- ઝારખંડમાં વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે
- વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા અને મકાનોને નુકસાન થયું હતું
- રાંચીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે એનડીઆરએફ એ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યું છે
ઝારખંડમાં છેલ્લા બે દિવસમાં સતત વરસાદને કારણે ઘણા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. વૃક્ષો ધરાશાયી થયા હતા અને મકાનોને નુકસાન થયું હતું. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક અધિકારીએ જણાવ્યું કે રાજ્યના કોઈપણ ભાગમાં જાનહાનિની કોઈ માહિતી નથી. ઝારખંડ સરકારે વરસાદને જોતા શનિવારે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપી દીધો છે. બોકારોમાં પુલના બે પિલર ડૂબી જવાના સમાચાર પણ છે.
અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર
અધિકારીએ જણાવ્યું કે, રાજ્યની રાજધાની રાંચીમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ તૈનાત કરવામાં આવી છે, જેથી મૂશળધાર વરસાદથી પ્રભાવિત નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવે. તેમને કહ્યું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. હવામાન વિભાગે શનિવારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
લગભગ 40 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
રાંચી હવામાન કેન્દ્રના પ્રભારી અભિષેક આનંદે જણાવ્યું હતું કે, “મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અને ઉત્તર-પશ્ચિમ ઝારખંડમાં ભારે વરસાદની અપેક્ષા છે.” રાંચીમાં વરસાદી પાણીને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને શુક્રવારે સાંજે એનડીઆરએફ એ બંધાગરી વિસ્તારમાંથી લગભગ 40 લોકોને સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.
પાણીના જોરદાર પ્રવાહમાં ત્રણ રસ્તા ધોવાઈ ગયા
રાંચીના મંદાર વિસ્તારમાં એક રસ્તો પાણીના જોરદાર પ્રવાહથી ધોવાઈ ગયો હતો. શનિવારે સવારે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી જોવા મળ્યા હતા. રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશને પાણી ભરાવાની ફરિયાદો નોંધવા માટે હેલ્પલાઈન શરૂ કરી છે. ગુમલામાં ઓછામાં ઓછા ત્રણ રસ્તા પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયા છે. એક અધિકારીના જણાવ્યા મુજબ ગુમલા અને લોહરદગાને જોડતા કાંદ્રા ગામ પાસે એક રસ્તો ધોવાઈ ગયો છે. આ સિવાય ચેનપુર બ્લોકમાં એક રસ્તો ધોવાઈ ગયો હતો જે પાંચ ગામના 15,000 લોકોને જોડતો હતો. જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોના ગામડાઓમાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
એનડીઆરએફની ટીમને તૈયાર રાખવામાં આવી
રામગઢમાં દામોદર અને ભૈરવી નદીમાં જળસ્તર વધવાને કારણે પ્રશાસને પ્રસિદ્ધ તીર્થસ્થળ રાજપ્પા મંદિર વિસ્તાર માટે એલર્ટ જાહેર કર્યું છે. મંદિરના મુખ્ય પૂજારી અજય પાંડાએ કહ્યું કે ભક્તોને દામોદર નદી તરફના એક્ઝિટ ગેટ તરફ ન જવાની સલાહ આપવામાં આવી છે. રામગઢના ડેપ્યુટી કમિશનર ચંદન કુમારે તમામ છ બ્લોકના અધિકારીઓને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે અને એનડીઆરએફની ટીમોને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવી છે.
ધનબાદમાં, બેકારબંધ પાસેની ગ્રેવાલ કોલોની, ભુલીમાં નાવડીહ નંદન રેસિડેન્સી, ધૈયામાં મંગલ વિહાર કોલોની, મૈથોનમાં શિવલીવારી કોલોની જેવા ઘણા વિસ્તારો ભારે વરસાદને કારણે ડૂબી ગયા છે. ધનબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રવિરાજ શર્માએ જણાવ્યું હતું કે પાણીના નિકાલ માટે વિવિધ સ્થળોએ ક્વિક એક્શન ટીમ (ક્યુઆરટી) તૈનાત કરવામાં આવી છે.