રસિંહ જાડેજા, સ્મિતકુમાર વૈશ્ણવી, ચેતનસિંહ ગોહિલ અને એભલભાઈ બરાલિયા રોકાયેલ છે.