સુરતના પુલમાં ભાગીદાર કોન્ટ્રાકટર રણજીત બિલ્ડકોને રાજકોટમાં પાંચ બ્રિજ બનાવ્યા છે
સુરતમાં ચાલતા મેટ્રો રેલ પ્રોજેક્ટના કામમાં સારોલી-કડોદરા રૂટ પરના એલીવેટેડ બ્રિજમાં બનેલો તોતીંગ સ્પાન બટકણા બિસ્કીટની જીમ નમી પડ્યો, મહાકાય સ્પાન જો ધરાશાયી થઇ ગય હોત તો નીચેથી પસાર થતા રાહદારીઓ ઉપર મોત બનીને ધસી ગયો હોત. આ ઘટનાથી રાજકોટવાસીઓને એટલા માટે ચિંતામાં મુકાવા જેવુ છે કે, સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ સલંગ્ન એલીવેટેડ બ્રિજના કામનો કોન્ટ્રાક્ટ જેને અપાયો છે એ રણજીત બિલ્ડકોન અને દિલીપ બિલ્ડકોનની ભાગીદારીવાળી કંપનીએ રાજકોટમાં એક..બે નહીં પણ પાંચ-પાંચ બ્રિજ બનાવ્યા છે અને એ પૈકી કે.કે.વી. ચોકમાં બનાવેલા બ્રિજના કામમાં રણજીત બિલ્ડકોન એજન્સી વિવાદમાં આવી ગઇ હતી.
રણજીત બિલ્ડકોન કંપનીએ અત્યાર સુધી રાજકોટ સહિત ગુજરાતભરમાં અનેક મોટા પ્રોજેક્ટ કર્યા છે. કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ મેળવ્યા છે. એ પૈકી મોટાભાગના કામ ઓવરબ્રીજ અને અન્ડરબ્રિજના છે. એવુ કહેવાય છે કે, સતાપક્ષ સાથે રણજીત બિલ્ડકોનને ‘ઘનિષ્ઠ’ સંબંધ છે. બ્રિજના મોટા પ્રોજેક્ટ રણજીત બિલ્ડકોનને જ મળે એ મુજર જ ટેન્ડરની શરતો તૈયાર થતી હોવાના પણ છેલ્લા લાંબા સમયથી ઉઠતા સવાલો છે. અનેક વખત વિવાદમાં આવી જવા છતા રણજીત બિલ્ડકોન અને દિલીપ બિલ્ડકોનને જ સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ સલંગ્ન એલીવેટેડ બ્રિજ બનાવવાનું કામ અપાયુ અને ગણતરીના દિવસોમાં જ મહાકાય સ્પાન નમી પડતા નાશભાગ મચી ગઇ હતી. પ્રશાસને તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર બંધ કરાવવો પડ્યો હતો.
રાજકોટમાં આ પાંચ બ્રિજ રણજીત બિલ્ડકોને બનાવ્યા’તા
- KKV ચોકમાં બીઆરટીએસ સમાંતર બ્રિજ
- KKV ચોકમાં વોકહાર્ટ હોસ્પિટલથી આત્મિય કોલેજ તરફ જાય તે રીતે ડબલ ડેકર બ્રિજ
- નાના મવા ચોકનો બ્રિજ
- જડુસ રેસ્ટોરેન્ટ ચોકમાં બ્રિજ
- રામાપીર ચોકડીનો બ્રિજ
KKV ચોકના બ્રિજમાં આ રીતે રણજીત બિલ્ડકોન એજન્સી આવી હતી વિવાદમાં
એક જાગત નાગરિકે RTI પણ કરી હતી
કે.કે.વી. ચોકમાં હયાત બ્રીજની ઉપર રૂ.૧૨૯ કરોડના ખર્ચે બનતા નવા ડબલ ડેકર બ્રિજના કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને અપાયો હતો. પ્રોજેક્ટના ડીપીઆર(ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ) અને પ્લાનીંગમાં આત્મીય કોલેજ તરફ સ્ટ્રોમ વોટર ડ્રેનજ પાઇપલાઇન નાખવાનું કામ બ્રિજના પ્રોજેક્ટમાં ન હતુ. પરંતુ પાછળથી આ કામની મલાઇ રણજીત બિલ્ડકોનને મળે એવા આશયથી બ્રિજના કામમાં જ સ્ટ્રોમ વોટર પાઇપલાઇનનું કામ ઘુસાડી દેવામા આવ્યુ હતુ. અહીં વિવાદ એ થયો હતો કે, આ સ્ટ્રોમ વોટર પાઇપલાઇન જૂની ધરબી દેવામા આવી હતી. ભંગાર જેવી હાલતની આ પાઇપલાઇન રંગરોગાણ કરીને નાખી દેવામા આવી હોવાનો આક્ષેપ ઉઠ્યો હતો. આ અંગે કોઇ જાગૃત નાગરિકે રાઇટ ટુ ઇન્ફ્રોમેશન હેઠળ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અરજી પણ કરી હતી. જો કે બાદમાં તપાસનું નાટક કરીને બધુ સંકેલી લેવામા આવ્યુ હતુ.
રાજકોટના હિરાસર એરપોર્ટમાં તૂટી પડેલો કેનોપી પણ બિલ્ડકોને જ બનાવ્યો હતો
રાજકોટના હિરાસર એરપોર્ટમાં અલગ અલગ કામના જે કોન્ટ્રાક્ટ અપાઇ રહ્યો છે તેમા પણ બિલ્ડકોન કંપનીને કેનોપી બનાવવાનું કામ અપાયુ હતુ. આ કામમાં પણ બિલ્ડકોન કંપની નબળા કામની શંકાના દાયરામાં આવી ગઇ છે. હીરાસર એરપોર્ટમાં પેસેન્જર પેસેજ તરફનું તોતીંગ કેનોપી જે તાજેતરમાં જ ધબાયનમ: થઇ ગયુ હતુ એ કેનોપી બિલ્ડકોન કંપનીએ જ બનાવ્યુ હતુ. આ ઘટનાના પગલે એરપોર્ટ ઓથોરિટીની વડી કચેરી દિલ્હીથી ટીમ તપાસઅર્થે આવી હતી. જો કે તપાસ બાદ શું નિષ્કર્ષ આવ્યો તે હજુ જાહેર કરાયુ નથી.