- પિતાને કેવલજ્ઞાન થયું છે, તો એનો મહિમા કરવો એ પુત્રની ફરજ છે
ભરત ક્ષેત્રના સૌથી પહેલા ચક્રવર્તી ભરત મહારાજા હતા. અયોધ્યા નગરીના એ મહારાજા હતા. એક દિવસ ભરત રાજા સભા ભરીને બેઠેલા હતા. સભાજનોના પ્રશ્નો સાંભળતા હતા અને એમના પ્રશ્નોના શાંતચિત્તે સમાધાન આપતા હતા. એવા સમયે એકસાથે બે દૂતો એમની પાસે આવ્યા. બેય દૂતના સમાચાર સાંભળવા ગમે એવા હતા
એક દૂત સમાચાર લાવ્યો હતો કે આપના પિતાશ્રી ઋષભદેવને કેવલજ્ઞાન થયું છે. બીજો દૂત આપની આયુધ શાળામાં ચક્રરત્ન આવેલું છે. આ બેય સમાચાર અગત્યના અને મહત્ત્વના છે. એટલું જ નહીં બેય સમાચાર સાંભળ્યા પછી આગળનાં પગલાં ભરવાં જરૂરી હોય છે, પણ એકસાથે તો એક જ પગલું ભરાયને! કયું કામ કરવું જોઈએ?
પિતાને કેવલજ્ઞાન થયું છે, તો એનો મહિમા કરવો એ પુત્રની ફરજ છે. તો બીજી બાજુ ચક્રરત્ન આયુધ શાળામાં આવેલું છે. એનો સમુચિત વ્યવહાર ન કરી શકાય તો એ પાછું પણ ફરી શકે છે. આ તો દેવતાધિષ્ઠિત કહેવાય.
આવી પરિસ્થિતિમાં ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવી જોઈએ? આ વિમાસણ ભરત મહારાજાને થયેલી, પણ આ વિષયમાં એમને લાંબી વિચારણા કરવી જરૂરી ન લાગી. એમણે તો નિર્ણય કરી લીધો. ભૌતિક અને આધ્યાત્મિક ઉપલબ્ધિમાં વધારે મહત્ત્વની વસ્તુ આધ્યાત્મિક ગણાય. માણસે એના તરફ જ લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઈએ.
ભૌતિકતાની ટોચ ભલે ચક્રરત્ન હોય, પણ આધ્યાત્મિક નાની ટોચ કેવલજ્ઞાનની પ્રાપ્તિ છે. ભલે ચક્રરત્નને રહેવું હોય તો રહે અને જાય તો પણ મને એની કોઈ વિમાસણ નથી. એ તો ભગવાનના કેવલજ્ઞાનના મહોત્સવમાં આગળ વધેલા. આખા નગરમાં જાહેરાત કરાવી કે ભગવાન ઋષભદેવ પ્રભુને કેવલજ્ઞાન મળ્યું છે. બધા ભગવાનનાં દર્શન, વંદન માટે પધારો! બધા જાય તો ભરત મહારાજાએ પોતાના ઘરમાં-મહેલમાં બધાને સમાચાર મોકલાવ્યા. બધા તૈયાર થઇ કલ્યાણકમાં ગયા.
મરુદેવી માતા ભગવાનનાં માતાજીએ પણ જાહેરાત કરી હું પણ આવીશ. અરે! આ મરુદેવી માતા, કેવો એમનો પુત્રપ્રેમ! જ્યારે પ્રભુએ દીક્ષા લીધી અને જ્યારથી પુરીમતાલ નગરથી વિહાર કરેલો ત્યારથી એમણે રડવાનું ચાલુ કરેલું. `મારો ઋષભ ક્યાં હશે? શું કરતો હશે? એની કોણ સેવા કરતું હશે? ભોજન કેવાં મળતાં હશે?’ આવી આવી ચિંતામાં સતત રડી રડીને આંખો પણ ગુમાવી દીધી છે, એવાં મરુદેવી માતા પણ તૈયાર થઈ ગયાં છે.
ભરત મહારાજા હાથી ઉપર બેસીને જઈ રહ્યા છે. મરુદેવી માતાને પણ હાથી ઉપર બેસાડેલાં છે. દાદીમા અને પૌત્ર – મરુદેવી માતા અને ભરત મહારાજા વાતો કરે છે.
માતા કહે છે, `મારી આંખે કશું દેખાતું નથી, તું મને કહે મારા દીકરાની શોભા કેવી છે! દૃશ્યચિત્ર જોવાની મારી ક્ષમતા નથી, પણ શબ્દચિત્રથી દરેક ઘટનાનો હું સાક્ષાત્કાર કરી શકીશ.’
