- સ્વતંત્રતા દિવસ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીને મોટી કાર્યવાહી
- NIAએ બબ્બર ખાલસા આતંકી સંગઠનના એક આતંકીની કરી ધરપકડ
- CBIએ ઈન્ટરપોલની મદદથી આતંકવાદી તરસેમ સંધુને ભારત લાવ્યા
સ્વતંત્રતા દિવસ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીને મોટી સફળતા મળી છે. NIAએ શુક્રવારે બબ્બર ખાલસા આતંકી સંગઠનના એક આતંકીની ધરપકડ કરી છે. સીબીઆઈએ ઈન્ટરપોલની મદદથી આતંકવાદી તરસેમ સંધુનું ભારત પ્રત્યાર્પણ કર્યું છે. તરસેમ સંધુને દુબઈથી દેશનિકાલ કરીને ભારત લાવવામાં આવ્યો છે. સંધુ ભારતમાં આવતાની સાથે જ NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તરસેમ સંધુ મોહાલીમાં આરપીજી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી છે.
મળતી માહિતી મુજબ, પકડાયેલ આરોપી તરસેમ સંધુ કુખ્યાત આતંકવાદી લખબીર સિંહ લાંડાનો ભાઈ છે. તરસેમ પંજાબના તરનતારનનો રહેવાસી છે. લાંબા સમયથી સીબીઆઈની આંખમાં ધૂળ નાંખી રહેલા આતંકવાદી તરસેમને ગ્લોબલ ઓપરેશન સેન્ટર વિભાગ દ્વારા એનઆઈએ અને ઈન્ટરપોલ એનસીબીના સંકલનમાં દુબઈથી ભારતમાં તડીપાર કરવામાં આવ્યો છે. 13 નવેમ્બર 2023ના રોજ તરસેમ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તરસેમની ધરપકડને 15 ઓગસ્ટ પહેલા બબ્બર ખાલસા આતંકવાદી સંગઠન વિરુદ્ધ મોટી કાર્યવાહી માનવામાં આવે છે.
તરસેમની ધરપકડ બાદ ગુપ્તચર એજન્સીઓને આશા છે કે વિદેશમાં બેઠેલા બબ્બર ખાલસા આતંકવાદીઓ જે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે તેના વિશે ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. રેડ કોર્નર નોટિસ જારી થયા બાદ લાંબી કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ હતી જે બાદ 9 ઓગસ્ટના રોજ આતંકી તરસેમને દેશનિકાલ કરવામાં આવ્યો હતો. આતંકવાદી તરસેમનું લોકેશન ટ્રેસ કર્યા બાદ ઈન્ટરપોલે તેની દુબઈમાં ધરપકડ કરી અને તેને ભારત મોકલી દીધો.
RPG હુમલો શું હતો?
9 મે 2022ના રોજ પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર આરપીજી એટલે કે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી પરંતુ વિસ્ફોટને કારણે કાચ તૂટી ગયો હતો. આ હુમલો દીપક રંગા નામના આરોપીએ કર્યો હતો. પોલીસે આરોપીની યુપીના ગોરખપુરથી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતાં બબ્બર ખાલસાનું નામ સામે આવ્યું હતું. તરસેમ આમાં મુખ્ય સૂત્રધાર હતો, જેની હવે NIA દ્વારા ધરપકડ કરવામાં આવી છે.