– ચીન કરતા ભારતીય ઈક્વિટીઝમાં રોકાણકારોને વધુ વિશ્વાસ
– એશિયામાં જાપાનની ઈક્વિટીઝ રોકાણકારો માટે ફેવરિટ
Updated: Oct 20th, 2023
મુંબઈ : બેન્ક ઓફ અમેરિકા દ્વારા વૈશ્વિક ફન્ડ મેનેજરોના કરાયેલા સર્વેમાં ભાગ લેનારામાંથી ૫૪ ટકા ફન્ડ મેનેજરોએ વર્તમાન વર્ષમાં ઈક્વિટીઝમાં પરંપરાગત સાંતા રેલી જોવા મળવાની અપેક્ષા વ્યકત કરી છે. ૩૨ ટકા ફન્ડ મેનેજરોએ આવી રેલી જોવા નહીં મળે તેવો મત વ્યકત કર્યો છે.
વર્તમાન વર્ષના ૬થી ૧૨ ઓકટોબર દરમિયાન આ સર્વે હાથ ધરાયો હતો માટે તેમાં હમાસ પર ઈઝરાયલના હુમલાની અસરને કદાચ આવરી લેવાઈ હશે. જો યુદ્ધ વધુ પ્રસરશે નહીં તો રેલીની શકયતા રહેલી છે.
સર્વેમાં ભાગ લેનારામાંથી ૨૧ ટકા ફન્ડ મેનેજરોએ વૈશ્વિક મંદી તથા ઊંચા વ્યાજ દરોને મોટાજોખમ તરીકે લેખાવ્યા હોવાનું બેન્ક ઓફ અમેરિકાના સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.
૬૦ ટકા ફન્ડ મેનેજરો માની રહ્યા છે, કે અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દર વધારવાની સાયકલ પૂરી કરી નાખી છે. ૭૫ ટકા ફન્ડ મેનેજરોએ જણાવ્યું હતું કે ચીનની બજાર તથા તેના અર્થતંત્રને ડી-રેટિંગ માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
૧૨ ટકા રોકાણકારો ચીનની ઈક્વિટીને અન્ડરવેઈટ કર્યું છે જ્યારે ૨૮ ટકા રોકાણકારો ભારતની ઈક્વિટી માટે ઓવરવેઈટ છે. એશિયામાં જાપાનની ઈક્વિટીઝ રોકાણકારો માટે ફેવરિટ છે.
ફન્ડ મેનેજરો પાસે જંગી રોકડ હાથમાં હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ચીનની સરખામણીએ અમેરિકા તથા યુરોપમાં રિઅલ એસ્ટેટ માર્કેટ તૂટી પડવાનું જોખમ વધુ જોવાઈ રહ્યું છે.
ચીનના નીતિવિષયકો દેશની રિઅલ એસ્ટેટ માર્કેટને ટકાવી રાખવા શક્તિમાન હોવાનું રોકાણકારો માની રહ્યા છે.
ફન્ડ મેનેજરો પાસે હાથમાં રોકડનું પ્રમાણ જે સપ્ટેમ્બરમાંએસેટ અન્ડર મેનેજમેન્ટના ૪.૯૦ ટકા હતું તે ઓકટોબરમાં વધી ૫.૩૦ ટકા પર આવી ગયું છે. પાંચ ટકાથી ઉપરની કેશ ઓન હેન્ડ માત્રા ખરીદીના સંકેત પૂરા પાડે છે, એમ પણ રિપોર્ટમાં જણાવાયું છે.