ગુજરાતમાં જુલાઇ માસમાં બીએસએનએલના ૨.૫૦ લાખ સિમકાર્ડનું વિક્રમી વેચાણ
રાજકોટમાં પણ સિમકાર્ડના વેચાણમાં જોરદાર વધારો : ખાનગી કંપનીઓ તરફ મોબાઇલ યુઝરનો મોહ ભંગ
રિલાયન્સ જીઓ અને એરટેલ સહિતની ખાનગી મોબાઇલ કંપનીઓએ ગ્રાહકોને ભાવ વધારાનો ડામ દેતા ગ્રાહકોમાં પ્રત્યાઘાતો ઉભા થયા છે. લોકોએ જીઓ અને એરટેલની સેવાઓ બાજુએ રાખી દઇ, બીએસએનએલ તરફ મીટ માંડી છે. એક સમયે બીએસએનએલના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થતો હતો. તેને બદલે આ બંને ખાનગી કંપનીના ટેરીફમાં વધારો થતાં બીએસએનએલના સીમકાર્ડના વેચાણમાં વિક્રમી વધારો થયો છે.
રિલાયન્સ જીઓ અને એરટેલ સહિત ખાનગી મોબાઇલ કંપનીઓએ જુલાઇના આરંભે મોબાઇલ રિચાર્જ, ડેડા પેકસના ભાવમાં મોટો વધારો કરવાથી દેશની પ્રજાની, સરકારની કંપની ભારત સંચાર નિગમ લિ. (બીએસએનએલ)ના વિકાસની નવી આશા જન્મી છે અને પ્રાપ્ત માહિતી અનુસાર ગત એક માસમાં તેના ગ્રાહકોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે. લોકો ઉત્સાહપૂર્વક આ સરકારી કંપની તરફ વળી રહ્યાના અહેવાલો મળ્યા છે.
બીએસએનએલના સૂત્રો અનુસાર ગુજરાતમાં ગત જુલાઇ-૨૦૨૪માં ૨.૫૫ લાખ સિમનું વેચાણ થયું છે જે અત્યાર સુધીના ઇતિહાસમાં રેકોર્ડબ્રેક છે અને હાલ પણ અગાઉ કરતા અનેકગણા કસ્ટમરો બીએસએનએલનું નવું સિમ લેવા આવી રહ્યા છે અને પોર્ટ ઇનનું એટલે કે ખાનગી કંપનીમાંથી સરકારી કંપનીમાં આવવાનું પ્રમાણ પણ વધ્યું છે.
રાજકોટ સર્કલ-જિલ્લામાં ખાનગી કંપનીઓના ભાવ વધારા પહેલા ગત જૂન માસમાં માત્ર ૧3૫૦ સિમનું વેચાણ થયું હતું અને જુલાઇમાં એકદમ જમ્પ આવ્યો છે અને ૧૬૮૫૦ સિમ વેચાયા છે.
આ ઉપરાંત હાલ બીએસએનએલ દ્વારા ૪જી સેવા શરૂ કરાઇ રહી છે અને નવા સીમ કાર્ડ ઇશ્યુ થઇ રહ્યા છે તે માટે ટેલીફોન એકસચેન્જની કચેરીઓએ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. 3૦૦ એમબીપીએસ સુધીની સ્પીડ સાથે ઓપ્ટીકલ ફાઇબર કે જેમાં ઝડપી ઇન્ટરનેટ સેવા ઉપરાંત લેન્ડલાઇન ફોન પણ મળી શકે છે તે માટે પણ ઘસારો જોવા મળી રહ્યાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું. વર્ષો બાદ બીએસએનએલના કર્મચારીઓમાં ઉત્સાહનો સંચાર થયો છે.
ઉલ્લેખનીય છે કે ટેલીફોન વિભાગની જગ્યાએ કેન્દ્ર સરકારે ઇ.સ.૨૦૦૦માં બીએસએનએલ કંપનીની સ્થાપના કરી હતી અને ત્યારે અને આજે તેની પાસે સૌથી મોટુ નેટવર્ક છે છતાં તાજેતરના વર્ષોમાં તે તળિયે જઇ રહ્યું હતું. એક સમયે 3.૫૦ લાખ કર્મચારીઓ ધરાવતા બીએસએનએલમાં સમગ્ર દેશમાં હાલ માત્ર ૬૮ હજાર કર્મચારીઓ છે. જો ભાવ હરીફાઇ અને સાથે ગુણવત્તાયુકત સેવામાં વિશેષ લક્ષ્ય અપાય તો તો સરકારને સરકારી કંપનીને ધમધમતી કરવાની તક ખાનગી કંપનીઓએ અજાણતા આપી હોવાની સ્થિતિ જોવા મળી છે.