ભરત મહારાજા દાદીમાને સંતોષ આપવાનો પ્રયાસ કરે છે. આ તમારા દીકરાની શોભાનું વર્ણન કરવાનું તો મારું કોઈ ગજું નથી, પણ તમે કહ્યું એટલે મને આવડે એવી ભાષામાં હું તમને સમજાવું. સોના-રૂપાના ત્રણ ગઢવાળા સમવસરણની દેવોએ રચના કરેલી છે. એના ઉપર બરાબર વચ્ચે સોનાનું સિંહાસન છે. એની પાછળના ભાગમાં વિશાળકાય અશોક વૃક્ષ છે. એની નીચે બેસીને ભગવાન દેશના આપશે. કરોડો દેવીદેવતા ભગવાનની સેવામાં હોય છે. તમે ચિંતા કરો છે, પણ આમની શોભા-ઠાઠ ઠઠારો કોઈ રાજા મહારાજા કરતાં પણ વિશેષ છે.
હવે મરુદેવી માતાના વિચારો પલટાયા. `હેં! શું વાત કરે છે! આટલાં વર્ષો સુધી એની ચિંતામાં મેં ધરાઈને ધાન ખાધું નથી. રડી રડીને આંખે અંધારાં આવી ગયાં છે. આટલાં વર્ષેમાં ક્યારેય તેને એવો વિચાર ન આવ્યો કે મારી મા શું કરતી હશે? ઘરે આટલાં દેવીદેવતાઓ છે તો એકાદ દેવને પણ આજ્ઞા કરી હોત તો મારી પાસે આવીને સમાચાર તો આપી જાત. આ સંસારમાં કોઈ કોઈનું નથી. આ સંસારમાં કોઈનો ભરોસો કરવા જેવો નથી. એના વિચારોમાં પરિવર્તન આવે છે. આ તો વિતરાગી છે. મને એના માટે લાગણી છે, પ્રેમ છે, એમને ક્યાં કોઈના માટે રાગ કે દ્વેષ છે.’ આવી વિચારધારામાં ઊંડા ઊતરે છે એ જ સમયે એમને પણ કેવલજ્ઞાન પ્રગટે છે અને થોડી જ વારમાં એમનું આયુષ્ય સમાપ્ત થાય છે. એમનું નિર્વાણ થાય છે.
ભરત મહારાજાને દાદીમાના વિરહનું દુઃખ થાય છે. આદિનાથ પ્રભુ એમને સાંત્વન આપે છે.
આવા ભરત મહારાજાએ ભગવાનના કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો એ પછી ચક્રરત્નની પૂજા પણ કરી અને સમુદ્ર સુધીની પૃથ્વીના માલિક પણ બન્યા. પ્રજાનું પાલન કરવામાં સતત જાગ્રત હતા. પ્રજાને દરેક પ્રકારની સુખ-સગવડ મળી રહે એ માટેના એમના સતત પ્રયત્નો રહેતા.
પોતાના પ્રયત્નોમાં ક્યાંય કચાશ ન આવે એના માટે પણ એમણે એક વ્યવસ્થા ગોઠવી રાખેલી. હા, માણસને પ્રમાદ ગમતો હોય છે. એશઆરામ તો કોને ના ગમે? પણ આ આરામ માણસના સુખચેનને ક્યાંય ફગાવી દે એવા હોય છે છતાં માણસને એની જરા પણ ચિંતા હોતી નથી, પણ આ તો ચક્રવર્તી ભરત મહારાજા હતા. એમને પોતાની ચિંતા હતી. સત્તા અને સંપત્તિ માણસને ઉન્માર્ગી બનવા માટે સહાયક બને છે, એ વાતની એમને ખબર હતી. એટલા માટે એમણે નક્કી કરેલું કે મારે આમાં ફસાવું નથી. હું જો આમાં ફસાઈ ગયો તો મારો આવતો ભવ કેવો હશે એની કલ્પના કરી શકાય એમ નથી.
એટલા માટે એમણે એક ટીમ બનાવેલી. પચીચ-પચાસ માણસોની બનાવેલી. જ્યારે પણ મહારાજાની નવરાશની પળોમાં બેઠેલા હોય ત્યારે એમની સામે આવીને સૂચના સ્વરૂપે બોલે, `આપ આપના આત્મસ્વરૂપને ભૂલશો નહીં. દિવસ અને રાત જેમ જેમ પસાર થાય છે તેમ તેમ આપના આયુષ્યના દિવસો ઘટી રહ્યા છે. આપ જાગ્રત થાવ, જાગ્રત થાવ.’ આવાં વચનો સંભળાવવા માટે માણસો રાખે, એની આંતરિક જાગૃતિ કેવી હશે!
એમને ઘણા દીકરાઓ હતા. એમાં એક મરિચિ નામનો પણ હતો. એણે ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરેલી. ભાવપૂર્વક સંયમનો સ્વીકાર તો કરેલો, પણ કઠોર સાધના કરવાની એ સમયે એની ક્ષમતા ન હતી એટલે એ રહેતા તો ભગવાનની સાથે જ, પણ થોડા અલગ સ્વરૂપે એ રહેલા. એમની સમજાવવાની શક્તિ જોરદાર હતી એટલે એમની પાસે દીક્ષા લેવા માટે ઘણા આવે, પણ પ્રામાણિકતા એવી કે એ પોતાના શિષ્ય ન બનાવતા, પણ ભગવાન પાસે મોકલતા.
