બાળકો, વડિલો સહિત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં ઉમટી પડ્યા, રેસકોર્સ રિંગરોડથી જ્યુબિલી ચોક ગાંધીજીની પ્રતિમા સુધી રસ્તાઓ ત્રિરંગાથી રંગાયા
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્વાતંત્ર પર્વ સપ્તાહની ઉજવણી આજથી શરૂ કરવામા આવી છે. તેનો પ્રારંભ સવારે ૧૦ વાગ્યે રાજકોટમાં તિરંગા યાત્રાથી કરવામા આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ખાસ આ પ્રસંગ માટે રાજકોટ આવ્યા હતા. તેમણે તિરંગા યાત્રાને લીલીઝંડી આપી હતી. ધારણા મુજબ ભાજપની આ પાવર પેક યાત્રા સફળ રહી હતી. બાળકો સહિત ૫૦ હજારથી વધુ શહેરીજનો જોડાયા હતા. યાત્રા પ્રસ્થાન કરાવતા પૂર્વે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ કહ્યુ હતુ કે, આ તિરંગા યાત્રા દેશના વિકાસની યાત્રા તરફ જઇ રહી છે એ મને આત્મ વિશ્વાસ છે. ૨૦૪૭માં ભારત વિશ્વગુરુ બને એવા દ્રઢ સંકલ્પ સાથે તિરંગા યાત્રામાં સૌ કોઇ દોટ મુકે તેવી મારી લાગણી છે.
રાજકોટ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે તેના ભાગરૂપે આ વર્ષે પણ ગુજરાતના મહાનગરોમાં ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી એક સપ્તાહ સુધી કરવા માટે આયોજન કરાયુ છે. જેનો શુભારંભ આજે રાજકોટની ધરતી પરથી તિરંગા યાત્રા સાથે કરવામા આવ્યો હતો. ખાસ આ પ્રસંગ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રિય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત સ્થાનિક નેતામાં પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા, સાંસદ રામભાઇ મોકરિયા, રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડો.ભરત બોઘરા, મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરિયા, ડો.દર્શિતાબેન શાહ, મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તિરંગા યાત્રાના પ્રસ્થાન પૂર્વે દેશભક્તિ જનસભામાં ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યુ હતુ કે, મારુ એ શૈભાગ્ય છે કે, ગુજરાતની તપસ્વી ભૂમિ, સંતની ભૂમિ અને દેશની આઝાદીના પ્રણેતા પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મની પાવન ભૂમિ એવા ગુજરાતમાં અને એ પણ સ્વાતંત્ર પર્વની ઉજવણી જેવા પ્રસંગે આવવાનો અવસર મળ્યો છે.
જે.પી.નડ્ડાએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે, આ તિરંગા યાત્રા દેશના ભાવી વિકાસ માટેની યાત્રાની દોટ છે. ૨૦૪૭માં ભારત વિશ્વ ગુરુ બનશે એ નક્કી છે અને આજે તિરંગા યાત્રામાં જે જોડાનાર હજારો લોકો આ જ સંકલ્પ સાથે તિરંગા યાત્રામાં જોટ મુકે કે મા ભારતી, મા ભોમ ભારતને વિશ્વ ગુરુ બનાવવા સૌ કોઇ સશક્ત પ્રયાસ કરે.
દેશને આઝાદ કરાવવામા ગુજરાતનું ખુબ મોટુ યોગદાન છે
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યુ હતુ કે, સમગ્ર દેશ ગુજરાતનું રૂણી છે. આ ગુજરાત એ છે કે, જેમણે દેશને આઝાદ કરાવવાના પ્રણેતા પૂ.મહાત્મા ગાંધી આપ્યા. દેશને આઝાદા કરાવવામા ગુજરાતનું ખુબ મોટુ યોગદાન છે અને હું ગુજરાતને વંદન કરુ છું. દેશ આઝાદ થયા પછી પણ અખંડ ભારત માટે સરદાર વલ્લભભાઇ પટેલે દેશના ૫૬૨ રજવાડા(સિયાસત)ને જોડવાનું કામ કર્યુ. આ એ ગુજરાત છે કે, જેમણે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યા. ગુજરાતની આ પાવન ભૂમિને મારા સત સત વંદન છે.
પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.બોઘરા, શહેર પ્રમુખ મુકેશ દોશી અને સ્ટે.ચેરમેન જયમીન ઠાકરનું સફળ સંકલન
તિરંગા યાત્રાના આયોજન માટે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, શહેર પ્રમુખ મુકેશ દોશી અને મનપાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામા આવી હતી. યાત્રામાં લોકોને સ્વયંભૂ જોડવા માટે જે પ્રયાસ કર્યા તેને અભૂતપૂર્વ સફળતા મળી છે. શાળા-કોલેજના છાત્રો, વિવિક સામાજિક સંગઠનો, એન.જી.ઓ., જ્ઞાતિ સંગઠનો સહિતના સાથે સંપર્કમાં રહ્યા હતા. એટલુ જ નહીં તિરંગા યાત્રાના રૂટ પર દેશભક્તિને લગતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, રાષ્ટ્રભક્તિના ગીત, બેન્ડ સુરાવલી સહિતનું માઇક્રો પ્લાનીંગ ડો. ભરત બોઘરા, મુકેશ દોશી અને જયમીન ઠાકરે સફળતા પૂર્વક પાર પાડ્યુ છે.
‘હર ઘર તિરંગા’ અભિયાન જન-જનને જોડે છે : મુખ્યમંત્રી
ગુજરાતમાં સ્વાતંત્ર પર્વ સપ્તાહની ઉજવણી આજે રાજકોટમાં તિરંગા યાત્રાથી થઇ એ પ્રસંગે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનથી દેશ આખામાં રાષ્ટ્ર ભાવનાનો અલગ જ જુવાળ જગાડ્યો છે. રાષ્ટ્રભાવના જગાવી છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશના જન-જનને જોડે છે.