સંસ્થાના ટ્રસ્ટી એવા રાજકીય આગેવાને આબરૂને લાંછન લાગે તે પૂર્વે ઝેરી દવા પી લીધી
એક યુવતીએ ટ્રસ્ટી સહિત ત્રણ સામે બળાત્કારની અરજી જિલ્લા પોલીસવાડાને આપતા આટકોટ પોલીસે તપાસ શરૂ કરી છે : આગામી દિવસોમાં અનેક કાંડ ખૂલે તેવી સંભાવના
આટકોટ ખાતે આવેલી પ્રતીક્ષા વિદ્યા પ્રતિષ્ઠાન સંકુલ નામની સંસ્થામાં સમાજની દીકરીઓ રહીને અભ્યાસ કરે છે. પરંતુ આજ સંસ્થામાં હવસના પૂજારીઓને બેસાડી દેવામાં આવ્યા હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. કારણ કે તાજેતરમાં આ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા અનેક વિદ્યાર્થીનીઓનું યોન શોષણ કરવામાં આવ્યું હોવાની ચર્ચાએ ભારે જોર પકડતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં આ સંસ્થામાં અભ્યાસ કરતી અને ત્યાં જ રહેતી દીકરીઓના વાલીઓ પણ ચોકી ઉઠ્યા હતા. કહેવાય છે કે આ મામલે એક વિદ્યાર્થીનીએ રાજકોટ જિલ્લા પોલીસવાડાને ટ્રસ્ટી સહિતના ત્રણ વ્યક્તિઓ સામે બળાત્કારની ફરિયાદ અંગેની અરજી સુપ્રત કરતા આટકોટ પોલીસે ગુનો નોંધવાની પણ કાર્યવાહી શરૂ કરી છે. તેવા સમયે આ સંસ્થાના કહેવાતા સમાજના મોભી અને રાજકીય આગેવાન ગણાતા એવા ટ્રસ્ટીએ પોતાની આબરૂ જવાની બીકે ઝેરી દવા પી લેતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
જાણવા મળતી વિગતો મુજબ એક વિદ્યાર્થીનીને ભાજપના એક અગ્રણીએ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવતિની સગાઈ તોડી નખાવતા મામલો સળગ્યો છે અને વાત બળાત્કારની ફરીયાદ સુધી પહોંચી છે. આ સમગ્ર પ્રકરણમાં છાત્રાલયનું વર્ષોથી નિષ્ઠાપુર્વક સંચાલન કરતા ૭૨ વર્ષના અરજણભાઇ રામાણીનું નામ પણ ઉછાળવામાં આવતા તેમણે જાતિ જીંદગીએ બદનામીના ડરથી ઝેરી દવા પી લીધાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ અગાઉ છાત્રાલયમાં રહેતી એક યુવતીએ પોલીસમાં અરજી આપી છે તેમાં સંસ્થા સાથે જ સંકળાયેલા ભાજપના નેતાએ પોતાને પ્રેમજાળમાં ફસાવી શોષણ કર્યાનો તથા પોતાની સગાઈ તોડાવી નાખ્યાનો આક્ષેપ કર્યો છે. આ અરજીમાં પરેશ નામના આ આગેવાન સાથે ભાજપના અન્ય આગેવાન મધુ અને અરજણભાઈના નામ પણ આપવામાં આવ્યા છે. જો કે, બીજી એક એવી પણ ચર્ચા છે કે, આ સંસ્થા ઉપર વર્ચસ્વ જમાવવા માટે છેલ્લા કેટલાક સમયથી બે જુથ વચ્ચે ચાલી રહેલી લડાઈ હવે ચારિત્ર્ય હનન સુધી પહોંચી ગઇ છે. આ અરજી પાછળ પણ સંસ્થાનો આંતરીક જુથવાદ જ કારણભુત ગણાવાય છે. આ જુથે મીડીયા મારફત બદનામી શરૂ કરાવતા વૃધ્ધ ટ્રસ્ટીએ ઝેરી દવા પી લીધાનું કહેવાય છે. હાલ અરજણભાઈ બેભાન છે પરંતુ ભાનમાં આવ્યે : કેટલાક ચોંકાવનારા ધડાકા કરે તેવી શકયતા છે.