- નેતાના પુત્ર સામે ગુનો ના નોંધનાર શહેર પોલીસની તુમાખીનો વધુ એક કિસ્સો
- કંટ્રોલરૂમની સલાહ મુજબ વાસણા પોલીસને જાણ કરવા છતાં તપાસ ન કરી
- વિનોદભાઈએ વેપારીને તેઓના સાળાને ત્યાં બેસાડી રાખવા સૂચના આપી હતી
શહેરમાં 300થી વધુ લોકોની કાર કમલમમાં ભાડે આપવાની વાતો કરી લઈ ગયા બાદ ગીરવે મુકી દેનાર ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ સામે ગુનો દાખલ ના કરનાર શહેર પોલીસની તુમાખીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.
બાર દિવસથી ગૂમ નેપાળી યુવકના કિસ્સામાં વાસણા અને સાબરમતી પોલીસ સ્ટેશને વચ્ચે મામલો અટવાતા તપાસ થઈ નથી. બીજી તરફ પોલીસ કંટ્રોલરૂમની સલાહ મુજબ નેપાળી યુવકના પરિવારે વાસણા પોલીસને જાણ કરી પણ સાદી અરજી લઈને મામલો સાબરમતી પોલીસ સ્ટેશનનો હોવાનો જવાબ મળ્યો હતો. આ છેલ્લા કેટલાક દિવસથી બંને પોલીસ સ્ટેશનનો સ્ટાફ પરિવારને ગોળગોળ જવાબ આપી ધક્કા ખવડાવી રહ્યો છે.
વાસણાના રંગસાગર ફલેટમાં રહેતાં વિનોદ પાઠકના ઘરે પ્રસંગ હોવાથી તેઓનો સાળો રાજીવ મંડળ નેપાળથી આવ્યો હતો. વિનોદના ગોતા ખાતેના નવા મકાન પરથી ગત તા.17મીના રોજ રાજીવ બહાર જઈને આવ્યું તેમ કહી એક્ટિવા લઈ ગયા બાદ પરત ફર્યો ન હતો. બીજા દિવસે સાળા રાજીવે ફોન કરી વિનોદ પાઠકને જાણ કરી હું કયાં છું મને ખબર નથી. મે એક્ટિવા કયાં મુક્યું તે પણ ખબર નથી. તેની નજીકમાં રહેલી વ્યક્તિ સાથે ફોન પર વાત કરતા વિનોદ પાઠકને તેઓનો સાળો સરખેજ ઉજાલા પાસે મોબાઈલની દૂકાનમાં હોવાની વિગતો મળી હતી. વિનોદભાઈએ વેપારીને તેઓના સાળાને ત્યાં બેસાડી રાખવા સૂચના આપી હતી. વિનોદભાઈ ત્યાં પહોંચ્યા તો રાજીવ મંડળ ત્યાંથી પણ નીકળી ગયો હતો. રાજીવનો ફોન હાથ લાગ્યો પણ તે મળ્યો ન હતો. આખરે વિનોદભાઈ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા કંટ્રોલરૂમે નજીકમાં આવેલા વાસણા પોલીસને જાણ કરવા સૂચના આપી હતી.
વિનોદ પાઠકે જણાવ્યું હતું કે, ચાર દિવસ પછી તપાસમાં શું થયું તે પુછવા ગયો તો વાસણા પોલીસે સાબરમતી પોલીસ તપાસ કરશે તેવો જવાબ આપ્યો હતો. હું સાબરમતી પોલીસ સ્ટેશને ગયો તો તેઓએ વાસણાથી અરજી આવે એટલે તપાસ કરીશું તેમ જણાવ્યું હતું. આ રીતે હું બંને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છું.