એક દિવસ ભરતજી ભગવાનની દેશનામાં ગયેલા. ભગવાનને એમણે પ્રશ્ન કર્યો આપની સભામાં એવો કોઈ આત્મા છે કે જે ભવિષ્યમાં તીર્થંકર થવાનો હોય? ત્યારે ભગવાને એમને જવાબ આપ્યો કે, તમારા પુત્ર જે મરિચિ નામના છે એ ભવિષ્યમાં ચોવીસમાં તીર્થંકર થશે.
આવું સાંભળીને એ તરત જ મરિચિ પાસે ગયા. એમની પાસે ગયા ત્યારે પેલા મરિચિને થોડું આશ્ચર્ય થયું. ભલે એ ભરતજીના પુત્ર હતા, પણ પોતાનો પુત્ર સંયમ જીવનનો ત્યાગ કરે એ કેવી રીત સહન કરી શકે? એટલે એ ક્યારેય એમની પાસે જાય જ નહીં.
આ બધા મહાન માણસોની આ મહત્તા હતી, કે મારો દીકરો છે મહત્ત્વનું નથી, પણ સત્ય શું છે એ મહત્ત્વનું છે. એમણે ત્યાં જઈને પેલા મરિચિને વંદન કર્યા એટલે એ તો વધારે આશ્ચર્યચકિત બની ગયા, પણ ભરતજીએ ચોખવટ કરી કે તમારા આ સ્વરૂપને હું વંદન નથી કરતો, પણ ભવિષ્યમાં તમે ચોવીસમાં તીર્થંકર થવાના છો, એટલે હું વંદન કરું છું.
આ સાંભળીને એમણે પોતાના કુળનું અભિમાન કર્યું. હું કેવો મહાન કે મારા દાદા પ્રથમ તીર્થંકર, હું અંતિમ તીર્થંકર. હું ચક્રવર્તીમાં પ્રથમ. મારું કુળ કેવું મહાન આમ બોલે છે અને નાચે છે. શાસ્ત્ર એમ કહે છે કે આવું કરવાના કારણે એમણે (મરિચિએ) નીચ ગોત્ર નામનું કર્મ બાંધેલું.
ભરત ચક્રવર્તીએ આ કાળમાં સૌથી મોટો સિદ્ધામલજીનો સંદા કઢાવેલો અને સિદ્ધામલજીની ટોચ ઉપર વિશાળકાય જૈન મંદિરો બંધાવેલાં. ભરત મહારાજા એકવાર સ્નાન કરવા ગયા. વિશાલ સ્નાનગૃહ સુગંધી દ્રવ્યોથી પાણી વિવિધ પ્રકારના તૈયાર કરાવેલા. પોતે ભલે વૈરાગી હોય, પણ એમની સાથેવાળા તો વૈરાગી ન હોય. એમના મન રાખવા પણ કેટલીક વાર અમુક કામો કરવાનાં હોય છે. સ્નાન કરવા માટે બેઠા હોય ત્યારે માણસ શું વિચાર કરે? જોકે, આપણે તો જાતે જ નહાવાનું સાબુ-પાણી વગેરેનો ઉપયોગ આપણે જાતે જ કરવાનો હોય, પણ આમને તો કેટલા બધા સેવકો હોય!
સ્નાન કરતાં પહેલાં તેલથી શરીરને મર્દન કરવાનું હોય. તેલ પણ કેવા લક્ષપાક તેલ એટલે જેને તૈયાર કરવા માટે લાખ સોનામહોરનો ખર્ચ થયો હોય એનાથી માલિશ થાય.
ભરત મહારાજા માલિશ, એની પદ્ધતિથી અને પોતાના શરીરનું બરાબર નિરીક્ષણ કરી રહ્યા છે. શરીર ઉપર અલંકારો છે, એની શોભા જોઈને એમની આંખ ઠરે છે. કેવું સરસ શરીર શોભે છે! એ જ સમયે એવું બન્યું કે આંગળીઓમાં પહેરેલી વીંટીઓમાંથી એક વીંટી નીચે પડી ગઈ. આંગળી થોડી નિસ્તેજ લાગી. એ સમયે એમને વિચાર આવ્યો શોભા કોની આંગળીની કે અલંકારની. કિંમત આંગળીની કે વીંટીની. આ વિચારમાં ઊંડા ઊતરતા ગયા એ જ સમયે સ્નાનગૃહમાં જ એમને કેવલજ્ઞાન મળી ગયું. દેવોએ આવીને એમને સાધુ વેશ પણ આપ્યો અને આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા.
આપણે પણ એમના જેવો વૈરાગ્ય કેળવીએ. એમની જેમ સાચી દિશામાં વિચારણા કરતા થઈએ તો આપણને પણ કેવલજ્ઞાન મળતા વાર ના લાગે. બસ, જરૂર છે સમજપૂર્વકની નિષ્ઠાની.